અપમાનજનક વસ્ત્રો પાછા ખેંચવા યુકેની કંપનીને હિંદુઓની અપીલ

Saturday 08th August 2020 07:25 EDT
 
 

નેવાડા (અમેરિકા)ઃ વ્યથિત હિંદુઓએ લંડન (યુકે) સ્થિત એપરલ અને એેસેસરીઝ ઓનલાઈન કંપની ‘યોગ પીસ ઓફ લાઈફ’ની કેટલીક પ્રોડક્ટ્સને પવિત્ર હિંદુ પ્રતીકો અને વિચારોને નુક્સાનકારક ગણાવીને તે તાત્કાલિક માર્કેટમાંથી પાછી ખેંચી લેવા અનુરોધ કર્યો હતો. હિંદુ રાજનેતા રાજન ઝેડે નેવાડા (અમેરિકા)થી નિવેદનમાં જણાવ્યું હતું કે આ કંપની દ્વારા હિંદુ ધર્મના પ્રતીકો અથવા વિચારોનો ઉપયોગ કોમર્શિયલ અથવા અન્ય હેતુસર થાય તે યોગ્ય નથી કારણ કે તેનાથી હિંદુઓની લાગણીને ઠેસ પહોંચે છે.

યુનિવર્સલ સોસાયટી ઓફ હિંદુઈઝમના પ્રેસિડેન્ટ રાજન ઝેડે જણાવ્યું હતું કે વિશ્વની સૌથી મોટી વસ્તીની માન્યતાઓનો અનાદર અને અવગણના કરતી પ્રોડક્ટ્સનું વેચાણ ચાલુ રાખવાનું કંપની માટે અયોગ્ય અને લાગણીવિહીન છે. હિંદુઓ ધાર્મિક કાર્યના પ્રારંભ અને અંતમાં ‘ઓમ’નો ઉપયોગ કરે છે. ઝેડે ઉમેર્યું હતું કે નમસ્તે જેનો અર્થ સામાન્ય રીતે હું તમારામાં રહેલા દિવ્ય તત્ત્વને નમન કરું છું તે રિવાજ મુજબ હિંદુઓ દ્વારા થતું અભિવાદન છે. તે ભક્તિ અને પૂજનની અભિવ્યક્તિ પણ છે.

તેમણે ઉમેર્યું હતું કે કંપનીએ કોમ્યુનિટીઝની મજાક ઉડાવવી ન જોઈએ. હિંદુ ધર્મ સૌથી પ્રાચીન અને ત્રીજો સૌથી મોટો ધર્મ છે અને વિશ્વભરમાં તેના ૧.૧ બિલિયન જેટલા અનુયાયી છે. હિંદુ ધર્મમાં તત્ત્વચિંતનના સમૃદ્ધ વિચારો છે. તેને નજરઅંદાજ કરી શકાય નહિ. નાના અથવા મોટા કોઈ પણ ધર્મના પ્રતીકોનો દુરુપયોગ કરી શકાય નહિ. ઝેડે ‘યોગ પીસ ઓફ લાઈફ’ના સીઈઓને આ વાંધાજનક પ્રોડક્ટ્સ પાછી ખેંચી લેવા ઉપરાંત હિંદુઓની માફી માગવા પણ અનુરોધ કર્યો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter