ન્યૂ યોર્કઃ ગઈ ૩૦ મેએ યુએસએ ટુડેએ બેસ્ટ સેલીંગ બુક્સ લિસ્ટ જાહેર કર્યું હતું. તેમાં ૧૧ ભારતીય અમેરિકન સહિત ડઝનબંધ એશિયન અમેરિકન પેસિફિક આઈલેન્ડર (AAPI) લેખકોના ગ્રૂપને સ્થાન મળ્યું હતું. આ લેખકો અલગ અલગ ક્ષેત્રના છે તેવી રીતે તેમની કૃતિઓ પણ મેમરીઝથી ફિક્શન અને રોમાન્સથી હ્યુમર પર આધારિત છે. ૪૦ AAPI લેખકોને તેમાં સ્થાન અપાયું છે જેમાં ઉભરતા તેમજ ખૂબ અનુભવી લેખકો સામેલ છે.
આ લેખકોમાં કિરણ દેસાઈ, ડો.સંજય ગુપ્તા, ઉપ પ્રમુખ કમલા હેરિસ, મીના હેરિસ, મીન્ડી કેલિંગ, ઝૂમ્પા લાહિરી, ફાતિમા ફરહીન મીર્ઝા, સિદ્ધાર્થ મુખરજી, ઐમી નેઝુકુમાતાથીલ, રેશ્મા સવજાણી અને થ્રુતિ ઉમરીગરનો સમાવેશ થાય છે. ભારતમાં જન્મેલા કિરણ દેસાઈ તેમના લેખિકા માતા અનિતા દેસાઈ સાથે ટીનેજર હતા ત્યારે અમેરિકા સ્થળાંતર કર્યું હતું. તેમની પ્રથમ નવલકથા 'હુલ્લાબાલુ ઈન ધ ગુવા ઓર્ચાર્ડ'ની પ્રશંસા થઈ હતી. જોકે તેમની બીજી નવલકથા ' ધ ઈનહેરિટન્સ ઓફ લોસ'ને બુકર પ્રાઈઝ મળ્યું હતું. આ બુકને લીધે તેમને બેસ્ટ સેલર લિસ્ટમાં સ્થાન મળ્યું હતું.
ન્યૂરોસર્જન, રિપોર્ટર અને લેખક ડો. સંજય ગુપ્તાને ૨૦૦૭માં તેમના પુસ્તક 'ચેઝિંગ લાઈફઃ ન્યૂ ડિસ્કવરીઝ ઈન ધ સર્ચ ફોર ઈમમોર્ટાલિટી ટુ હેલ્પ યુ એજ લેસ ટુડે' માટે બેસ્ટ સેલર લિસ્ટમાં સ્થાન મળ્યું હતું. ૨૦૧૨માં 'મન્ડે મોર્નિંગ્સ' નવલકથા અને ૨૦૨૧માં 'કિપ શાર્પઃ બિલ્ડ અ બેટર બ્રેઈન એટ એની એજ' માટે તેમનો આ લિસ્ટમાં સમાવેશ થયો હતો.
અમેરિકાના વાઈસ પ્રેસિડેન્ટ કમલા હેરિસને તેમના બે પુસ્તક 'ધ ટ્રુથ્સ વી હોલ્ડઃ એન અમેરિકન જર્ની' અને 'સુપરહિરોઝ આર એવરીવ્હેર' બદલ આ લિસ્ટમાં સ્થાન મળ્યું છે.
વકીલ, આંત્રપ્રિન્યોર અને લેખિકા મીના હેરિસ પણ વાઈસ પ્રેસિડેન્ટ કમલા હેરિસના ભત્રીજી છે. તેઓ તાજેતરમાં જ બે ચીલ્ડ્રન બુક 'કમલા એન્ડ માયાસ બીગ આઈડિયા' અને 'એમ્બિશિયસ ગર્લ' સાથે આ લિસ્ટમાં સામેલ થયાં છે.
એક્ટ્રેસ, હાસ્ય કલાકાર અને લેખિકા મીન્ડી કેલિંગને બે નિબંધ પુસ્તક 'ઈઝ એવરીવન હેંગિંગ આઉટ વિધાઉટ મી ? (એન્ડ અધર કન્સર્ન્સ)' અને 'વ્હાય નોટ મી' ને લીધે સ્થાન મળ્યું છે. ઝૂમ્પા લાહિરીની મોટાભાગની કૃતિઓને યુએસએ ટુડે બેસ્ટસેલરમાં સ્થાન મળેલું છે.