લંડનઃ હિન્દુ, જૈન, બૌદ્ધ અને શીખ પ્રજાઓ માટે અંતિમસંસ્કાર વિશેષ મહત્ત્વ ધરાવે છે. નોર્થ લંડન સહિત યુકેમાં અંતિમ સંસ્કાર માટેની સુવિધા અપૂરતી છે. તેમાં વધારો થાય તે માટે હિંદુ ફોરમ ઓફ બ્રિટન (HFB) અને ધ નેશનલ કાઉન્સિલ ઓફ હિન્દુ ટેમ્પલ્સ યુકે (NCHTUK) સંસ્થાઓ તથા ચંદુભાઈ ટેલર તરફથી વ્યક્તિગત રીતે છેલ્લાં ઘણા સમયથી ડિપાર્ટમેન્ટ ઓફ કોમ્યુનિટીઝ એન્ડ લોકલ ગવર્નમેન્ટ (DCLG) સમક્ષ રજૂઆત થઈ રહી છે. ડીસીએલજીએ આ અંગે સંસ્થાઓને તેમની રજૂઆત કરવા જણાવ્યું છે. આ અંગેનું કન્સલ્ટેશન ગત ૧૬ માર્ચથી શરૂ થયુ છે અને તેની છેલ્લી તારીખ આગામી ૨૬મી મે છે.
ચંદુભાઈ ટેલર નોર્થ લંડનમાં અંતિમસંસ્કાર જોગવાઈઓ અને સુવિધા અંગે ડિસ્કશન પેપર તૈયાર કરી રહ્યા છે. તેમણે હિન્દુ અને શીખ સંસ્થાઓને સરકાર સમક્ષની રજૂઆતમાં તેમની સાથે જોડાવા અનુરોધ કર્યો છે. તેમના દ્વારા ૨૪ મેએ પેપર ફાઈલ કરાશે. નાગરિકોને તેમની રજૂઆત ચંદુભાઈને તેમના ઈ-મેલ એડ્રેસ [email protected] પર મોકલવા જણાવાયું છે.
આ જ રીતે હિંદુ ફોરમ ઓફ બ્રિટન અને ધ નેશનલ કાઉન્સિલ ઓફ હિન્દુ ટેમ્પલ્સ યુકે દ્વારા છેલ્લા ૧૦ વર્ષથી યુકેમાં ઇંતિમસંસ્કાર સુવિધાઓ અપૂરતી હોવાની રજૂઆતો થતી રહી છે. DCLG દ્વારા આ સંસ્થાઓને કન્સલ્ટેશન કોમ્યુનિકેશન મોકલાયું છે, જેની વિગતો સાથી સંસ્થાઓ અને ૫,૦૦૦થી વધુ લોકોને મોકલી અપાઈ છે. આ સંસ્થાઓ ૨૬ મે સુધીમાં સંયુક્ત પ્રતિભાવ DCLG ને સબમીટ કરશે. જો તમે આ પ્રતિભાવમાં જોડાવા ઈચ્છતા હો તો HFBના પ્રમુખ શ્રીમતી તૃપ્તિબેન પટેલને [email protected] અને NCHTUKના સેક્રેટરી પંડિત સતીશ શર્માને [email protected] પર તમારી ટીપ્પણીઓ મોકલી આપવા જણાવાયું છે.


