અબુ ધાબીના BAPS હિન્દુ મંદિરમાં 2000 સ્ત્રીઓ દ્વારા ‘પ્રેરણાદિન’ ઉજવાયો

Tuesday 27th February 2024 05:10 EST
 
 

અબુ ધાબીઃ તાજેતરમાં જ અબુ ધાબીના BAPS  હિન્દુ મંદિરના ઐતિહાસિક ઉદ્ઘાટન નિમિત્તે ‘સંવાદિતા ઉત્સવ’નું સમાપન બુધવાર 21 ફેબ્રુઆરીએ2000 સ્ત્રીઓ દ્વારા ‘પ્રેરણાદિન’ની ઉજવણી સાથે કરવામાં આવ્યું હતું. આ ઉજવણી સમાજને યોગદાન આપનારા પરિવારો અને પ્રેરણાદાયી વ્યક્તિત્વોને સમર્પિત કરવામાં આવી હતી. BAPS હિન્દુ મંદિરની મહિલા પાંખ દ્વારા આયોજિત ઉજવણીમાં 2000થી વધુ સ્ત્રીઓએ વિશેષ સભામાં હાજરી આપી હતી. આ ઈવેન્ટમાં સમાજના ઉત્થાનમાં સ્ત્રીઓની મહત્ત્વપૂર્ણ ભૂમિકા અને માનવતાને અમૂલ્ય યોગદાન પર પ્રકાશ પથરાયો હતો. અસામાન્ય સંજોગોમાં પણ BAPS હિન્દુ મંદિરને સેવા આપનારી વ્યક્તિઓની નોંધપાત્ર કહાણીઓને હાઈલાઈટ કરતા વીડિયો ‘ફેસીસ ઓફ ઈન્સ્પિરેશન’ને દર્શાવાયો હતો.

ભારતમાં ઋષિકેશસ્થિત જાણીતા આધ્યાત્મિક અગ્રણી, લેખિકા અને પ્રેરણાત્મક વક્તા સાધ્વી સરસ્વતી ભગવતી સહિત પ્રતિષ્ઠિત મહેમાનોએ ઈવેન્ટની શોભા વધારી હતી. સાધ્વી સરસ્વતી બેસ્ટસેલિંગ મેમોઈર્સ ‘હોલીવૂડ ટુ હિમાલયાઝઃ એ જર્ની ઓફ હીલિંગ એન્ડ ટ્રાન્સફોર્મેશન’ના લેખિકા છે. તેમણે મંદિરોની ભૂમિકા અને તેના થકી પ્રસરતી આસ્થા અને શાંતિ વિશે ભાવપૂર્વક જણાવ્યું હતું. અન્ય પ્રતિષ્ઠિત મહેમાનોમાં યુએઈસ્થિત ભારતીય રાજદૂતના પત્ની અને શિક્ષણક્ષેત્રમાં 30 વર્ષથી વધુ અનુભવ ધરાવતાં વંદના સુધીર, ઈનોવેન્ચર્સ એજ્યુકેશનના સ્થાપક સીઈઓ અને પ્રતિષ્ઠિત IIM બેંગલોરના MBA સ્નાતક પૂનમ ભોજાણીનો સમાવેશ થયો હતો. આ ઈવેન્ટ યુએઈમાં વૈવિધ્યપૂર્ણ સંસ્કૃતિઓ અને પશ્ચાદભૂ સાથે વિવિધ કોમ્યુનિટીઓનાં પ્રતિનિધત્વ થકી એકતા અને સમાવેશિતાની ઉજવણી અને સામુદાયિક ઉત્સાહનું ભવ્ય પ્રદર્શન બની રહ્યો હતો. આ ઉપરાંત, જૈન સમાજ; આર્ટ ઓફ લિવિંગ; અમે ગુજરાતી ઈન યુએઈ; ઈન્ડિયન વિમેન ઈન દુબઈ; રાઈઝિંગ સ્ટાર્સ ગ્રૂપ; મહારાષ્ટ્ર મંડલ અબુ ધાબી; સાઉથ ઈન્ડિયન કોમ્યુનિટી; ઈન્ડિયન લેડીઝ એસોસિયેશન, અબુ ધાબી સહિત અનેક ગ્રૂપ્સના મુલાકાતીઓ પણ ઈવેન્ટમાં ઉપસ્થિત હતા.

સાધ્વી સરસ્વતી ભગવતીએ મંદિરની મુલાકાતનો આનંદ વ્યક્ત કરવા સાથે કોમ્યુનિટીઓ વચ્ચે એકતા સ્થાપવામાં તેના મહત્ત્વને ઉજાગર કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે,‘આ મંદિર ‘ભક્તિ કી શક્તિ’નો પુરાવો છે. જે પ્રયાગરાજમાં ગંગા, યમુના અને સરસ્વતીના ત્રિવેણી સંગમની માફક વૈશ્વિક સંવાદિતાનું પ્રતીક છે. આ મંદિરની સકલતા તેના ભાગોથી વિશેષ છે અને અહીં આવતા તમામમાં તેનું દર્શન અનુભવી શકાય છે.’

વંદના સુધીરે તેમનો અનુભવ ટાંકતા કહ્યું હતું કે,‘આ મંદિરે વિવિધ સંસ્કૃતિઓ અને ધર્મોનું સંધાન કરી આ વિશ્વને બહેતર સ્થળ બનાવ્યું છે. સમાજમાં ઐક્ય અને પ્રેમની પ્રેરણા કરવા માટે આનાથી વધુ સારું સ્થળ કયું હોઈ શકે!’

પૂનમ ભોજાણીએ સંબોધનમાં જણાવ્યું હતું કે,‘મારા પિતા મને કોઈ પરિણામોની આશા રાખ્યાં વિના જ કામ કરતાં રહેવાનું શીખવતા હતા. મેં સૌપ્રથમ વખત અહીં BAPS હિન્દુ મંદિરમાં તે ઉપદેશને કાર્યરત થતો નિહાળ્યો છે જ્યાં દરેક વ્યક્તિ કોઈ અપેક્ષા વિના જ સેવા આપી રહી છે. આ સાચે જ કરુણા સાથેની સેવા છે.’

પૂજ્ય મહંત સ્વામી મહારાજના રેકોર્ડેડ વીડિયો આશીર્વાદ સાથે સભાનું સમાપન થયું હતું. મહંત સ્વામી મહારાજે દરેકની અંદર રહેલા પ્રેમ અને શક્તિનો સંદેશો આપતા કહ્યું હતું કે,‘પ્રિય મિત્રો, તમે સામાન્ય નથી. તમે મહાન આત્માઓ છો કારણકે તમે ઈશ્વરને પ્રાપ્ત કર્યા છે. તમારી અંદર અનંત શક્તિ છે આથી, તેનો ગર્વ અનુભવો.’

વિદાય લેતા પહેલા બધા ઉપસ્થિત મુલાકાતીઓએ મંદિર સંકુલની પરિક્રમા કરી હતી અને વિશ્વભરની પ્રાચીન સંસ્કૃતિઓની પ્રેરણાદાયક કથાઓ અને અતિ બારીક કોતરણીઓ પર વિસ્મય વ્યક્ત કરવા સાથે આ કોમ્યુનિટી પ્રોજેક્ટમાં મદદ કરવા આગળ આવેલા લોકોને બિરદાવ્યા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter