લંડનઃ બ્રિટિશ ઈન્ડિયન્સ અને બેવડું નાગરિકત્વ ધરાવતા લોકોને ૯,૦૦૦ પાઉન્ડનું વળતર અને હેલ્થ ઈન્સ્યુરન્સ લઈને યુકે છોડી પોતાના દેશ જતા રહેવા માટે UKIPની નેતાગીરીના ૩૯ વર્ષીય ઉમેદવાર જહોન રિસ-ઈવાન્સે કરેલી ટિપ્પણીથી યુકેના એશિયન સમુદાયમાં ભારે રોષની લાગણી ફેલાઈ હતી. ગ્રેટર માન્ચેસ્ટરમાં તેમણે કરેલા આ નિવેદનને તેમના હરિફો તથા લોકોએ હાસ્યાસ્પદ ગણાવીને સોશિયલ મીડિયા પર તેની ખૂબ ટીકા કરી હતી.
પૂર્વ સૈનિક ઈવાન્સે જણાવ્યું હતું કે તેની સૂચિત ‘ફાસ્ટ ટ્રેક એક્સપોર્ટ-ઈમ્પોર્ટ સ્કીમ’ હેઠળ તેઓ ટેરિફ ફ્રી વસ્તુઓની યુકેમાં નિકાસ કરી શકે અને તેનાથી દર વર્ષે માઈગ્રેશન ઘટીને એક મિલિયનથી નીચે આવી જશે અને આંતરરાષ્ટ્રીય વેપાર સંબંધોને વેગ મળશે.
ભારતીય લોકોએ‘ગુજરાત સમાચાર’ અને ‘એશિયન વોઈસ’ને પોતાની પ્રતિક્રિયા આપી હતી. સિટી શીખ્સ નેટવર્કના ચેરમેન જસવીર સિંઘે ફેસબુક પર રમૂજ કરતા લખ્યું હતું કે આ વ્યક્તિ મને ઘરે જવા માટે ૯,૦૦૦ પાઉન્ડ આપશે. હું મૂળ વેસ્ટ લંડનનો છું. મારે મારો ચેક ક્યાંથી મેળવવાનો રહેશે ?
બલવિન્દર કૌરે જણાવ્યું હતું કે યુકેમાં ભારતીય મૂળના ૧.૫ મિલિયન લોકોની વસતી છે. તેમાંથી મોટાભાગના લોકો ૯,૦૦૦ પાઉન્ડ કરતા વધુની રકમ ટેક્સ તરીકે ચૂકવે છે. યુકેમાં જન્મથી સૌથી ધનવાન વ્યક્તિ (હિંદુજા બ્રધર્સ) ભારતીય છે. તે આવી ઉશ્કેરણીજનક ટિપ્પણી કેવી રીતે સાંખી શકે ?
શ્રીરામ ઉપાધ્યાયે જણાવ્યું હતું કે આવી વ્યક્તિઓને માહિતી આપવાની જરૂર છે. આ દેશમાં આપણા પૂર્વજો સહિત આપણું યોગદાન અબજો પાઉન્ડનું રહ્યું છે. ઈવાન્સ જેવા લોકોએ તો આપણા દેશ માટે એક પેની પણ આપી નહીં હોય.
જગન્નાથ સુરેશે જણાવ્યું હતું કે આપણામાંથી મોટાભાગના લોકો યુકેના જુદાજુદા ભાગોમાં જન્મ્યા છે અને ઈવાન્સની માફક જ બ્રિટિશ છીએ.