અક્ષમતાના ભેદભાવની ઘૃણિત સંસ્કૃતિ

પ્રિયંકા મહેતા Wednesday 19th February 2020 04:27 EST
 
 

લંડનઃ સરકારી વોચડોગ નેશનલ ઓડિટ ઓફિસ (NAO)ના તાજા રિપોર્ટ અનુસાર યુકેમાં ઓછામાં ઓછાં ૬૯ આપઘાતને ગત છ વર્ષમાં બેનિફિટ ક્લેઈમ્સ સાથે સંકળાયેલી સમસ્યાઓ સાથે સાંકળી શકાય તેમ છે. જોકે, યુકેમાં કરકસરના કારણે આત્મહત્યા કરી હોય તેવી અક્ષમ વ્યક્તિની સંખ્યા ૬૯ હોવાનું ચોક્કસ કહી શકાય નહિ. નિષ્ણાતો તો સંખ્યા વધુ હોવાનું માને છે. ડિપાર્ટમેન્ટ ઓફ વર્ક એન્ડ પેન્શન્સ દ્વારા બેનિફિટિસમાં કાપ મૂકાવાથી મુશ્કેલીઓના કારણે આત્મહત્યા કરનારા ડિસેબલ્ડ-વિકલાંગ લોકોની સંખ્યા દર્શાવતો સ્પષ્ટ આંકડાકીય ડેટા નથી. DWPએ માહિતી મેળવવી ખર્ચાળ હોવાનું જણાવ્યા પછી લેબર શેડો મિનિસ્ટરે આત્મહત્યાની સ્વતંત્ર તપાસ કરાવવાની માગણી કરી છે.

DWPએ બેનિફિટિસમાં કાપ મૂક્યા પછી ભૂખથી મરી જનારા દિવ્યાંગ એરોલ ગ્રેહામના મોતથી ચેતવણી ન મળી હોય તો આ રિપોર્ટ આપી શકે છે. આ રિપોર્ટે દિવ્યાંગ લોકોએ આજે પણ જે શારીરિક, માનસિક અને ભાવનાત્મક પડકારોનો સામનો કરવો પડે છે તેનો ચિતાર આપ્યો છે. જોકે, માત્ર DWP જ દિવ્યાંગ લોકો સમક્ષના પડકારો વિશે ગેરસમજ ધરાવે છે તેવું નથી.

શારીરિક હાલાકી અને સંવેદનાત્મક સ્વાસ્થ્ય

સોશિયલ એન્ટ્રેપ્રીન્યોર અને ડિસેબિલિટી કેમ્પેઈનર કુશ કનોડિયા કહે છે કે,‘હું બાળપણથી અક્ષમતા ધરાવું છું. મને ‘મલ્ટિપલ એપિફીઝિયલ ડાયસ્પ્લેશિઆ’ બિમારી છે જેમાં, સાંધાઓનો વિકાસ અલગ રીતે થાય છે. મારા બંને નિતંબ ૨૦૦૨માં બદલાવાયા છે. હું NHS અને સહાયકારી ટેકનોલોજીના કારણે ચાલી શકું છું. જોકે, મારા બધાં સાંધા અસરગ્રસ્ત છે અને હવે તેઓ ખભા બદલવા માગે છે. હું કેટલા ઓપરેશન સહન કરી શકીશ તેના આધારે કોણીઓ અને ઘૂંટણો પણ બદલી શકાશે. સાચી વાત એ છે કે અક્ષમતાએ મારા સમગ્ર જીવન પર અસર કરી છે.’

કુશે લગભગ ૧૦ વર્ષ અગાઉ ફાઈનાન્સિયલ સર્વિસીસમાં લલચામણી કારકીર્દિ છોડી અક્ષમ લોકોના અધિકારો માટે જીવન સમર્પિત કરી દીધું. હવે તેમણે અનેક ચેરિટીઝ, સામાજિક સંસ્થાઓ તેમજ બિનનફાકારી સંગઠનોને મદદ કરવાની કારકીર્દિ અપનાવી છે જેમાં, તેનું મુખ્ય કાર્ય અક્ષમતા અધિકારોને સંબંધિત છે.

તેઓ ઈંગ્લેન્ડની મુખ્ય હોસ્પિટલોમાં એક ચેલ્સી વેસ્ટમિન્સ્ટર NHS ફાઉન્ડેશન ટ્રસ્ટ હોસ્પિટલના ગવર્નર છે. તેમના અને કાઉન્સિલ ગવર્નરોના વિરોધ છતાં હોસ્પિટલ ટ્રસ્ટે ગયા વર્ષે ડિસેબલ્ડ પાર્કિંગ માટે ચાર્જ લેવા નિર્ણય કર્યો હતો. કુશે હોસ્પિટલથી પબ્લિક ટ્રાન્સપોર્ટની સીધી સુવિધા વિનાના અક્ષમ લોકો પ્રતિ દેખીતો ભેદભાવ હોવાથી ‘#Nowheelchair Tax’ અભિયાન શરુ કર્યું હતું.’ આના પરિણામે, સમગ્ર ઈંગ્લેન્ડની NHS હોસ્પિટલોમાં અક્ષમ લોકો માટે કાર પાર્કિંગ ચાર્જની નાબૂદી કરાઈ છે, જેનો અમલ એપ્રિલ મહિનાથી થશે.

કેટલાક નોકરીદાતાઓ યુકેમાં ઈક્વલિટિઝ એક્ટને ખોટી રીતે સમજે છે. તેઓ બધા સાથે સમાન વ્યવહાર કરે છે તેનો અર્થ બધા સાથે વાજબી વ્યવહાર કરાતો હોવાનું માને છે. પરંતુ, વિકલાંગ લોકો માટે ચોક્કસ વાજબી અનુકૂલન સાધવા માટે કાયદામાં જરુરિયાત મૂકાઈ છે. આનો અર્થ એ છે કે અક્ષમતાના કારણે કોઈ માટે અવરોધ સર્જાતો હોય તો નોકરીદાતા અને જાહેર સેવા આપનારાએ સમાન ક્ષેત્ર ઉભું કરવા યોગ્ય વ્યવસ્થા કરવી જોઈએ.’

વેતનની અસમાનતા અને સમાવિષ્ટ પ્રતિનિધિત્વ

ઓફિસ ફોર નેશનલ સ્ટેટેસ્ટિક્સ અનુસાર લંડનમાં ૨૦૧૮માં અક્ષમો માટે ૧૫.૩ ટકાની સૌથી પહોળી વેતનખાઈ હતી. યુકેની કંપનીઓમાં માત્ર વેતનમાળખામાં નહિ, એક્ઝિક્યુટિવ અને બોર્ડ મેનેજમેન્ટ સ્તરે પણ પ્રતિનિધિત્વમાં અસમાનતા છે. કુશ માને છે કે ‘અક્ષમ હોવા સાથે BAME પશ્ચાદભૂ હોવી તે બમણો ગેરલાભ છે. સંસ્થાઓમાં લૈંગિક, વંશીયતા, LGBTQ+ માટે રક્ષણના વૈવિધ્યતા અને સમાવેશિતાના લક્ષણો છે પરંતુ, અક્ષમ લોકોને ભૂલી જવાયા છે.

વૃદ્ધાવસ્થા અને હેટ ક્રાઈમ

હવે કેટલીક ચેરિટિઝે અક્ષમ અને વૃદ્ધ લોકો વિરુદ્ધ હેટ ક્રાઈમની ઘટનાઓ પરત્વે ચિંતા વ્યક્ત કરી છે. એશિયન પીપલ્સ ડિસેબિલિટી એલાયન્સના સીઈઓ ઝીન્નત જીવા કહે છે કે, ‘આમાં, સાંસ્કૃતિક, ભાષાકીય અને અન્ય તફાવતો સાથે ઘણાં પરિબળો છે જ્યાં, વૃદ્ધ અને અક્ષમ એશિયનો વધુ એકલતા અનુભવે છે. ઘણા લોકો તો હતાશા અને માનસિક આરોગ્ય બીમારીઓમાં સરી પડે છે. તેમના ઘરમાં ધોળા દિવસે લૂંટફાટ, ચોરી, તેમની સામે ચાકુ, સ્ક્રુડ્રાવર્સ અને અન્ય શસ્ત્રો ઉગામાય અને શારીરિક ઈજા થવાનો ભય તેમને સતત સતાવે છે. આનાથી તેઓ ભયથી વ્યાકુળ રહે છે અને ઘણાને તે આપઘાતની માનસિકતા તરફ દોરી જાય છે.’

જો તમને ભય, ચિંતા હોય અને મદદની જરુર હોય તો Shaw Trust, Kaleidoscope Investments અને Access to Work જેવી સંસ્થાઓની સહાય મેળવી શકાય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter