£૨૦ મિલિયનનું કોકેઈન સ્મગલિંગઃ ડ્રગ ડીલર્સ સાહોતા અને ગુપ્તાને જેલ

Wednesday 03rd June 2020 00:06 EDT
 
 

લંડનઃ યુકેમાં પોલીસે ૨૦ મિલિયન પાઉન્ડના કોકેઈનને ઝડપી લેવાયા પછી મિડલેન્ડ્સના બે ડ્રગ ડીલર બલદેવ સાહોતા અને શક્તિ ગુપ્તાને બર્મિંગહામ ક્રાઉન કોર્ટે અનુક્રમે ૧૬ અને ૧૮ વર્ષની જેલની સજા ફરમાવી છે. યુકેની ભૂમિ પરથી ઝડપાયેલા કોકેઈનના સૌથી મોટા જથ્થામાં એક આ નશીલા પદાર્થનો આ જથ્થો ફ્રોઝન ચિકન્સની વચ્ચે છુપાવી વાનમાં લઈ જવાતો હતો. ગત વર્ષે ઓક્ટોબરમાં ઈસ્ટ લંડનમાં વાનના છુપા કમ્પાર્ટમેન્ટમાંથી ૧૬ કિલો ડ્રગ્સનો જથ્થો ઝડપાયો હતો. આ વાને સેન્ડવેલ સુધી ચાર ફેરા કર્યા હતા જ્યાં, ઓલ્ડબરીના જોઈનિંગ બેન્ક્સના ૫૪ વર્ષીય બલદેવ સાહોતાએ ડ્રાઈવરને કોકેઈન સાથેના કાર્ડબોર્ડ બોક્સીસ લંડન લઈ જવા આપ્યા હતા.

ગત ડિસેમ્બરમાં સાહોતા ચલાવતો હતો તે ફ્રોઝન ચિકન્સ લઈ જતી વાનમાંથી વધુ ૧૬૮ કિલો કોકેઈન પોલીસે ઝડપ્યું હતું. આ પછી, પોલીસને હોક્લેના ઈન્ડસ્ટ્રીઅલ યુનિટ પર અન્ય દરોડામાં કોકેઈનનો વધુ જથ્થા સાથે શક્તિ ગુપ્તા, બે મોબાઈલ ફોન્સ, ૧૪૦૦ પાઉન્ડ કેશ, કાર્ડબોર્ડ બોક્સીસ પણ મળી આવ્યા હતા. એક મોબાઈલ ફોનના મેસેજમાં ૧૬૮ કિલોના તાજા સપ્લાયનો પણ ઉલ્લેખ કરાયેલો હતો. બર્મિંગહામ ક્રાઉન કોર્ટને જણાવાયું હતું કે ક્વિન્ટોનના હેગલે રોડ વેસ્ટના ૩૪ વર્ષીય ગુપ્તાને ૧૦૦ કિલો કોકેઈનનો ઓર્ડર મળ્યો હતો જે, બર્મિંગહામના જુદા જુદા સ્થળોએ કુરિયર્સ મારફત પહોંચાડવાનો હતો.

બર્મિંગહામ ક્રાઉન કોર્ટે બલદેવ સાહોતાને ૧૬ વર્ષ અને શક્તિ ગુપ્તાને ૧૮ વર્ષની જેલની સજા ફરમાવી હતી. સાહોતા અને ગુપ્તાએ અગાઉ કોકેઈનનો જથ્થો સપ્લાય કરવાના કાવતરાની કબૂલાતો કરી હતી. કોકેઈનનો જથ્થો પહોંચાડાયો હતો તે ત્રીજી વ્યક્તિને અગાઉ ૧૦ વર્ષની સજા કરાઈ હતી.

સજા ફરમાવતા જજ પીટર કારે જણાવ્યું હતું કે આ ભારે શુદ્ધતા ધરાવતા કોકેઈનના મોટા પાયે સપ્લાયનું કાવતરું હતું. ૮૨થી ૮૬ ટકાની શુદ્ધતા સાથેનો કુલ ૨૧૦ કિલો કોકેઈનનો જથ્થો ઝડપાયો હતો, જેની જથ્થાબંધ માર્કેટમાં કિંમત આશરે ૬૫૦,૦૦૦ પાઉન્ડ તેમજ રીટેઈલ બજારમાં ૧૪થી ૨૫ મિલિયન પાઉન્ડ વચ્ચે થવા જાય છે. મૂળ ગેસ એન્જિનીઅર ગુપ્તા કોકેઈનના મુખ્ય સ્રોત સાથે ગાઢપણે સંકળાયો હતો અને તેને નોંધપાત્ર નાણાકીય લાભ મળવાનોહતો. ધંધો બરાબર ચાલતો ન હોવાથી તેણે પ્લમ્બિંગ સાધનોના પોતાના ગોડાઉનનો ઉપયોગ ડ્રગ્સ અને ડ્રગ્સ સંબંધિત અન્ય સામગ્રીના સંગ્રહ કરવા સંમતિ આપી હતી. બીજી તરફ, સાહોતાનું કામ માત્ર ગ્રાહકોને કોકેઈનના જથ્થાની ડિલિવરી કરવાનું હતું. તે આ ધંધામાં ધનવાન બનવા આવ્યો નહિ હોવાનું પણ તેના વકીલે જણાવ્યું હતું.

મેટ્રોપોલીટન પોલીસના સ્પેશિયાલિસ્ટ ક્રાઈમ કમાન્ડના ડિટેક્ટિવ સુપ્રિન્ટેન્ડન્ટ નીલ બેલાર્ડે જણાવ્યું હતું કે આ ઝડપાયેલો જથ્થો ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમમાં સંકળાયેલું લોકો માટે સ્પષ્ટ સંદેશો છે કે પોલીસ ડ્રગ સપ્લાયની ચેઈન તોડી પાડવા કટિબદ્ધ છે. લંડનની શેરીઓમાં ડ્રગ્સ સપ્લાય અને હિંસા વચ્ચે ગાઢ સંબંધ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter