અપરાધીઓ ગુપ્ત ‘એન્ક્રોચેટ’ સિસ્ટમથી ગુનાખોરી પ્લોટ્સને અંજામ આપતા હતા

Friday 10th July 2020 01:20 EDT
 
 

લંડનઃ નેશનલ ક્રાઈમ એજન્સી (NCA) અને તેના યુરોપિયન પાર્ટનર્સ વચ્ચે સહકારથી ‘Eternal’ કોડનેઈમ સાથેનું વિશાળ અને વ્યાપક ઓપરેશન શક્ય બન્યું હતું. ‘Encrochat’ તરીકે ઓળખાયેલી સાંકેતિક ભાષા સાથેની ફોન સિસ્ટમ પરથી મેળવાયેલા ડેટાના કારણે સંખ્યાબંધ ખતરનાક ક્રિમિનલ પ્લોટ્સની ઓળખ કરી શકાઈ હતી.

‘Operation Venetic’ નામ અપાયેલી ગુપ્ત કાર્યવાહીમાં જાણવા મળ્યું છે કે વિશ્વભરમાં ૬૦,૦૦૦ અને યુકેમાં આશરે ૧૦,૦૦૦ વપરાશકારો આ ગુપ્ત કોલ નેટવર્ક સિસ્ટમનો ઉપયોગ કરે છે જેમાંથી એકલા લંડનમાં જ આશરે ૧૪૦૦ લોકો તેનો ઉપયોગ કરે છે. તેમના હેન્ડસેટની મદદથી તેઓ ગુનાખોરીની યોજનાઓ ઘડતા અને તેને અંજામ આપતા હતા. જોકે, એજન્સીની ટીમ આ નેટવર્કમાં ઘૂસણખોરી કરી સિસ્ટમને તોડી પાડવામાં સફળ નીવડી હતી.

આ નેટવર્કનું મુખ્ય સાધન આંતરિક સુરક્ષિત સિસ્ટમ સાથેના ‘EncroPhones’ મોબાઈલ હતા, જેનાથી કોઈની ઓળખ પ્રસ્થાપિત થતી ન હતી, સાંકેતિક ભાષામાં સંદેશા અને કોલ્સની આપ-લે થતી હતી, તેની ટેક્સ્ટસનો આપમેળે નાશ થતો હતો અને તેમાં ભયસૂચક ‘panic wipe’ ફંક્શન પણ હતું. છ મહિનાના કોન્ટ્રાક્ટ સાથે ૧૫૦૦ પાઉન્ડની કિંમતના આ સાધને સમગ્ર યુરોપની ક્રાઈમ ગેન્ગ્સમાં આકર્ષણ ઉભું કર્યું હતું કારણકે પોલીસ દ્વારા તેના આંતરવા કે તપાસનો ભય ન હતો. બ્લેકબેરી PGP નેટવર્કનો ઉપયોગ ઘટવા સાથે ૨૦૧૭થી ‘એન્ક્રોફોન્સ’ વધુ લોકપ્રિય બનવા લાગ્યા હતા. જોકે, આંતરરાષ્ટ્રીય ટીમે તેની સાંકેતિક ભાષાને ઓળખવા સાથે તેના વપરાશકારો પર જાસૂસી શરુ કરી દીધી અને તેમની જાણ બહાર તેનો ડેટા સંગ્રહ કરવા માંડ્યો હતો.

NCAના ડેપ્યુટી ડાયરેક્ટર મેટ હોર્નેના જણાવ્યા અનુસાર એન્ક્રોચેટ નેટવર્ક સંપૂર્ણપણે ગુનાખોરી હેતુઓ માટે જ હતી. યુકેમાં ડ્રગ્સ, ગન્સ અને લોકોની હેરાફેરી તેમજ વ્યાપક પ્રમાણમાં મની લોન્ડરિંગ સહિતના ગુનાઓમાં સંકળાયેલા ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ ગ્રૂપ્સ માટે ‘એન્ક્રોફોન્સ’ અભેદ્ય જરુરિયાત બની ગયા હતા. ડ્રગ્સની હેરાફેરીના દેવાંની ચૂકવણીની ફરજ પાડવા, હરીફાઈના બજારોમાં આંતરિક લડાઈઓ, ધમકીઓ આપવા તેમજ હુમલાઓ અને હત્યાઓના આયોજનમાં પણ આ નેટવર્કનો બહોળો ઉપયોગ થવા લાગ્યો હતો. એન્ક્રોચેટ સાથેના ફોનનો ઉપયોગ કરી એક હત્યારાએ મે ૨૦૧૮માં લિવરપૂલના ગેંગસ્ટર જ્હોન કિનસેલાની હત્યાને અંજામ આપ્યો હોવાનું કહેવાય છે.

જોકે, એન્ક્રોચેટના ઓપરેટર્સને ખ્યાલ આવી ગયો કે તેમના પ્લેટફોર્મમાં ઘૂસણખોરી થઈ છે. આ પછી, પોલીસને ૧૩ જૂનથી તેની કાર્યવાહી વધુ તીવ્ર બનાવવા ફરજ પડી હતી. વપરાશકારોને મોકલાયેલા એક સંદેશામાં જણાવાયું હતું કે,‘ સરકારી એજન્સીઓએ અમારા ડોમેઈન પર ગેરકાયદે કબજો જમાવી લીધાનું જણાય છે. અમે તમારા સાધનની સુરક્ષાની ગેરંટી આપી શકતા નથી. તમને ડિવાઈસનો પાવર ઓફ કરી તેનો તત્કાળ નિકાલ કરી નાખવાની સલાહ આપીએ છીએ.’ આવો એલર્ટ ગયા પછી બ્રિટિશ વપરાશકારો વચ્ચેના સંદેશા આંતરવામાં આવ્યા હતા જેમાં એક સંદેશામાં જણાવાયું હતું કે,‘પોલીસ ફિલ્ડમાં આવી ગઈ છે.’ બીજો સંદેશો કહેતો હતો કે,‘ જો NCA હશે તો આપણે મોટી સમસ્યામાં આવી જઈશું.’


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter