લંડનઃ હાલ વડા પ્રધાન રિશિ સુનાકના રાજકીય સલાહકાર તરીકે કાર્યરત અમીત જોગીઆએ બકિંગહામ પેલેસમાં તેમના પરિવાર સાથે MBE એવોર્ડ પ્રાપ્ત કર્યો છે. કન્ઝર્વેટિવ પાર્ટીમાં 20 કરતાં વધુ વર્ષથી સક્રિય સભ્ય રહેલા અમીત જોગીઆને રાજકીય અને જાહેર સેવામાં યોગદાન બદલ MBE (મેમ્બર ઓફ ધ ઓર્ડર ઓફ ધ બ્રિટિશ એમ્પાયર) એવોર્ડની નવાજેશ કરાઈ છે. ક્વીન એલિઝાબેથ દ્વિતીયની પ્લેટિનમ જ્યુબિલી નિમિત્તે જાહેર કરાયેલા ક્વીન્સ બર્થડે ઓનર્સમાં આ એવોર્ડની જાહેરાત કરવામાં આવી હતી. એવોર્ડના નવાજેશ સમારંભમાં અમીત જોગીઆની સાથે તેમના પત્ની પ્રિયા જોગીઆ, તેમના સસરા અને લોહાણા કોમ્યુનિટી નોર્થ લંડનના પૂર્વ પ્રેસિડેન્ટ દીપક જટાણીઆ અને રાજકીય માર્ગદર્શક લોર્ડ ડોલર પોપટ ઉપસ્થિત રહ્યા હતા.
માત્ર 16 વર્ષની વયે કન્ઝર્વેટિવ પાર્ટીમાં જોડાયેલા અમીતે બ્રિટિશ ભારતીય કોમ્યુનિટી અને ખાસ કરીને બ્રિટનના 1.7 મિલિયન બ્રિટિશ ઈન્ડિયન ડાયસ્પોરા સાથે પાર્ટીનો સંવાદ રચવામાં અગ્રભૂમિકા ભજવી છે. અમીત સતત કન્ઝર્વેટિવ પાર્ટીમાં આગળ વધતા રહ્યા છે અને પક્ષ તરફની પોતાની પ્રતિબદ્ધતાનું અસંખ્ય વખત પ્રદર્શન પણ કર્યું છે.
અમીત જોગીઆ હાલ કન્ઝર્વેટિવ ફ્રેન્ડ્ઝ ઓફ ઈન્ડિયા (CF India)ના સહ-અધ્યક્ષ છે. અમીતે 10 વર્ષ અગાઉ 2012માં ગ્રૂપ લોન્ચ કરવામાં આ ગ્રૂપના સ્થાપક લોર્ડ ડોલર પોપટ અને તત્કાલીન વડા પ્રધાન ડેવિડ કેમરનને મદદ કરી હતી. CF ઈન્ડિયા પાર્ટીની અંદર ભારત અને યુકે વચ્ચે દ્વિપક્ષી સંબંધોને મજબૂત બનાવવા ઈચ્છતું સૌથી મોટું ગૌણ જૂથ છે. તાજેતરમાં વડા પ્રધાનના ભારત પ્રવાસના આયોજનમાં અમીત જોગીઆએ ચાવીરૂપ ભૂમિકા ભજવી હતી જેની બ્રિટિશ ભારતીય કોમ્યુનિટીએ ભારે સરાહના કરી હતી. પ્રાઈમ મિનિસ્ટરની ભારત મુલાકાતમાં ગુજરાતનો પ્રવાસ પણ હતો. બહુમતી બ્રિટિશ ભારતીયોના વતન રાજ્યની મુલાકાત લેનારા બોરિસ જ્હોન્સન પ્રથમ કન્ઝર્વેટિવ પ્રાઈમ મિનિસ્ટર હતા. અમીત યુકે-ભારત સંબંધોના પ્રખર હિમાયતી રહ્યા છે જેમાં બંને દેશો વચ્ચે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટને આગળ વધારવાનો સમાવેશ થાય છે. તાજેતરની અન્ય સફળતાઓમાં અમીતે તેમના હોમટાઉન હેરોમાં પાર્ટી માટે એક વિજય હાંસલ કરવામાં ભજવેલી ભૂમિકા પણ છે. આ વિજય દેશમાં સૌથી મોટી બ્રિટિશ ભારતીય વસ્તી સાથે સફળતાપૂર્વક રાજકીય સંપર્ક સાધવામાં સાધનરૂપ અમીત જેવા લોકોના પ્રયાસોનું પ્રતિબિંબ પાડે છે.
