લંડનઃ યુકેમાં અપસ્કર્ટિંગ એટલે કે સ્કર્ટ પહેરેલી યુવતીનો આપત્તિજનક ફોટો લેવાની હરકત યુવતીઓ અને ઓફિસ જનારી મહિલાઓ માટે શિરદર્દ બનતી હતી. આનું કારણ એ હતું કે કાયદામાં આવી હરકત અપરાધ ગણાતી ન હતી. કોઈ યુવતી જો પોલીસને ફરિયાદ કરે તો પણ કોઈ કાર્યવાહી થતી નહોતી. પણ હવે સરકારે અપસ્કર્ટિંગને એક ગંભીર ગુનો માનીને બે વર્ષ સુધીની સજાનો કાયદો ઘડ્યો છે.
મંગળવાર, ૧૬ જાન્યુઆરીએ હાઉસ ઓફ લોર્ડસમાં આ સંબંધિત બિલ પાસ કરાયું હતું. આ પરિવર્તનનું શ્રેય ૨૬ વર્ષની જીના માર્ટિનને જાય છે. તેણે તેની સાથે થયેલી આ ગંભીર હરકતને ધ્યાનમાં લઈને ૧૮ મહિના સુધી સોશિયલ મીડિયા પર અભિયાન ચલાવ્યું અને લગભગ એક લાખ લોકોને અભિયાનમાં જોડ્યા હતા. આથી, દબાણમાં આવેલી સરકારે કાયદો ઘડીને સજાની જોગવાઈ કરવી પડી છે.
જીના માર્ટિન મ્યુઝિક ફેસ્ટિવલમાં ભાગ લેવા ગઈ હતી ત્યારે તેની સાથે આવી ઘટના બનતાં તે તુરત પોલીસ પાસે પહોંચી હતી. આ સમયે પોલીસે કહ્યું કે, આ ઘટના ગુનાની શ્રેણીમાં આવતી ન હોવાથી કોઈ કાર્યવાહી થઈ શકશે નહિ. જીનાએ આ મુદ્દો ફેસબુક પર ઊઠાવ્યો ત્યારે ઘણી યુવતીઓએ પોતાની આપવીતી જણાવી હતી. યુવાનો કોઈ પણ શરમ વિના આવી તસવીરો લેતા હોવાના મુદ્દાને લઈને મહિલાઓ પણ મેદાનમાં આવી હતી. જીનાને આ સમસ્યા નાની ન જણાવા સાથે માફ ન કરી શકાય તેવું યૌનશોષણ લાગતાં તેણે અપસ્કર્ટિંગ વિરુદ્ધ અભિયાન છેડ્યું હતું.


