અનુપમ મિશન ડેન્હામ મંદિરના દશ વર્ષ પૂરા થતાં હોવાથી દશાબ્દી પાટોત્સવનું 13થી 17 ઓગસ્ટ દરમિયાન સુંદર આયોજન કરાયું હતું. આ પૂર્વે 9 અને 10 ઓગસ્ટ બે દિવસ આંતરરાષ્ટ્રીય યુથ કન્વેશન યોજાયું અને ત્યાર બાદ પાંચ દિવસ દશાબ્દી પર્વના વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. જેમાં ઈંગ્લેન્ડ સહિત ભારત, ઓસ્ટ્રેલિયા, અમેરિકા, ન્યુઝિલેન્ડ, ફ્રાન્સ, કેનેડા વગેરે દેશના હજાર જેટલા સંતો, ભક્તો ને મહાનુભવો પધાર્યા હતા.
9 અને 10 ઓગસ્ટ યુવા પેઢીના સર્વાંગી વિકાસ અને ઘડતરના ઉદ્દેશ સાથે સંત ભગવંત પરમ પૂજ્ય સાહેબદાદાની પ્રેરણા અને આશીર્વાદથી આંતરરાષ્ટ્રીય યુથ કન્વેન્શન યોજાયું હતું, જેમાં વિદેશના 200 જેટલા યુવક-યુવતીઓએ લાભ લીધો. આ સંમેલન છ મુખ્ય સત્રોમાં વહેંચાયેલું હતું, જેમાં ગુરુની આજ્ઞા કેવી રીતે પાળવી, મુંઝવણ આવે તો શું ઉપાય લેવો, આજ્ઞા પાળવાથી થતાં ફાયદા વગેરે અંગે યુવાનોને સમજાય તે રીતે ગ્રૂપ ડિસ્કશન, પોડકાસ્ટ, પ્રશ્નોત્તરી, ઇન્ટરવ્યૂ અને માર્ગદર્શન પ્રવચનો દ્વારા યુવાનોને સમજણ અને દિશા અપાઇ હતી.
મહોત્સવનો પ્રારંભ 13 ઓગસ્ટની ઢળતી સંધ્યાએ ઉદ્ઘાટન સભા સાથે થયો હતો. સંત ભગવંત પરમ પૂજ્ય સાહેબદાદાને સોનેરી મયુર રથમાં મંદિર પ્રાંગણથી મંચ સુધી શોભયાત્રારૂપે લાવવામાં આવ્યા. મંચ ઉપર તેમની સાથે પૂ. સતિષભાઈ ચતવાણી (પ્રમુખ, આંતરરાષ્ટ્રીય), જાણીતા દાનવીર પ્રદિપભાઈ ધામેચા, પૂ. મનોજદાસજી, પૂ. હિંમતસ્વામીજી, પૂ. વિનુભાઈ નકારજા (પ્રમુખ, અનુપમ મિશન-ઇંગ્લેન્ડ) તથા વિવિધ દેશોના અનુપમ મિશનના પ્રમુખો, પૂ. ઋષિ શૌનકદાસજી, અનુપમ મિશનના યુવા નેતાઓ વગેરે દ્વારા દીપ પ્રાગટ્ય થયા. પૂજય હિંમતસ્વામીજીએ આ મહોત્સવને ખુલ્લો મૂક્યો. સતિષભાઈએ સ્વાગત ઉદ્બોધન કર્યું. પૂ. મનોજદાસજી તથા સંત ભગવંત સાહેબદાદાએ આશીર્વાદ પાઠવ્યા.
રાત્રે 8.30થી 10.30 દરમિયાન શાનદાર સાંસ્કૃતિક કાર્યક્રમ ‘બ્રહ્મ નાદમ પરમ સુખદમ’ યોજાયો હતો, જેમાં અનુપમ મિશનના 150 જેટલા કલાકારોએ મેઘનાબેન અધ્વર્યુ, અર્ચનાબેન વાડોદરિયા (યુએસએ) અને શ્રૃતિબેન પાઠકના દિગ્દર્શનમાં વિવિધ કૃતિ રજૂ કરીને દર્શકોની ભરપૂર પ્રશંસા મેળવી હતી.
14 ઓગસ્ટે સવારે સર્વોપરી ઉપાસના સભા થઈ. જેમાં સ્વામિનારાયણ મંદિર મણિનગર-કુમકુમના સંતો પૂ. શાસ્ત્રી કૃષ્ણપ્રિય સ્વામીજી તથા જાણીતા લેખક અને વક્તા પૂજ્ય પ્રેમવત્સલદાસજી પધાર્યા હતા. તેમના હસ્તે અનુપમ મિશન દ્વારા પ્રકાશિત ‘સ્વામિનારાયણ નિત્ય’ મહામંત્રી ધૂનની ઓડિયોનું મુક્તાપર્ણ કરવામાં આવ્યું. સંતોના સન્માન થયા. સર્વોપરી ઉપાસના અધ્યાત્મહાર્દ પ્રવચન સદ્ગુરુ પૂ. મનોજદાસજીએ કર્યું. બાદમાં તેમના હસ્તે ‘Seeds of chang part-2’ પુસ્તકની અંગ્રેજી અને ગુજરાતી આવૃત્તિનું મુક્તાર્પણ કરાયું હતું તો ‘અધ્યાત્મના પ્રકાશ બીજ’ પુસ્તકનું લોકાર્પણ પૂજ્ય હિંમતસ્વામીજીના હસ્તે થયું હતું. આ પ્રસંગે ભગવાન સ્વામિનારાયણ પ્રબોધિત વચનામૃતના સંત ભગવંત સાહેબજીએ કરેલા નિરૂપણ અને આશીર્વચનના ઓડિયો પ્રકાશન ‘હો માહાત્મ્ય સભર વાણી સદા-09’નું લોકાર્પણ સાધુ પૂજ્ય દિલીપદાસજીએ કર્યું.
સભાના અંતે સાહેબદાદાએ આશીર્વાદ પાઠવતાં કહ્યું કે, બ્ર.સ્વ. શાસ્ત્રીજી મહારાજ તથા બ્ર.સ્વ. યોગીજી મહારાજે આપણને આ સર્વોપરી અક્ષર પુરુષોત્તમ ઉપાસનાની સમજ અને આશીર્વાદ આપ્યા છે તે આપણા જીવનનું સદ્ભાગ્ય છે. સાંજે સદ્ગુરુ શાંતિદાદા અને સદ્ગુરુ અશ્વિનદાદાના જીવન મહાત્મ્ય દર્શન પ્રવચનો થયા હતા.
15 ઓગસ્ટના રોજ સવારે 9થી 11 મહાયજ્ઞ યોજાયો હતો, જેમાં 300 જેટલા યુગલોએ ભાગ લઈને મંદિરની દશાબ્દી પર્વની ભાવવંદના ધરી. અંતે સંત ભગવંત સાહેબજીએ મંદિર નિર્માણના દશ વર્ષની વાતો વાગોળી અખંડ સુખી રહેવા માટે પ્રભુનો આશરો દઢ કરવાના આશીર્વાદ આપ્યા.
સાંજે ભારતના સ્વતંત્રતા દિનની ઉજવણી અને ધ્વજવંદન કરવામાં આવ્યા, જેમાં અતિથિ વિશેષરૂપે ભારત સરકારના કેન્દ્રીય મંત્રી શ્રી રામદાસ આઠવલેજી પધાર્યા હતા. તેમણે અનુપમ મિશનના પ્રાંગણમાં સ્થપાયેલો ભારતનો ધ્વજ ફરકાવીને સલામી આપી હતી. તેમજ બ્રિટનનો ધ્વજ સંત ભગવંત સાહેબદાદાએ લહેરાવી સલામી આપી હતી. સભામાં મંત્રીશ્રી આઠવલેજીએ પોતાની પ્રસન્નતા વ્યક્ત કરીને અનુપમ મિશનના સેવાકાર્યોમાં સહાય કરવાની ખાત્રી આપીને સાહેબદાદાના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. અનુપમ મિશન દ્વારા તેઓનું સન્માન કરવામાં આવ્યું હતું.
રાત્રે 8.30 થી 10.30 કિર્તન સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અનુપમ સૂરવૃંદના સંતો તેમજ અન્ય કલાકારોએ ભક્તિગીત રજૂ કર્યા હતા.
16 ઓગસ્ટના રોજ અનુપમ મિશન ડેન્હામ મંદિરનો 10મો પાટોત્સવ સવારે 9થી 10.30 દરમિયાન મંદિરમાં યોજાયો, જેમાં 51 જેટલા દેશવિદેશના યજમાનોએ ભાગ લઈ ભક્તિ અદા કરી હતી.
સાંજે યોજાયેલા દશાબ્દી પર્વ સભામાં અનેક મહાનુભાવો પધાર્યા હતા. જેમાં સ્વાગત પ્રવચન પૂ. વિનુભાઈ નકારજાએ કર્યા બાદ પ્રાસંગિક ઉદ્બોધન પૂ. સતિષભાઈ, પૂ. હેતનભાઈ, પૂ. ભાવિશાબેન, પૂ. મનોજદાસજી આદિએ કર્યા બાદ સંત ભગવંત સાહેબદાદાએ આશીર્વાદ પાઠવ્યા હતા. અંતમાં આ પ્રસંગે પધારેલા મહાનુભાવોને સન્માનિત કરાયા હતા. શીખ સંપ્રદાયના ગુરુજી બાબા અનહદરાયજી પણ વિશેષ પધાર્યા હતા. તેમણે પોતાની પ્રસન્નતા અને આશીર્વાદ પાઠવ્યા હતા.
17 ઓગસ્ટે મહોત્સવ પૂર્ણાહૂતિ દિવસ અને અનુપમ મિશન-ઇંગ્લેન્ડના મહંત પૂ. સાધુ હિંમતદાસસ્વામીના 70મા પ્રાગટ્ય પર્વની પણ ઉલ્લાસપૂર્વક ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે ઇંગ્લેન્ડના બાળકો, કિશોરો, યુવક-યુવતીઓ, ગૃહસ્થો અને ટ્રસ્ટીઓએ પૂ. હિંમતસ્વામીજીનું અભિવાદન કરીને પોતાના ભાવ વ્યક્ત કર્યા હતા. દેશવિદેશના ભક્તોએ પણ હિંમતસ્વામીજીની સેવા અને મહિમાને બિરદાવીને પોતાના ભાવ અર્પણ કર્યા હતા.
ભાવિશાબેન, સતિષભાઈ, કિર્તીબેન, હિતેન ભરખડા, સાધુ જયેશદાસજી, દિપેન રૂઘાણી (પ્રમુખ-ઓસ્ટ્રેલિયા), જોનુભાઈ (પ્રમુખ-ન્યૂઝિલેન્ડ), ડો. જીતુભાઈ (પ્રમુખ-અમેરિકા), દીપકભાઈ દાણી (ટ્રસ્ટી-કેનેડા) આદિએ મહિમાગાન કર્યા બાદ પૂ. સ્વામીએ આશિષયાચના કરી હતી. અંતમાં સંત ભગવંત સાહેબના આશીર્વાદ સાથે આ મહોત્સવ સંપન્ન થયો હતો.