લંડનઃ ભારતની ધર્મ પરંપરાના કેન્દ્રમાં સેવાની ભાવના રહેલી છે. કોઈ વળતરની અપેક્ષા વગર નિઃસ્વાર્થ ભાવે સેવાના માધ્યમથી ઉદારતાના કાર્યો થાય છે. તેને અનુલક્ષીને બ્રિટિશ ભારતીયોએ તાજેતરમાં રોજિંદા જીવનથી અલગ થઈને આવા કાર્યો દ્વારા સમગ્ર યુકેમાં સેવા ડેની ઉજવણી કરી હતી. આ વર્ષે આપણી સામાજિક સંસ્થાઓએ નોર્થ લંડનમાં બેઘર લોકો માટે ભોજન એકત્ર કરવાથી માંડી વેસ્ટ યોર્કશાયરમાં હોમ ફાયર સેફ્ટી સર્વે સહિત શ્રેષ્ઠ કાર્યો કર્યા હતા. દેશમાં જરૂરિયાત સામે અંગદાનના ઓછાં ડોનર હોવાથી બ્રિટિશ ભારતીયો અંગદાતા તરીકે નોંધણી કરાવે તેવા હેતુથી તેમને પ્રોત્સાહિત કરવા રાષ્ટ્રવ્યાપી અભિયાન પણ હાથ ધરાયું હતું.
વેડા લંડનના વોલન્ટિયર્સે મનોવિકલાંગ બાળકોને મદદ કરવામાં અશ્વોનો ઉપયોગ કરાતો હોય તેવા એક તબેલાની મુલાકાત લઈને સેવા આપી હતી. મહિલાઓએ એક નાના કેર હોમમાં રહેતા ગુજરાતી વડીલો સાથે મળીને આનંદપ્રમોદની પ્રવૃત્તિ કરાવી હતી. સેવા ડેએ નેશનલ હિંદુ સ્ટુડન્ટ્સ ફોરમ, HSS, યંગ લોહાણા સોસાયટી અને સિટી હિંદુ નેટવર્ક સહિત એકસો જેટલી સંસ્થાઓ દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃત્તિ હાથ ધરાઈ હતી. ઘણાં પ્રોજેક્ટ તો ઓછી જાણીતી અને વોલન્ટિયર્સની જરૂરિયાતવાળી ચેરિટી અને કોમ્યુનિટીને મદદરૂપ થવા માટેના હતા.
જોકે, સેવાની એક પ્રવૃત્તિ મને સ્પર્શી ગઈ અને હું તેનાથી ખૂબ પ્રભાવિત થયો. જોકે, ખેદની વાત છે કે આ પ્રવૃત્તિમાં હજુ બ્રિટિશ ભારતીય સમુદાયનું પ્રતિનિધિત્વ ખૂબ ઓછું રહ્યું છે અને તે છે અંગદાન. કિંગ્સબરીના સ્વામિનારાયણ મંદિરમાં મેં જોયું કે સમર્પિત સેવકોએ બેઘર લોકો માટે ફૂડ કલેક્શન ઉપરાંત NHS બ્લડ ડોનેશન સેન્ટર અને ઓર્ગન ડોનેશન (અંગદાન) સાઈન-અપ સેન્ટર ઉભા કર્યા હતા. માત્ર સાડા ત્રણ વર્ષનો બાળક આરી એક કરુણ અકસ્માતમાં સારવાર દરમિયાન સેન્ટ જ્યોર્જ રોસ્પિટલમાં મૃત્યુ પામ્યો. આ ઘટનાથી અંગદાનની પ્રવૃત્તિને વેગ આપવાની જરૂરિયાત હોવાનું સૌને લાગ્યું. આરીના પરિવારે દુઃખદ પરિસ્થિતિમાં પણ અન્ય લોકોના જીવ બચાવવા માટે તેના અંગોનું દાન કરવાનો હિંમતભર્યો નિર્ણય લીધો હતો. આ પ્રેરણારૂપ કાર્ય ઘણી મુશ્કેલીઓ વચ્ચે પૂર્ણ થયું. દુઃખદ બાબત છે કે હજુ પણ હિંદુ સમાજમાં અંગદાન અસામાન્ય ગણાય છે. આરીના મૃત્યુ પછી તેની માતાએ હૃદયદ્રાવક ફેસબુક પોસ્ટમાં લખ્યું કે આપણા હિંદુ સમાજમાં ઘણી ખોટી માન્યતાઓ છે પરંતુ, જે લોકો અમને જાણે છે તે સૌના મનમાં અમારી આ પ્રવૃત્તિથી પરિવર્તન આવ્યું છે. અમે જીવનદાન આપતી આ પ્રવૃત્તિને નાત, જાત, ધર્મને ધ્યાનમાં લીધા વિના પ્રોત્સાહન આપવાનું ચાલુ રાખીશું.
ગયા વર્ષે અશ્વેત અને એશિયન કોમ્યુનિટીઓમાંથી માત્ર ૯૦ અંગદાન થયા હતા. તેની સામે આ જ કોમ્યુનિટીઓના ૮૦૯ દર્દીઓને ટ્રાન્સપ્લાન્ટ માટે ડોનરના અંગ મળ્યા હતા. પૂરતા પ્રમાણમાં અંગદાતાઓ ન હોવાથી ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટની જરૂર ધરાવતા સરેરાશ ત્રણ લોકોનું દરરોજ મૃત્યુ થાય છે. આ કારણસર જ સેવા ડેનું આયોજન NHS સાથે કરાયું હતું અને અંગદાતા તરીકે નોંધણી માટે બ્રિટિશ ભારતીયોને પ્રોત્સાહિત કરવા રાષ્ટ્રવ્યાપી અભિયાન હાથ ધરાયું હતું.
છેલ્લા આઠ વર્ષથી યોજાતા સેવા દિવસને લીધે અન્ય સમુદાયો સાથે સંબંધ વિક્સાવવાની સાથે સાથે લોકો ઉદાર પ્રવૃત્તિ અને સહકારના વિવિધ કાર્યોમાં જોડાતા થયા છે. અંગદાન માટે નોંધણી કરાવવા www.sewaday.orgની મુલાકાત લેવા વિનંતી. એક જિંદગી બચાવવામાં ફક્ત બે મિનિટ લાગે છે.
(મનોજ લાડવા સેવા ડેના સ્થાપક ટ્રસ્ટી છે. તેઓ ઈન્ડિયા ગ્લોબલ બિઝનેસ મેગેઝિન સહિત અન્ય પ્રકાશનો પ્રગટ કરતા India Incના ચીફ એક્ઝિક્યુટિવ છે. આ સાથે તેઓ યુકે અને ભારતની પાર્ટનરશિપ વિશે નવા અભ્યાસ ‘’Winning Partnership: India-UK Relations Beyond Brexit’ ના એડિટર છે.)


