લંડનઃ હૃદયરોગનો હુમલો આવ્યા બાદ ડોક્ટરો દ્વારા માત્ર સાત મિનિટમાં ફરી જીવિત થયેલા ૬૦ વર્ષીય અભિનેતા શિવેન્દર ગ્રેવાલે તેઓ પુનઃજીવિત થયા તે પહેલા તેમણે શું જોયુ તેનો ચિતાર રજૂ કર્યો હતો. તેમણે જે અનુભવ્યું તેની વાત રજૂ કરતું એક પ્રદર્શન આવતા મહિને લંડનમાં યોજાશે.
અભિનેતા ગ્રેવાલે રોયલ શેક્સપિયર કંપનીના પ્રોડક્શન ‘મચ એડો અબાઉટ નથીંગ’માં ડોન પેડ્રો તરીકે અભિનય આપ્યો હતો. તેના થોડા સમયમાં જ સાઉથ ઈસ્ટ લંડનમાં પેકહામ ખાતેના નિવાસસ્થાને તેમને હાર્ટ એટેક આવ્યો હતો. તે પહેલા તેઓ તેમના ૫૦ વર્ષીય પત્ની એલિસન સાથે બહાર જમીને આવ્યા હતા. તાત્કાલિક સારવારને લીધે તેઓ બચી તો ગયા હતા પરંતુ, એક મહિના સુધી કોમામાં સરી પડ્યા હતા. તેમણે પોતાનો અનુભવ વર્ણવતા જણાવ્યું હતું,‘ હું જાણતો હતો કે મારું મગજ કામ કરતું બંધ થઈ રહ્યું હતું અને મદદ માટે પોકારતું હતું. પરંતુ, તે જ સમયે બધું મારા શરીરથી અલગ થઈ હોય તેવું લાગ્યું હતું. હું શૂન્યાવકાશમાં હોઉં તેમ લાગતું હતું. પરંતુ, લાગણીઓ અને સંવેદનાઓને હું અનુભવી શકતો હતો.’
તેમણે આખા અનુભવને ‘એક સ્વપ્ન ચાલતું હોય’ તેવો ગણાવ્યો હતો. અગાઉ સ્વસ્થ અને તંદુરસ્ત શિવેન્દરને ફેબ્રુઆરી, ૨૦૧૩માં હાર્ટ એટેક આવ્યો હતો.
અભિનેતામાંથી આર્ટિસ્ટ થયેલા શિવેન્દર અંતરિક્ષ અને ઉલ્કાઓ જોઈ હોવાનું વર્ણન કરે છે. આ અદભૂત અનુભવ વિશે તેમણે જણાવ્યું હતું કે મૃત્યુ પછીના જીવન વિશેની તેમની માન્યતા દ્રઢ થઈ છે.
તેઓ બોલવાની અને હલનચલનની સમસ્યાઓને લીધે રંગભૂમિ પર પાછા ફરી શકે તેમ નથી. તેઓ વાઈની બીમારીથી પણ પીડાય છે.
રિબુટ તરીકે જાણીતું શિવેન્દરનું પ્રદર્શન સોહોમાં સેન્કટમ હોટલ ખાતે આગામી ૧૫ ઓગસ્ટથી ૨૪ સપ્ટેમ્બર,૨૦૧૮ સુધી યોજાશે.


