£૮૦ મિલિયનના મની લોન્ડરિંગ કેસમાં શાહ પિતા-પુત્રને કુલ ૨૧ વર્ષની જેલ

Saturday 27th May 2017 07:39 EDT
 
 

લંડનઃ યુકે ક્રિમિનલ અંડરવર્લ્ડ માટે ૮૦ મિલિયન પાઉન્ડ મની લોન્ડરિંગ કરવાના અપરાધમાં વેમ્બલીના નાસતાફરતા બિઝનેસમેન ભદ્રેશ શાહ (૪૯)અને તેના પુત્ર અભિષેક(૨૪)ને સધર્ક ક્રાઉન કોર્ટ દ્વારા તેમની ગેરહાજરીમાં અનુક્રમે ૧૨ વર્ષ અને ૯ વર્ષની જેલની સજા ફરમાવાઈ હતી. સપ્ટેમ્બર ૨૦૧૧થી એપ્રિલ ૨૦૧૪ના ગાળામાં મની લોન્ડરિંગના અપરાધમાં મદદ કરવા બદલ ભદ્રેશની પત્ની ફાલ્ગુની શાહ (૪૫)ને ચાર વર્ષ, જ્યારે તેમના સહયોગીઓ દિપક દોશી(૫૭) અને દિનેશ પરમાર (૩૫)ને અપરાધના કાવતરા માટે પાંચ-પાંચ વર્ષની સજા ફરમાવાઈ હતી. આ કેસમાં સંડોવણીમાંથી વેમ્બલીના કેતન વર્મા (૩૬), તરુણ પટેલ (૩૭), ભાનુબહેન પટેલ (૫૨), નીરવ રાવલ (૫૨) અને નરેશ પટેલ (૫૬)ને નિર્દોષ જાહેર કરાયા હતા.

અપરાધી પિતા-પુત્રે વેમ્બલીના ચાંદી બાઝારમાં ૧૦ બનાવટી કંપનીઓ ખોલી કાયદેસરના બિઝનેસ દસ્તાવેજો ઉભા કર્યા હતા, જેના મારફત ૧૦ મિલિયન પાઉન્ડની શંકાસ્પસ્દ હેરાફેરી કરાઈ હતી. ત્રણ કાનૂની મની સર્વિસ બ્યુરોને બનાવટી ઈનવોઈસીસ દર્શાવી અંધારામાં રાખી કેશનું મની લોન્ડરિંગ કરાયું હતુ.

ભદ્રેશ શાહના ધારાશાસ્ત્રી બીઓનાર્ડ સ્મિથ QCએ જ પોતાના ક્લાયન્ટને કલંક સમાન ગણાવ્યો હતો. પિતા અને પુત્રે પહેલા સપ્તાહની ટ્રાયલમાં હાજરી આપી હતી. આ પછી, જામીન પર મુક્ત હોવાનો લાભ લઈ નાસી છૂટ્યા હતા. ભદ્રેશ શાહને મેફેડ્રોન અને કેટામાઈન જેવી પ્રતિબંધિત ડ્રગ્સનો જથ્થો વેચવાના ઈરાદે રાખવા બદલ પણ સજા થઈ હતી.

ફરિયાદ પક્ષના ધારાશાસ્ત્રી એડ્રિઆન કીલિંગ QCએ જણાવ્યું હતું કે ત્રણ વર્ષના યુંકા ગાળામાં ત્રણ ફ્રન્ટ કંપનીઓ અને મની ટ્રાન્સફર કંપનીઓ મારફત ક્રિમિનલ અંડરવર્લ્ડના ૮૦ મિલિયન પાઉન્ડને કાયદેસર બનાવી દેવાયા હતા. બનાવટી ઈનવોઈસીસમાં હેનોઈથી ભારતના ગુજરાત તેમજ શ્રીલંકાના કોલંબો અને ચીનના ગુઆંગઝાઉની કંપનીઓનો સમાવેશ કરાયો હતો. ઈનવોઈસમાં કટિંગ-પેસ્ટિંગ દ્વારા નવા દસ્તાવેજો તૈયાર કરી દેવાતા હતા.

જજ એન્ડ્રયુ ગોયમેરે જણાવ્યું હતું કે આ કંપનીઓ મારફત મની લોન્ડરિંગ કરાયેલી રકમ ઘણી મોટી છે. આ નાણા ડ્રગ્સના વેચાણમાંથી આવ્યા વિશે કોઈ શંકા નથી. અપરાધીઓ ઈરાદાપૂર્વક જામીનનો ભંગ કરી નાસી ગયા છે. તેઓ પકડાશે ત્યારે તેની સજા થશે. જજે કહ્યું હતું કે ભદ્રેશ શાહ પવિત્ર હિન્દુ તેમજ વેમ્બલીના સન્માનિત પરિવારનો હોવાનો સ્વાંગ રચી ગુનાઈત પ્રવૃત્તિઓના લાખો પાઉન્ડનું લોન્ડરિંગ કરતો હતો. પરિવાર અને અન્ય બિઝનેસમેનને પણ દબાણ હેઠણ આ યોજનામાં સહભાગી બનાવ્યા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter