પ્રતિ વર્ષ દીપાવલીના મંગલ પર્વમાં અન્નકૂટ એ સહુથી મજાનો અવસર છે. નાનામોટા બધા જ ભક્તો અતિશય આનંદપૂર્વક ભક્તિ અદા કરે છે. ઇંગ્લેન્ડ જેવા દેશમાં 600-700 વ્યંજનો બનાવવા એ ખરેખર ખૂબ અઘરી સેવા છે પરંતુ અનુપમ મિશનના ભક્તોના ઉત્સાહ અને મહિમાના કારણે આ વર્ષનો અન્નકૂટ પણ અલૌકિક બની રહ્યો. સંપ, સુહૃદભાવ, એકતાના ધ્યેય મંત્ર સાથે સંતો, ભક્તોએ લગભગ 700 જેટલા વ્યંજનો ગોવર્ધન શ્રી ઠાકોરજી અને પ્રગટ ગુણાતીત સંતોની સમક્ષ કલાત્મક રીતે ભાવથી પ્રસ્તુત કરાયો હતો.
પૂજ્ય સતીશભાઈએ પ્રાસંગિક ઉદબોધન કરતા કહ્યું કે, આજે આપણે નવા વર્ષની શરૂઆત કરી રહ્યા છીએ ત્યારે સંકલ્પ કરીએ કે, 1) દરરોજ બે કલાક સ્વામિનારાયણ મંત્રનો જપ કરીશું. 2) હરિભક્તો ધનનો અને સમયનો દશમો ભાગ સેવામાં આપે. ૩) કોઈનો અભાવ નહીં લઈએ.
વિશેષ તેમને જણાવ્યું કે, આજે ૐ ક્રિમેટોરિયમની સાઇટ વિઝિટ માટેની વ્યવસ્થા કરી છે તો જરૂર પધારશો જેથી અત્યારે ચાલી રહેલ કામની આપને માહિતી મળશે.
આ પ્રસંગે લોર્ડ ડોલર પોપટે કહ્યું હતું કે અનુપમ મિશન મારા માટે વિશેષ છે. બધા જ ધર્મના લોકો માટે અંતિમ વિધિ માટે વ્યવસ્થા હતી પરંતુ હિંદુઓ પોતાની વિધિ પ્રમાણે વ્યવસ્થા નહોતી પણ હવે તે અનુપમ મિશનમાં થઈ છે તેનો આનંદ છે. આ પ્રસંગે પૂજ્ય શૌનક ઋષિદાસજી અને એમપી બેરી ગાર્ડિનરે પણ પ્રાસંગિક ઉદ્બોધનો કર્યા હતા.
આશીર્વાદ પાઠવતા સંત ભગવંત સાહેબદાદાએ જણાવ્યું કે, આવી રહેલ વિક્રમ સંવત 2082નું આ વર્ષ સર્વ માટે સુખશાંતિથી ભર્યું બની રહો. સમગ્ર વિશ્વમાં શાંતિ સ્થપાય તે પ્રાર્થના છે. અન્નકૂટ એ ભગવાન પ્રતિ આપણી ભક્તિ દર્શાવવાનો અવસર છે. સાધન છે. આ આપણી ભક્તિ છે જેનાથી પ્રભુ રાજી થાય છે. આપણી આ નાની સેવાને પ્રભુ બહુ મોટી માની લે છે.
અમારા બધા ભક્તો પોતાને ઘરેથી વાનગી બનાવી લાવ્યા છે અને અહીંયા પણ બનવી છે 700 જેટલા વ્યંજનો આ અન્નકૂટરૂપી ગોવર્ધન
ધરાવ્યો છે.
આપણે આખો દિવસ અનેક પ્રકારના વિચારોના પ્રદૂષણનો રહીએ છીએ, પણ જો ઘરે આવી અડધો કલાક ધૂન કરીએ તો આપણા મન, બુદ્ધિ શુદ્ધ થઈ જશે. આત્મામાં બળ મેળવવા માટે મંદિર અને સત્પુરુષના યોગ દ્વારા શક્તિ અને સુખ પ્રાપ્ત થાય છે. ભગવાનનું બળ અને આશરો રાખીશું તો શક્તિ પ્રગટશે. ગુણાતીતાનંદ સ્વામી કહે છે તેમ આવા સાધુની આજ્ઞા પાળવાથી જીવ બળિયો થઈ જાય છે. આખુંય વર્ષ આપણે સહુ ખૂબ મહિમા અને બાળમાં રહીએ તે પ્રાર્થનાઓ છે. અન્નકૂટના આ દિવ્ય અવસરે ઇંગ્લેન્ડના અનેક પ્રતિષ્ઠિત મહાનુભાવો અને સંતો પધાર્યા હતા. ડો. નંદાકુમારા (કાર્યકારી નિયામક - ભારતીય વિદ્યા ભવન), પૂજ્ય શૌનકઋષિ દાસજી, લોર્ડ ડોલર પોપટ, એમપી બેરી ગાર્ડિનર, પ્રદીપભાઈ ધામેચા, ઇસ્કોન મંદિરના સંતો, ભાગવત ધામ-મોરબીના સંતો, જલારામ મંદિરના પ્રમુખ અને ટ્રસ્ટીઓ, શ્રીમદ રાજચંદ્ર મિશનના પ્રમુખ અને ટ્રસ્ટીઓ, વલ્લભ નિધિ સનાતન મંદિરના પ્રમુખ અને સભ્યો, ભરતભાઈ સોઢા (લોહાણા કોમ્યુનિટી-યુકેના પ્રમુખ), તૃપ્તિબેન પટેલ (હિન્દુ ફોરમ બ્રિટનના પ્રમુખ), અંજનાબેન પટેલ (મેયર, હેરો), તુષારભાઈ મોરઝરીયા, કેતન કોટેચા, શશીભાઈ વેકરીયા વગેરે હજારેક ભક્તોએ લાભ લીધો હતો. આ ઉપરાંત મોટી સંખ્યામાં હરિભક્તોએ અન્નકૂટ ઉત્સવનો લ્હાવો લીધો હતો.


