અત્યાચારી ક્રિકેટર પતિને ૧૮ મહિનાની જેલની સજા

Monday 10th April 2017 08:46 EDT
 
 

માન્ચેસ્ટરઃ  પત્ની ફખરા કરીમ પર અત્યાચાર ગુજારવાના કેસમાં ૩૪ વર્ષીય ક્રિકેટર મુસ્તફા બશીરને માન્ચેસ્ટર ક્રાઉન કોર્ટના જજ રિચાર્ડ મેન્સલે ૧૮ મહિનાની જેલની સજા ફરમાવી કસ્ટડીમાં લેવા હુકમ કર્યો હતો. અગાઉ મુસ્તફાને કેદની સજા થશે તો લેસ્ટરશાયરના કાઉન્ટી ક્રિકેટર બનવાની તક જતી રહેશે તેવી ખોટી રજૂઆતને ધ્યાનમાં લઈને તેને જેલની સજામાંથી મુક્તિ અપાઈ હતી.

જોકે, તેના છૂટકારાના થોડા કલાક પછી ક્લબના પ્રવક્તાએ જણાવ્યું હતું કે તેઓ કોઈ મુસ્તફા બશીરને ઓળખતા નથી અને તેને આવો કોઈ કોન્ટ્રાક્ટ આપ્યો નથી. જજ રિચાર્ડ મેન્સલે પોતાના ચુકાદાની સમીક્ષા કરી ક્રિકેટરને જેલની સજા ફરમાવતા કહ્યું હતું કે તેમને ગેરમાર્ગે દોરવામાં આવ્યા હતા. જો ચુકાદાના ૫૬ દિવસમાં નવી માહિતી બહાર આવે તો જજ નવી સજા ફરમાવી શકે તેવા ‘સ્લિપ રુલ’ અંતર્ગત સમીક્ષા કરી શકાય છે.

અગાઉ, પત્ની ફખરા કરીમ પર ત્રાસ ગુજારવાના કેસમાં કોર્ટે તેને બે વર્ષ સુધી સસ્પેન્ડેડ ૧૮ મહિનાની જેલની સજા ફરમાવી હતી. વધુમાં કોસ્ટ પેટે ૧૦૦૦ પાઉન્ડ ચૂકવવા, બિહેવીયરલ વર્કશોપમાં ભાગ લેવા અને કરીમથી દૂર રહેવાનો આદેશ કર્યો હતો. ગ્રેટર માન્ચેસ્ટરના ઓલ્ધામમાં લોકલ ક્રિકેટ લીગ વતી રમતા બશીરે તેની પત્નીને બળજબરીપૂર્વક ટેબ્લેટ્સ આપીને બ્લીચ પીવડાવ્યો હતો અને બેટથી માર માર્યો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter