£૨.૪ મિલિયનના મનીલોન્ડરિંગ કૌભાંડમાં બે મૂળ ભારતીયને સજા

Thursday 04th June 2020 00:10 EDT
 
 

લંડનઃ ક્રોયડન ક્રાઉન કોર્ટે ૨૯ મે, શુક્રવારે ભારતીય મૂળના ૪૪ વર્ષીય ચંદ્રશેખર નાલ્લાયન અને ૩૨ વર્ષીય વિજય કુમાર કૃષ્ણાસ્વામીને ૨.૪ મિલિયન પાઉન્ડના આંતરરાષ્ટ્રીય ઓનલાઈન મનીલોન્ડરિંગ કૌભાંડમાં કુલ ૧૨ વર્ષ અને ૯ મહિનાની જેલની સજા ફરમાવી છે. આ બંનેએ વધુ ૧.૬ મિલિયન પાઉન્ડના મનીલોન્ડરિંગનો પ્રયાસ પણ કર્યો હતો. દેશવિદેશની ૨૪ કંપનીઓ તેમના અપરાધની શિકાર બની છે.

ચંદ્રશેખર નલ્લાયનને સાત વર્ષ અને કૃષ્ણાસ્વામીને પાંચ વર્ષ ૯ મહિનાની જેલની સજા ફટકારવામાં આવી છે. પોલીસને ૨૦૧૮માં બાર્કલેઝ બેન્ક તરફથી મળેલા રિપોર્ટમાં કેટલાક IP એડ્રેસીસ અવારનવાર મલ્ટિપલ બિઝનેસ એકાઉન્ટ્સનો ઉપયોગ કરાતો હોવાનું જણાવવા સાથે તેના મારફત મનીલોન્ડરિંગ કરાતું હોવાની શંકા વ્યક્ત કરાઈ હતી. આ IP એડ્રેસીસ ક્રોયડન એરિયાની કેટલીક પ્રોપર્ટીઝના હતા. ૨૦૧૯ના મે મહિનામાં સર્ચ વોરન્ટના આધારે તપાસ પછી કૃષ્ણાસ્વામીની ધરપકડ કરાઈ હતી. આ સ્થળેથી સેંકડો બેન્ક એકાઉન્ટ્સ અને સંખ્યાબંધ શંકાસ્પદ બિઝનેસીસ સંબંધિત દસ્તાવેજો મળી આવ્યા હતા.

બીજો શકમંદ ચંદ્રશેખર નાલ્લાયન હતો જે, કૃષ્ણાસ્વામીને ગુનાખોરીના નાણા ટ્રાન્સફર કરવા વિશેની સૂચના આપતો હતો. તે અનેક બનાવટી અને વેચાણ લીધેલાં બેન્ક એકાઉન્ટ્સ ધરાવતો હતો જેની મારફત નાણા પસાર કરાતા હતા. વિશ્વભરની ૨૪ કંપની તેમના અપરાધનો શિકાર બની હતી. તેઓ નકલી ઇમેલથી કંપનીઓનો સંપર્ક કરતા હતાં. કંપનીઓ વાસ્તવિક ગ્રાહકો દ્વારા તેમનો સંપર્ક કરાયો હોવાનું સમજતી અને સૂચના અનુસારના ખાતાઓમાં નાણા ટ્રાન્સફર કરતી હતી જ્યારે, વાસ્તવિક ગ્રાહકો પેમેન્ટ માટે રજૂઆત કરતા ત્યારે આ કૌભાંડની જાણ થતી હતી. આ દરમિયાન તો નાણા યુકેની બહાર ટ્રાન્સફર કરી દેવાતા હતા. આ નાણા અપરાધના હોવાની જાણ ધરાવતા કૃષ્ણાસ્વામીએ ઓનલાઈન બેન્કિંગ મારફત ‘મ્યૂલ’ બેન્કખાતાની સુવિધા, ખાતાઓ પર દેખરેખ તેમજ સૂચના અનુસાર નાણા ટ્રાન્સફર કરવાના ગુનાઓની કબૂલાત કરી લીધી હતી. નાલ્લાયને ગુના સ્વીકાર્યા ન હતા. જોકે, કોર્ટે તેને સજા ફરમાવી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter