અમેરિકી મહિલાએ સળંગ ચાર વખત ઈંગ્લિશ ચેનલ પાર કરી

Wednesday 25th September 2019 03:48 EDT
 
 

લંડનઃ બ્રેસ્ટ કેન્સરને મ્હાત આપનારી અમેરિકાની ૩૭ વર્ષીય સારા થોમસ તબીબી નિષ્ણાતોની આગાહીને ખોટી ઠેરવીને ૫૪ કલાકમાં સતત ચાર વખત ઈંગ્લિશ ચેનલ પાર કરનારી પ્રથમ વ્યક્તિ બની હતી. સારાએ આ સિદ્ધિ ‘કેન્સરમાંથી બચી ગયેલા તમામ લોકોને’ સમર્પિત કરી હતી. સારા કોલોરાડોના ડેનવરમાં હેલ્થકેર રિક્રુટર તરીકે ફૂલટાઈમ કામ કરે છે, તે છતાં દર અઠવાડિયે ૨૯ કલાકનો સમય કાઢીને ૬૮ માઈલ જેટલું સ્વિમિંગ કરે છે.

ઈંગ્લિશ ચેનલ પાર કરવા દરમિયાન સારાએ થાક, જેલીફિશ અને દરિયાના ઉછળતા મોજાઓ વચ્ચે સળંગ ૫૪ કલાક સ્વિમિંગ કર્યું હતું. તેણે રવિવારે મધરાત બાદ તરવાનું શરૂ કર્યું હતું અને ઈંગ્લેન્ડથી ફ્રાન્સ, ફ્રાન્સથી ઈંગ્લેન્ડ, ઈંગ્લેન્ડથી ફ્રાન્સ અને ત્યાંથી ઈંગ્લેન્ડ એમ મંગળવારે સવારે ૬.૩૦ સુધીમાં ચાર વખત ચેનલ તરીને પાર કરી હતી. તરતી વખતે ભરતીના મોજાઓએ તેને ઘણી વખત પાછી ધકેલી દીધી હતી તેને ગણતરીમાં લેતા સારાએ ૮૦ને બદલે ૧૩૦ માઈલનું અંતર કાપ્યું હતું. સારાએ આ ઐતિહાસિક સાહસની ઉજવણી તેના પતિ બ્રાયન વિલીસ, માતા બેકી બાક્સ્ટર અને ત્રણ મિત્રો ડોવરના બીચ પર શેમ્પેઈનની બોટલ સાથે કરી હતી.

તેની આ સિદ્ધિ આમ પણ ખૂબ મોટી હતી. સારાએ ચેનલ ચેલેન્જ માટેની ટ્રેનિંગ શરૂ કરી ત્યારે ઓક્ટોબર ૨૦૧૭માં તેની છાતી પર ગાંઠ જણાઈ હતી જેનું, નિદાન પાછળથી બ્રેસ્ટ કેન્સર તરીકે થયું હતું. કિમોથેરાપી અને રેડિયોથેરાપી બાદ ડોક્ટરોએ તેને કહ્યું હતું કે તેનું શરીર પહેલા જેવું રહેશે નહિ. જોકે, સારવાર દરમિયાન પણ ટ્રેનિંગને લીધે સારાએ ૨૦૧૮ના સમરમાં છેલ્લી રેડિયોથેરાપીના બે સપ્તાહ બાદ ૧૦ કિ.મી.ની ઓપન વોટર રેસ પૂરી કરી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter