માન્ચેસ્ટરઃ ત્રાસવાદી હુમલાના પગલે ‘ગ્રેટ માન્ચેસ્ટર રન’ પડતી મૂકાવાના પ્રારંભિક અંદેશાને ખોટો પાડતી વાર્ષિક દોડમાં ૪૦,૦૦૦ દોડવીરો સામેલ થયાં હતાં. માન્ચેસ્ટર અરીનામાં ૨૨ મેએ સુસાઈડ બોમ્બર સલમાન આબેદી દ્વારા કરાયેલા વિસ્ફોટમાં ૨૨ નિર્દોષના મૃત્યુ અને ૧૧૯ને ઈજાની કરુણાંતિકાના છ દિવસ પછી શહેરમાં ભારે સુરક્ષા બંદોબસ્ત સાથે આ મોટો કાર્યક્રમ યોજાયો હતો. દોડના આરંભ અગાઉ દોડવીરો અને દર્શકોએ હજારોની સંખ્યામાં પુષ્પાંજલિ કરવા સાથે મૌન પાળ્યું હતું. હિંમતવાન દોડવીરોએ ‘વી આર નોટ અફ્રેઈડ’ના સંદેશા સાથે રાખ્યા હતા.
‘ગ્રેટ માન્ચેસ્ટર રન’ના સમગ્ર માર્ગમાં એસોલ્ટ રાઈફલ્સ સાથે સજ્જ ઓફિસરો તૈનાત રખાયા હતા. શહેરની શેરીઓ દોડવીરો, બાળકો અને એમેચ્યોર્સથી ભરચક હતી. નાની સ્પર્ધાઓ તો સવારથી જ ચાલુ થઈ હતી. હાફ મેરેથોન સવારે નવ વાગ્યે જ્યારે ૧૦,૦૦૦ કિલોમીટરની મોટી મેરેથોન બપોરે ૧૨.૪૫ કલાકે શરૂ થઈ હતી. મુખ્ય સ્પર્ધા અગાઉ દોડવીરોએ ગત સોમવાર રાત્રિના ત્રાસવાદી હુમલાનો શિકાર બનેલા પ્રત્યે સંવેદના દર્શાવવા મૌન રાખ્યું હતું.
મુખ્ય સ્પર્ધકોની સાથોસાથ ચેરિટી દોડવીરો પણ જોડાયા હતા, જેમણે માન્ચેસ્ટર બોમ્બિંગ અસરગ્રસ્તોના પરિવારો માટે ભંડોળ સહિત અનેક સારા ઉદ્દેશો માટે નાણાં એકત્ર કર્યા હતા. લોકો ત્રાસવાદ સામે ઝૂકી જશે નહિ તે દર્શાવવા માટે દોડવીરો મક્કમ હતા.


