લંડનઃ પ્રિન્સેસ ડાયેના જ્યોતિષવિદ્યા-એસ્ટ્રોલોજીમાં ઘણું માનતાં હતા અને એસ્ટ્રોલોજર ડેબી ફ્રાન્ક્સ સાથે કેન્સિંગ્ટન પેલેસમાં ગ્રહણ સમયે એસ્ટ્રોલોજી ચાર્ટ જોઈ રહ્યાં હતા. આ ગ્રહણ તેમના જીવન માટે ભારે બની રહેશે તેવી આગાહી પણ કરવામાં આવી હતી. જ્યોતિષશાસ્ત્રમાં ગ્રહણને ગંભીર અસર ઉપજાવનારી ઘટના તરીકે નિહાળવામાં આવે છે.
મિસિસ ફ્રાન્કે ૧૯૯૭માં ડાયેનાના મૃત્યુ સુધી તેની સાથે કામ કર્યું હતું. ધ સન ઓન સન્ડે સાથે મુલાકાતમાં મિસિસ ફ્રાન્કે જણાવ્યું હતું કે અગાઉના ગ્રહણે પ્રિન્સ ચાર્લ્સ સાથે તેમની જુદાઈની આગાહી કરી હોવાનું પ્રિન્સેસ ડાયેના માનતાં હતાં.
જોકે, મિસિસ ફ્રાન્કે કહ્યું હતું કે,‘ડાયેના ડોડી સાથે ખરેખર ખુશ હતાં, અને બાળકો સાથે સારો સમય વીતાવવા સાથે ચેરિટીના વધુ કાર્ય સાથે સંકળાઈ રહ્યાં હતાં. આ સંજોગોમાં ગ્રહણ રચનાત્મક બની રહેશે તેમ પણ અમારું માનવું હતું. આ મીટિંગ પછી મેં તેમની સાથે વાત કરી હતી. આ છેલ્લો ફોન કોલ હતો. તેઓ ભારે આનંદમાં હતાં અને મને કહ્યું હતું કે, ‘હું કદી ન હોઉં તેવી ખુશ છું.’ ‘મને કલ્પના જ ન હતી કે તેમનું મૃત્યુ થશે. હું કદી તે અટકાવી પણ શકી ન હોત. આપણે એક બાબતે સ્પષ્ટ થઈએ કે જ્યોતિષી મોતની આગાહી કરી શકતા નથી.’


