અમદાવાદઃ વિશ્વવંદનીય સંતવિભૂતિ બ્રહ્મસ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજે નાત-જાત, ઊંચ-નીચ કે ધર્મ-પ્રાંતના ભેદભાવો સિવાય પોતાનું સમસ્ત જીવન લોકસેવામાં સમર્પિત કરીને સમાજને પવિત્ર પ્રેરણાઓ આપી છે. આ મુઠ્ઠીઊંચેરા સંતે સંસ્થાના પ્રમુખપદ સંભાળ્યું તેને આ વર્ષે 75 વર્ષ પૂરા થઇ રહ્યા હોવાથી વિશિષ્ટ કાર્યક્રમનું આયોજન થયું છે.
બીએપીએસના સ્થાપક પ.પૂ. બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે અમદાવાદમાં આંબલીવાળી પોળમાં તેઓને 1950માં સંસ્થાના પ્રમુખપદે નિયુક્ત કર્યા ત્યારથી તેઓ પ્રમુખસ્વામી મહારાજના વહાલસોયા નામથી કરોડો લોકોના હૃદયમાં બિરાજમાન થઈ ગયા અને સનાતન ધર્મની પરંપરાને જગતભરમાં વિસ્તારવાનું અમર અને અજોડ કાર્ય કર્યું. પ્રમુખ સ્વામી મહારાજના પ્રમુખવરણીનાં 75 વર્ષ પૂર્ણ થવાના અવસરે 7 ડિસેમ્બરના રોજ, એટલે કે પ્રમુખ સ્વામી મહારાજના જન્મદિને, સાબરમતી રિવરફ્રન્ટ ખાતે તેઓના આધ્યાત્મિક અનુગામી એવા પ.પૂ. મહંત સ્વામી મહારાજની ઉપસ્થિતિમાં વિશિષ્ટ કાર્યક્રમ યોજાયો છે. આ પ્રસંગે હજારો ભક્તો હાજરી આપશે.
થોડા દિવસો અગાઉ શાહીબાગમાં હરિભક્તોની સભામાં જાહેરાત થઈ હતી, 7 ડિસેમ્બરના રોજ 50 હજારથી વધુ હરિભક્તોની હાજરીમાં ઉત્સવની ઉજવણી થશે અને 15 હજારથી વધુ સ્વયંસવેકો સેવા આપશે. સાતમીએ સાંજે 4 વાગ્યે કાર્યક્રમ શરૂ થશે જે રાત્રે 9 વાગ્યા સુધી ચાલશે.
આ અવસરે નદીકાંઠે નૌકામાં પ.પૂ. પ્રમુખ સ્વામી મહારાજના ગુણોનાં દર્શન કરાવવાનો એક વિશિષ્ટ પ્રયાસ થશે અને તેઓના મહાન આધ્યાત્મિક ગુણોનું સ્મરણ કરવામાં આવશે. બીએપીએસ સંસ્થામાં દર વર્ષે પ્રમુખ સ્વામી મહારાજની જન્મ જયંતીની ઉમંગ-ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવે છે. ગયા વર્ષે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 1 લાખ સ્વયંસેવકોનું સન્માન કરીને ઉજવણી કરાઇ હતી. આ વર્ષે 7 ડિસેમ્બરના રોજ રિવરફ્રન્ટ ખાતે 50 હજાર હરિભક્તોને આમંત્રણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે રિવરફ્રન્ટ ખાતે 100થી વધુ બોટ લાવીને પ્રમુખ સ્વામીજીની પ્રતિકૃતિ તૈયાર થશે. આ વર્ષે નદીમાં પ્રતિકૃતિ તૈયાર કરીને ઉજવણી કરશે. સમગ્ર આયોજનને ‘પ્રમુખવરણી અમૃત મહોત્સવ’ નામ અપાયું છે. આ કાર્ય માટે 30 દિવસ પહેલા સંસ્થાના અન્ય અગ્રણી સંત તેમ જ હરિભક્તો તૈયારીઓ કરી રહ્યા હતા. અને સોમવારથી સ્વયંસેવકો દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે સમાજની અનેક મુશ્કેલીઓમાં જાતને ઘસીને સૌની સેવા કરનાર આ મહાન કરુણામૂર્તિ સંતના ઋણ-સ્મરણ સાથે, 21 જાન્યુઆરી 2017ના રોજ અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા રિવરફ્રન્ટ યોજનાના દધીચિ પુલથી વાસણા બેરેજ સુધીના સૌથી લાંબા સાડા 11 કિલોમીટરના માર્ગનું ‘પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ માર્ગ’ તરીકે નામાભિધાન કરવામાં આવ્યું છે.