અમીત જોગીઆ 2014થી હેરોના સક્રિય, લોકપ્રિય અને મહેનતુ કાઉન્સિલર છે અને ગર્વથી કેનન્સ વોર્ડની સેવા કરે છે. તાજેતરમાં સ્થાનિક ચૂંટણીઓમાં તેઓ અન્ય કોઈ પણ કાઉન્સિલરથી સર્વોચ્ચ વોટ શેર હાંસલ કરીને ત્રીજી મુદત માટે ચૂંટાયા છે. ઘણા સ્થાનિક રહેવાસીઓ અમીતને સારી રીતે ઓળખે છે અને બરોમાં સંખ્યાબંધ હાઈ પ્રોફાઈલ કેમ્પેઈન્સમાં તે સ્પષ્ટપણે દેખાઈ આવે છે. અમીત હંમેશાંથી કન્ઝર્વેટિવ પાર્ટીના ચૂસ્ત સમર્થક રહ્યા છે અને તેમની પ્રતિબદ્ધતાનો જોટો જડે તેમ નથી. અમીતે મેજિસ્ટ્રેટ અને સ્કૂલ ગવર્નર સહિત જાહેર સેવામાં જીવનને સમર્પિત કર્યું છે. અમીતે 2019ની સામાન્ય ચૂંટણીમાં મુશ્કેલ સમયગાળામાં પણ શોક અથવા પિતૃત્વની રજાઓ લીધી ન હતી. આનાથી વિપરીત, તેઓ પોતાની પાર્ટી અને દેશની સેવાને સમર્પિત અને પ્રતિબદ્ધ રહ્યા હતા.
કન્ઝર્વેટિવ ધ્યેય-ઉદ્દેશ પ્રતિ અમીતની પ્રતિબદ્ધતા પ્રાઈમ મિનિસ્ટરને પણ સ્પર્શી ગઈ હતી. અમીતે વેસ્ટમિન્સ્ટરમાં પૂર્વ મિનિસ્ટર ઓફ ક્રાઉન અને પ્રાઈમ મિનિસ્ટરના વેપારદૂત લોર્ડ ડોલર પોપટના રાજકીય સહાયક તરીકે લગભગ15 વર્ષ કામ કર્યું હતું. કોમ્યુનિટીના લોકો અમીતને લોર્ડ પોપટના જમણા હાથ તરીકે જ ઓળખતા રહ્યા છે. અમીતને તાજેતરમાં પાર્લામેન્ટના બંને ગૃહો તરફથી દીર્ઘ સેવાનો એવોર્ડ એનાયત કરાયો હતો. અમીત ઘણી વખત લોર્ડ પોપટનો ઉલ્લેખ પોતાના રાજકીય માર્ગદર્શક તરીકે કરતા રહે છે. અમીતની વિનમ્ર પશ્ચાદભૂ અને ઉછેર પક્ષની અંદર અને બહાર પણ ઘણાની સાથે પડઘારુપ બની રહે છે. લોર્ડ પોપટ પ્રત્યે અમીતની પ્રતિબદ્ધતાથી રિશિ સુનાક એટલા પ્રભાવિત થયા હતા કે તેમના રાજકીય સલાહકાર તરીકે 10 ડાઉનિંગ સ્ટ્રીટમાં કામ કરવા અમીતની પસંદગી કરી હતી.
અમીત જોગીઆએ કન્ઝર્વેટિવ પાર્ટીની કોન્ફરન્સમાં કહ્યું હતું કે તેમના ઉછેરથી તેમને નાગરિક ફરજોમાં સામેલ થવાની અને સ્થાનિક કોમ્યુનિટીએ તેમને અને તેમના પરિવારને એટલું બધુ આપ્યું છે તેમાંથી થોડું પરત કરવાની પ્રેરણા પ્રાપ્ત થઈ છે. સન્માનની જાહેરાત થવા બાબતે અમીત જોગીઆએ કહ્યું હતું કે,‘હું જેના માટે ઉત્સાહી છું તેના માટે આ સન્માન પ્રાપ્ત થવાથી હું ધન્યતા અને સન્માનિત થયાનું અનુભવું છું. હું આ એવોર્ડ મારા દિવંગત પેરન્ટ્સને્ અર્પણ કરવા ઈચ્છું છું જેમણે મને નાગરિક કર્તવ્યના મૂલ્યો મારામાં સ્થાપિત કર્યા છે અને હું મારા મિત્રો અને પરિવાર, વિશેષતઃ મારી પત્નીનો આભાર માનવા ઈચ્છું છું જેઓ મારી રાજકીય યાત્રામાં સતત સપોર્ટ આપતા રહ્યા છે. હું આશા રાખું છું કે આપણા સમાજની સેવા કરવામાં હું વિશેષ યોગદાન આપી શકીશ.’
ફોટોલાઈન –


