અલ્ઝાઈમરના દર્દીઓ સાથે નાતો જોડતી ડો. ભાવિની પટેલની ‘દિમાગ કી બાત’

રુપાંજના દત્તા Saturday 09th March 2019 05:06 EST
 
 

લંડનઃ ન્યૂરોલોજિસ્ટ ડો. ભાવિની પટેલે પોતાના દર્દીઓ તેમની મુશ્કેલીઓ અને મૂંઝવણો તેમજ તેના ઉપાયો અને અટકાવવાના પ્રયાસો વિશે સરળતાથી સમજી શકે તે માટે યુટ્યૂબ મારફત હિન્દીમાં બ્લોગ કે વ્લોગની શરૂઆત કરી છે, જેનું નામ ‘દિમાગ કી બાત’ (www.dimagkibaat.co.uk) રાખવામાં આવ્યું છે. લંડનના કન્સલ્ટન્ટ ન્યૂરોલોજિસ્ટ ડો. ભાવિનીએ હિન્દીમાં વિડિયો દ્વારા ન્યૂરોલોજિકલ સમસ્યાઓની સમજ આપી છે અને તેની સાથે અંગ્રેજી ભાષામાં લખાણ પણ આપ્યું છે. લંડનમાં જન્મેલા અને ગુજરાતના આણંદમાં ઉછરેલાં ભાવિનીના પિતા આણંદના અને માતા નાઈરોબીના છે. તેમને એક મોટી અને એક નાની બહેન છે. ડો. ભાવિની પણ પરણેલાં છે અને બે સુંદર બાળકો (૭ અને ૧૧ વર્ષ)ની માતા છે.

એક ન્યૂરોલોજિસ્ટ તરીકે ડો. ભાવિની પટેલને નિયમિતપણે એવાં પેશન્ટ્સનાં અનુભવો થાય છે, જેઓ ભાષાકીય મુશ્કેલીના કારણે પોતાની સ્થિતિને બરાબર સમજી શકતા ન હોય. આવા દર્દીઓ ઘણી વખત એપોઈન્ટમેન્ટ સમયે અનુવાદકો અથવા પરિવારની કોઈ વ્યક્તિને લઈને આવે છે, જેઓ તેમની ભાષામાં સમસ્યા કે તકલીફને સમજાવી શકે. જોકે, ઘણી વખત ખોટાં અર્થઘટન અથવા ઓછું સમજાવાની સમસ્યા રહે જ છે.

ડો. ભાવિની પટેલે ‘ગુજરાત સમાચાર’ અને ‘એશિયન વોઈસ’ને જણાવ્યું હતું કે, ‘હું ઘણાં દર્દીને મળી છું અને હું તેમની ભાષા બોલી શકતી ન હોવાથી યોગ્ય કોમ્યુનિકેશનનાં અભાવે તેમને બરાબર મદદ કરી ન શકી હોવાની લાગણી મને થાય છે. જોકે, હું ગુજરાતી કે હિન્દી બોલી શકું છું તે જાણવાં સાથે જ પેશન્ટના ચહેરાં પર જે રાહતની લાગણી છવાય છે તેને નિહાળી હું વિચારતી થઈ હતી. આપણે મદદ માટે પરિવારના સભ્ય કે ભાષાંતરકારની મદદ લઈ શકીએ પરંતુ, તેનાથી ડોક્ટર-દર્દીનો સંબંધ ખોવાઈ જાય છે. મારો અનુભવ છે કે ઘણી વખત હું ત્રણ-ચાર વાક્યો બોલી હોઉં અને અનુવાદકે ૩-૪ શબ્દોમાં જ પુરું કરી દીધું હોય. હું જે કાંઈ બોલી હોઉં તે બધાનું ભાષાંતર થતું હોવાની મને ખાતરી નથી.’

ન્યૂરોલોજીમાં સ્ટ્રોક અને સાથે જ હાર્ટ ડિસીઝનું જોખમ, માથાનો દુઃખાવો, સ્નાયુઓની વિકૃતિ, ડિમેન્શિયા (સ્મૃતિભ્રંશ) અને અન્ય ઘણી બાબતો આવરી લેવાય છે. ઘણા ભારતીયો આજે પણ ડિમેન્શીયા વિશે કશું જાણતા કે સમજતા નથી. તેઓ NHS પાસેથી તેમને મદદ મળે તેવી માગણી પણ કરતા નથી. તેમના માટે યાદદાસ્ત જવી એ પાગલ બનવા જેવું કલંક છે.

ડો. પટેલે ‘ગુજરાત સમાચાર’ અને ‘એશિયન વોઈસ’ને જણાવ્યું હતું કે, ‘વધુ લોકોને મદદ આપી શકાય તેવી હકીકતથી મેં ગુજરાતીના બદલે હિન્દી ભાષાને પસંદ કરી છે.’ જોકે, ઘણાં દર્દીઓએ તેમની વેબસાઈટ જોઈ નથી આનું કારણ એ હોઈ શકે કે જે વયજૂથના લોકોને તેઓ મદદ કરવા ઈચ્છે છે તે લોકો સોશિયલ મીડિયા પર નથી. આથી, વૃદ્ધ પેઢીની સાથે બરાબર સાંકળી શકાય અને તેમનામાં જાગૃતિ ફેલાવવાના પ્રયાસ તેઓ કરે છે. માઈગ્રેન વિશે તેમના બ્લોગ વાંચવા કે વીડિયો બ્લોગ જોતાં લોકો વધુ સલાહ માટે તેમને વીડિયો હેઠળ ટીપ્પણી કરી શકે છે અથવા ઈમેઈલ થકી વધુ સલાહ પણ માગી શકે છે.

ડો. ભાવિનીનો મુખ્ય હેતુ દૂર રહેલા દર્દીઓને ઓનલાઈન કન્સલ્ટેશન પ્લેટફોર્મ આપવાનો છે. મોટા પાયે આમ કરવા માટે વધુ નાણારોકાણ અને ટેકનોલોજિકલ સહાય તેમજ કાનૂની બાબતોમાં સલાહની જરૂર રહે છે. જોકે, આગામી ૫-૧૦ વર્ષમાં માનસિક આરોગ્યના ડિસઓર્ડર્સ, માથાના દુઃખાવાની તકલીફો સ્ટ્રોક્સ પછીની સલાહોના ફોલો-અપ માટેનાં કન્સલ્ટેશન્સ ઓનલાઈન આપી શકવાની તેમને આશા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter