£૫૦૦,૦૦૦ સુધી કિંમતના ઘર માટે છ મહિના માટે સ્ટેમ્પ ડ્યૂટીમાંથી મુક્તિ

Wednesday 08th July 2020 02:24 EDT
 
 

લંડનઃ ચાન્સેલર રિશિ સુનાકે ૫૦૦,૦૦૦ પાઉન્ડ સુધીની કિંમતના ઘર માટે છ મહિના સુધી સ્ટેમ્પ ડ્યૂટીમાંથી મુક્તિની જાહેરાત કરી છે અને તેનો અમલ બુધવાર ૮ જુલાઈથી જ કરી દેવાશે. અગાઉ તેનો અમલ ઓટમથી થવાની સંભાવના હતી પરંતુ, હાઉસિંગ માર્કેટ મહિનાઓ સુધી મંદીમાં ઘેરાશે તેવા ભયથી તત્કાળ અમલ કરી દેવાયો છે. ઘરની ખરીદી પર સ્ટેમ્પ ડ્યૂટીનો ટેક્સ દૂર કરવાના આ હંગામી પગલાથી કોરોના વાઈરસ કટોકટીના પગલે મદદની જરુર હતી તેવા લોકોને ઘર ખરીદવામાં રાહત મળશે અને તેમને ભારે નાણાકીય બચત થશે.

અત્યારે ઘર ખરીદનારાએ ઘરની કિંમતના પ્રથમ ૧૨૫,૦૦૦ પાઉન્ડ પર કોઈ સ્ટેમ્પ ડ્યૂટી ભરવાની રહેતી નથી. આ પછીના ૨૫૦,૦૦૦ પાઉન્ડની કિંમત પર બે ટકા અને તે પછી ૬૭૫,૦૦૦ પાઉન્ડની કિંમત માટે પાંચ ટકાની ડ્યૂટી ભરવાની રહે છે. પ્રથમ વખત ઘર ખરીદનારને લંડનની બહાર ૩૦૦,૦૦૦ પાઉન્ડના ઘર તેમજ લંડનમાં ૪૫૦,૦૦૦ પાઉન્ડના ઘર માટે સ્ટેમ્પ ડ્યૂટી ભરવામાંથી મુક્તિ અપાયેલી છે.

આ પગલાંથી લંડન હાઉસિંગ માર્કેટના નીચલા સ્તરમાંથી કેટલાક ઘર સ્ટેમ્પ ડ્યૂટીની જાળમાંથી બહાર નીકળી જશે એટલું જ નહિ, ગત વર્ષે બોરિસ જ્હોન્સનને ભવ્ય વિજય અપાવનારી મહત્ત્વપૂર્ણ ‘બ્લુ વોલ’ બેઠકો પરની હજારો પ્રોપર્ટીઝ સ્ટેમ્પ ડ્યૂટીમાંથી મુક્તિ મેળવશે. એક સૂત્રે જમાવ્યું હતું કે, ‘સ્ટેમ્પ ડ્યૂટીમાં છ મહિનાની હોલીડેથી લોકોને ભારે નાણાકીય બચત થશે અને ટોરી બેકબેન્ચર્સ પણ ખુશ થશે.

લોકડાઉન દરમિયાન બ્રિટિશરોને ઘર નહિ બદલવા જણાવાતા હજારે ઘરવેચાણને બ્રેક વાગી ગઈ હતી. જોકે, હાઉસિંગ માર્કેટ મારફત અર્થતંત્રને ગતિશીલ બનાવવા મે મહિનાની મધ્યથી નિયંત્રણો હળવાં બનાવાયા હતા. આ પછી ઘરના વેચાણમાં વૃદ્ધિ જણાઈ હતી પરંતુ, મહામારી પૂર્વેની સ્થિતિની સરખામણીએ નોંધપાત્રપણે ઓછી હતી. હેલ્થ પ્રોટેક્શન રેગ્યુલેશન્સ ૨૦૨૦ હેઠળ સંભવિત ખરીદારોને ઘરમાં ફરીને દેકાડી શકાશે અને ગ્લેન્ડમાં એસ્ટેટ એજન્ટ્સની મુલાકાત લઈ શકાસે. જોકે, તેમણે પૂરતી સાવચેતી રાખવી પડશે.

બ્રિટનમાં ૨૩૨,૦૦૦ પાઉન્ડની સરેરાશ કિંમતના ઘરની ખરીદીથી ૨,૧૪૦ પાઉન્ડની બચત થઈ શકશે. ગત વર્ષે ૧.૨ મિલિયન ઘર વેચાયા હતા. લોકડાઉન દરમિયાન ઈંગ્લેન્ડમાં આઠ વર્ષના ગાળા પછી પ્રથમ વખત ઘરની કિંમતોમાં ઘટાડો જોવાયો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter