Unicef યુકેના ભૂખ્યાં બાળકોની વહારે

Thursday 31st December 2020 01:51 EST
 
 

લંડનઃ યુનાઈટેડ નેશન્સની એજન્સી યુનિસેફ ૭૦થી વધુ વર્ષના તેના ઈતિહાસમાં પહેલી વખત યુકેના ભૂખ્યાં બાળકોને ભોજનતૃપ્ત કરાવવા માટે ૭૦૦,૦૦૦ પાઉન્ડના ઈમર્જન્સી ફંડ સાથેઆગળ આવી છે. એજન્સી સાઉથ લંડનના સધર્કમાં કોરોના વાઈરસ કટોકટીથી અસર પામેલાં લોકોને ફૂડ પાર્સલ આપવાના ભંડોળમાં મદદ કરશે. યુએન એજન્સીના આ પગલાંથી યુકે સરકારની ભારે ટીકા થઈ છે.

સમગ્ર વિશ્વમાં બાળકોને માનવતાવાદી મદદ પહોંચાડવા માટે જવાબદાર Unicef દ્વારા યુકેમાં કોવિડ-૧૯ મહામારીથી અસરગ્રસ્ત બાળકોને ખવડાવવા ડોમેસ્ટિક ઈમર્જન્સી રિસ્પોન્સ લોન્ચ કરાયો છે. એજન્સીએ કહ્યું હતું કે કોરોના વાઈરસ મહામારી દ્વિતીય વિશ્વયુદ્ધ પછી બાળકોને સૌથી વધુ અસર પહોંચાડનારી કટોકટી છે. ફૂડ ફાઉન્ડેશન ચેરિટી દ્વારા મે મહિનામાં કરાયેલા ‘યુગવ’ પોલમાં જણાયું હતું કે ૨.૪ મિલિયન (૧૭ ટકા) બાળકો ખોરાક માટે અસલામત પરિવારોમાં રહેતાં હતાં. ઓક્ટોબર સુધીમાં વધુ ૯૦૦,૦૦૦ બાળકો ફ્રી સ્કૂલ મીલ્સ માટે નોંધવામાં આવ્યા હતા. યુનિસેફ દ્વારા યુકે માટે ૭૦૦,૦૦૦ પાઉન્ડના ઈમર્જન્સી ફંડમાંથી ‘સ્કૂલ ફૂડ મેટર્સ’ કોમ્યુનિટી પ્રોજેક્ટને ૨૫,૦૦૦ પાઉન્ડની ગ્રાન્ટની ખાતરી અપાઈ છે.

આ નાણાં ૨૫ શાળાઓમાં બે સપ્તાહની ક્રિસમસ રજાઓમાં ૧૮,૦૦૦ અને ફેબ્રુઆરી હાફ ટર્મ દરમિયાન ૬,૭૫૦ પોષણયુક્ત બ્રેકફાસ્ટ પહોંચાડવા તેમજ કોરોના મહામારીથી સૌથી વધુ અસરગ્રસ્ત સાઉથ લંડનના સધર્કમાં નિરાધાર બાળકો અને પરિવારોને ખોરાક આપવામાં કરાશે. ફૂડ ડિલિવરી ફર્મ આબેલ એન્ડ કોલ પણ બોક્સીસમાં ભરવા માટે ૧.૨ ટન ફળ અને ૪૫૦૦ પાઉન્ડના શાકભાજી પૂરાં પાડશે. દરમિયાન, ફૂડ બેન્ક ચેરિટી ટ્રુસ્સેલ ટ્રસ્ટ દ્વારા જણાવાયું હતું કે તેમણે એપ્રિલથી સપ્ટેમ્બરના ગાળામાં બાળકોને દરરોજ સરેરાશ ૨,૬૦૦ ફૂડ પાર્સલ પહોંચાડ્યા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter