લંડનઃ સમગ્ર યુકે જીવનનિર્વાહની કટોકટીમાંથી પસાર થઈ રહ્યું છે ત્યારે અશ્વેત અને એશિયન પરિવારો ખોરાક અને ગરીબીની સૌથી વધુ કટોકટી અનુભવી રહ્યા છે. યુકેના અશ્વેત પરિવારો ખોરાકની બાબતમાં રાષ્ટ્રીય સરેરાશ કરતાં ચાર ગણી અસુરક્ષિતતા ધરાવવાનું જોખમ છે.
ડિપાર્ટમેન્ટ ફોર વર્ક એન્ડ પેન્શન્સનો ફેમિલી રિસોર્સીસ સર્વે દર્શાવે છે કે 2020-21ના નાણાકીય વર્ષમાં અશ્વેત આફ્રિકન, અશ્વેત કેરેબિયન અથવા અશ્વેત બ્રિટિશના વડપણ હેઠળના 21 ટકા જેટલા પરિવારો પાસે તંદુરસ્ત અને એક્ટિવ રહેવા માટે પૂરતો ખોરાક નથી. આ આંકડો યુકેની 7 ટકાની નેશનલ એવરેજ કરતાં ક્ષણ ગણો વધુ છે. નીચી ખોરાક સુરક્ષા સ્ટેટસ ધરાવતા અશ્વેત પરિવારોનું પ્રમાણ 12 ટકા છે જે ત્રણ ટકાની રાષ્ટ્રીય સરેરાશ કરતાં ચાર ગણું છે. આનો અર્થ એ થાય કે લેબર પાર્ટીની ગણતરી અનુસાર સમગ્ર યુકેમાં મહામારીની ટોચના ગાળામાં 280,000 અશ્વેત લોકો પાસે પૂરતું ખાવાનું ન હતું.
બાંગલાદેશી વંશની વ્યક્તિ હેઠળના 12 ટકા પરિવારો નીચી ખાદ્ય અસુરક્ષાથી પીડાતા હતા જ્યારે પાકિસ્તાનવંશી પરિવારો માટે ખાદ્ય અસુરક્ષા 17 ટકા હતી. પુરાવા દર્શાવે છે કે અશ્વેત એશિયન અને વંશીય લઘુમતી પશ્ચાદભૂના લોકો મોટા ભાગે ગરીબીમાં જીવતા અને જીવનનિર્વાહ ખર્ચની કટોકટીથી અપ્રમાણસર અસર ધરાવવાની વધુ શક્યતા છે. જોસેફ રોનટ્રી ફાઉન્ડેશન દ્વારા જાન્યુઆરીમાં પ્રકાશિત એનાલિસિસ મુજબ વ્હાઈટ લોકો (19 ટકા)ની સરખામણીએ બાંગલાદેશી (53 ટકા), પાકિસ્તાની (48 ટકા) અને અશ્વેત (40 ટકા) વંશીય જૂથોના લોકોમાં ગરીબી દર ગણનાપાત્ર ઊંચો છે. પાંચમાંથી લગભગ ચાર અશ્વેત પરિવારો પાસે 1500 પાઉન્ડથી ઓછી બચત હોવાનું અન્ય લેબર પાર્ટી એનાલિસિસમાં જણાવાયું હતું.


