અનુપમી વિકાસના પ્રણેતાઃ પૂ. જશભાઈ સાહેબ

- પ્રા. ચંદ્રકાંત પટેલ (યુ.એસ.એ) Monday 12th October 2015 11:10 EDT
 
 

ઈશુના બે હજારના વર્ષના અંતિમ મહિનાઓમાં અમેરિકાના પેન્સિલવેનિયાના પોકોનાના અનુપમ મિશનના એક કાર્યક્રમમાં મારે જવાનું થયું. પૂ. સાહેબ સાથે લખવાના નિમિત્તે આત્મીય સંબંધોની મનમાં જન્મતી લાગણીઓથી ભર્યોભર્યો હતો. પંચોતેરમાં મારા પ્રસિદ્ધ થયેલા ઈઝરાયેલ વિશેના પ્રથમ પુસ્તકને ગુજરાત સરકારે ત્યારે એવોર્ડને યોગ્ય ગણ્યું હતું. આ પછી અવિરત લેખનયાત્રા ચાલતી હતી. સંખ્યાબંધ પુસ્તકો પ્રસિદ્ધ થઈ ચૂક્યાં હતાં અને અમેરિકામાં ગુજરાતના સાંસ્કૃતિક ધબકારા પુસ્તકના ય બે ભાગ પ્રસિદ્ધ થયા હતા. ઈંગ્લેન્ડ વિશે આવું કંઈ લખવાની ઈચ્છા હતી. સાહેબ પાસે મેં ઈચ્છા પ્રગટ કરતાં, સાહેબે ત્યારે લેસ્ટરસ્થિત ડો. ગજેન્દ્ર છત્રીસાને વાત કરી અને ડો. છત્રીસાએ 'ગુજરાત સમાચાર' લંડનના તંત્રી સી. બી. પટેલને વાત કરી. સી. બી. પટેલનો ત્યારે મને જરા પણ પરિચય નહીં. કોઈ દિવસ વાત કે પત્ર વ્યવહાર નહીં. તેમણે માત્ર ડો. છત્રીસાના કહેવાથી મને બ્રિટિશ ગુજરાતીઓ વિશે લખવા લંડન બોલાવ્યો.

સી. બી. પટેલને ત્યારે અનુપમ મિશન સાથે કોઈ સીધો સંપર્ક નહીં. સાહેબનો પરિચય પણ નહોતો. સી. બી.એ તેમના મિતર સુરેન્દ્ર પટેલને પુસ્તક માટેની વ્યક્તિઓ સાથે મારી મુલાકાત કરાવવાની જવાબદારી સોંપી. મિત્ર ભાવે સુરેન્દ્રભાઈએ આવા સંપર્કો ગોઠવવાનું, તેમના સુધી પહોંચવાનું બધું જ ભારે જહેમત લઈને એમના સંપર્કોનો ઉપયોગ કરીને ગોઠવ્યું.

અમેરિકાથી લંડન આવવા-જવા માટે પુસ્તક છપાવવાની બધી જવાબદારી સી. બી. પટેલ સહર્ષ અને સેવાભાવે ઉપાડી. સી. બી. મારા માટે એકાદ માસ લંડન રહેવાની વ્યવસ્થા કરવા તત્પર હતા પણ પૂ. જશભાઈ સાહેબે આવા કામને સમાજને ઉપયોગી લેખ્યું. સિદ્ધિઓ, સારપ અને પુરુષાર્થી ભરેલી વ્યક્તિઓને સમાજ સમક્ષ મુકવાથી આવી વ્યક્તિઓમાં સમાજને પ્રેરણા મળે અને વ્યક્તિઓને સારું કામ કરવાનો ઉત્સાહ વધે માનીને અનુપમ મિશને મારા રહેવાની બધી સગવડ કરી.

લંડનવાસ દરમિયાન સુરેન્દ્રભાઈ રોજ મને મિશનમાં લેવા-મૂકવા આવે. ક્યારેય વ્યક્તિનો ઈન્ટરવ્યુ મિશનની ભૂમિ પર ગોઠવાયો હોય તો તે સમય દરમિયાન સુરેન્દ્રભાઈ મિશનમાં રોકાય. આ સમય દરમિયાન અને જ્યારે જ્યારે સુરેન્દ્રભાઈ મને લેવા મૂકવા આવે ત્યારે મિશનના સંતો, સાધકો અને ખાસ તો મિશનના મહંત હિંમત સ્વામી અને સાધક કાળુભાઈ લાખાણીની આગતા સ્વાગતા, સ્નેહ, સૌજન્ય અને નમ્રતાથી પ્રભાવિત થયા અને મિશન તરફ ખેંચાયા. આ નિમિત્તે સી. બી. પટેલ પણ મિશનની નજીક આવ્યા અને આપ્તજન બન્યા.

સી. બી. પટેલની પુત્રી ઊર્જાનાં લગ્ન માટે તેમને વિશાળ જગ્યાની જરૂર હતી. મિશનના વિશાળ, રમણીય સંકુલમાં ભવ્ય માર્કી બાંધીને તેમણે દીકરી ઊર્જાનો લગ્ન સમારંભ સંપન્ન કર્યો. આ વખતે મિશનના સંતો, ભક્તો અને સ્વંયસેવકોએ આ સમારંભને પોતાનો માનીને સાથ સહકાર આપતાં સી. બી. મિશન અને પૂ. સાહેબ તરફ વધુ ખેંચાયા. આ લગ્ન નિમિત્તે આવનાર ઘણી વ્યક્તિઓએ આવી રમણીય અને વિશાળ ભૂમિ વિસ્તાર ધરાવતા મિશનની પ્રથમવાર મુલાકાત લીધી અને તેમને ત્યારે જ આવા વિશાળ સંકુલનો પ્રથમવાર ખ્યાલ આવ્યો. પછી આવી રીતે મિશનની ભૂમિ પર વધુને વધુ કાર્યક્રમો યોજાતાં મિશનનો લંડનવાસીઓને પરિચય વધ્યો.

સી. બી. પટેલને અનુપમ મિશને તેમની સેવાપ્રવૃત્તિ અને માનવી માનવીને જોડતી પ્રવૃત્તિને કારણે શાલિન માનવરત્નથી બિરદાવ્યા. સી.બી.ને આ પ્રસંગે અનુપમ મિશને સન્માનના ભાગરૂપે ૨૫,૦૦૦ રૂપિયાનો ચેક આપ્યો જે તેમણે ક્યારેય વટાવ્યો નહીં અને અખંડસ્મૃતિ તરીકે જાળવી રાખ્યો. વધારામાં તેમણે નર્મદા તટના આદિવાસી વિસ્તારમાં ચાલતી વટાળપ્રવૃત્તિને માત્ર સેવાકાર્યોથી જ ઘટાડી શકાય તેમ માનીને આવું કાર્ય શરૂ કરવા મિશનને £૧૫,૦૦૦નું અનુદાન કર્યું. આજે આ પ્રવૃત્તિ અનુપમ મિશનના સંપર્ક, સેવા અને સુઆયોજિત પ્રવૃત્તિથી વટવૃક્ષ બની રહી છે. અનુપમ મિશનના કાર્યોની સુવાસથી આ પ્રવૃત્તિમાં સરકાર અને દાતાઓના સાથથી કરોડો રૂપિયા ખર્ચાયા છે. શિક્ષણ અને આરોગ્યની સેવાનો યજ્ઞ અહીં સતત ચાલે છે.

સી. બી. પટેલ અને અનુપમ મિશનના સાથને કારણે ત્યારે તો માત્ર બ્રિટિશ ગુજરાતીઓની ગૌરવ ગાથાનું મારું પુસ્તક પ્રકાશિત થયું. તેમાંથી ઊભા થયેલા સંપર્કોનો ગુણાકાર થતો રહ્યો. આમાંથી માત્ર દરિયાપારના ગુજરાતીઓ વિશે જ મારાં ત્રેવીસ દેશોને આવરી લેતાં બધાં મળીને પચાસ જેટલાં પુસ્તકો ગુજરાતી અને અંગ્રેજીમાં અનુવાદિત થઈને પ્રકાશિત થઈ શક્યાં છે. આમાં તાજેતરમાં જ જર્મનીના ગુજરાતીઓ વિશેનું મારું પુસ્તક પ્રગટ થયું. જે મારાં કુલ પ્રકાશિત પુસ્તકોમાં સોમા નંબરનું છે.

ગુજરાતી ભાષામાં, વિદેશવાસી ગુજરાતીઓને એ જ્યાં વસતા હોય ત્યાં તેમને ઘરે કે ઓફિસમાં મળીને આટલી મોટી સંખ્યામાં પુસ્તકો બીજા કોઈએ લખ્યાં હોય તેવો મને ખ્યાલ નથી. જો સી. બી. અને પૂજ્ય જશભાઈ સાહેબે મારો ઉત્સાહ વધાર્યો ન હોત તો કદાચ મારાં લખાણો માત્ર યુ.એસ.એ. અને ભારત પૂરતાં જ સીમિત રહી ગયા હોત માટે પૂ. સાહેબ અને સી. બી.નો હું ઋણી છું.

સી. બી. અને મારા નિમિત્તે સુરેન્દ્રભાઈ અનુપમ મિશનના સંપર્કમાં આવ્યા અને સ્વગુણ નિઃસ્વાર્થ સેવા અને શ્રદ્ધેય વ્યક્તિત્વને લીધે અનુપમ મિશનના જ બની રહ્યા. તેમના લંડન અને ભારતસ્થિત મિત્રો પણ એનાથી દોરાઈને અનુપમ મિશનના સંપર્કમાં આવીને અનુપમ મિશનનાં સેવા, સાંસ્કૃતિક રક્ષા અને શિક્ષણના કાર્યોમાં આર્થિક સહયોગ આપતા રહ્યા જેથી અનુપમ મિશનનાં આવાં કાર્યોમાં વેગ આવ્યો. સી. બી.એ અનુપમ મિશનની ભૂમિ પર સૌ પ્રથમ જે કાર્યક્રમ યોજ્યો તેથી અનેક વ્યક્તિઓએ આ ભૂમિ પર આવા કાર્યક્રમો યોજવા પ્રેરણા મળી. પૂજ્ય સાહેબના બિનધંધાદારી વ્યવહાર, માત્ર મદદરૂપ થવાની વૃત્તિને લીધે વધુને વધુ લોકો અનુપમ મિશનની બ્રહ્મજ્યોતિ ભૂમિ પર વિહરતા, વિચરતા અને દિવ્યાનંદ માણતા થયા છે.

તાજેતરમાં અનુપમ મિશનના આ નૈમિષારણ્ય શા સંકુલમાં નવા મંદિરની મૂર્તિ પ્રતિષ્ઠા પહેલાં પૂ. રમેશભાઈ ઓઝાની ભાગવત સપ્તાહનો કાર્યક્રમ સંપન્ન થયો અને હજારો માણસોએ રોજેરોજ આ તિર્થભૂમિમાં આવીને ભાગવત કથા નિમિત્તે પરમ પૂજ્ય સાહેબ અને ઈશ્વરના સાનિધ્યને માણ્યું.

પરમેશ્વર સત્કાર્યનો વ્યાપ વધારવા કેવાં કેવાં પાત્રોને નિમિત્ત બનાવે છે એનો વિચાર કરતાં લાગે, ભગવાનના કોમ્પ્યુટર કેવાં કેવા ગૂઢ રહસ્યો અને યોજનાઓ સમાવિષ્ટ હશે!


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter