લંડનઃ સમાજ એક બાળક સાથેના પરિવારને સ્વીકારવામાં ખચકાય છે. સંતાનમાં ભાઈ-બહેન અથવા બે ભાઈ કે બે બહેન હોય તો પરિવાર સંપૂર્ણ ગણાય તેવી માન્યતા પ્રવર્તતી હોવાં છતાં એક અભ્યાસ અનુસાર ૨૦૨૨ સુધીમાં બ્રિટિશ પરિવારોમાં અડધોઅડધ પરિવારમાં એક જ બાળક હશે.
ઘણી સ્ત્રીઓ સગર્ભાવસ્થા કે બાળજન્મ સમયે મુશ્કેલી કે હતાશાના કારણે એકથી વધુ બાળક ન હોવું જોઈએ તેવો નિર્ણય લે છે. આમ છતાં, બીજા સંતાન માટે તેમના પર દબાણ થતું રહે છે. એક જ સંતાન હોય તો તે એકલવાયું, ચીડિયું, સ્વાર્થી અને સ્વકેન્દ્રી બની રહેવાની દલીલો થતી રહે છે. આમ છતાં, બ્રિટનમાં એક સંતાન સાથેના પરિવારની સંખ્યા વધી રહી છે. ઓફિસ ફોર નેશનલ સ્ટેટેસ્ટિક્સની આગાહી અનુસાર બ્રિટનમાં ૨૦૨૨ સુધીમાં અડધોઅડધ પરિવારમાં માત્ર એક જ બાળક હશે.
તાજા ડેટા અનુસાર ૨૦૧૬માં આશ્રિત (૧૬ કે ૧૮ વર્ષથી નીચેના) બાળક સાથેના કુલ પરિવારોના ૪૫ ટકા પરિવારમાં માત્ર એક જ આશ્રિત બાળક હતું. ૧૯૯૬માં આવા પરિવારની સંખ્યા ૪૨ ટકા હતી. દરમિયાન, બે આશ્રિત બાળક ધરાવતા પરિવારની સંખ્યા ૪૦ ટકા તેમજ ત્રણ અથવા વધુ બાળક ધરાવતા પરિવારની સંખ્યા મ૧૫ ટકા હતી. કેટલાક ટીકાકારોએ ચિંતા દર્શાવી છે કે બ્રિટન પણ ચીનની માફક ‘લિટર એમ્પરર્સ’નો દેશ બની જશે. ચીનમાં દંપતીદીઠ એક બાળકના ચીન સરકારના નિયમના લીધે લાખો બગડેલાં યુવાનો જન્મ્યા હોવાનું કહેવાય છે.
યુકેમાં બાળક ૨૧ વર્ષનું થાય ત્યાં સુધી અંદાજે ૨૩૦,૦૦૦ પાઉન્ડનો ખર્ચ થતો હોવા સહિતના કારણોથી પરિવાર ઉછેરવાનું ખર્ચાળ બની રહ્યું છે, જેના પરિણામે સાઈઠના દાયકાથી બાળજન્મનો દર ઘટી રહ્યો છે. બીજી તરફ, સ્ત્રીઓ માટે કારકિર્દીની તકોમાં વધારો થયો હોવાથી પણ માતૃત્વને ટાળવામાં આવે છે, જેના પરિણામે તેમના બાળકોની સંખ્યા મર્યાદિત રહે છે.


