અશ્વેત અને વંશીય લઘુમતીને પગારભેદથી ભારે નુકસાન

Monday 31st December 2018 00:40 EST
 
 

લંડનઃ યુકેમાં અશ્વેત અને વંશીય લઘુમતી (BAME) સ્ટાફને સરેરાશ ૩૭ ટકા સુધી ઓછું વેતન અપાય છે અને ખાસ કરીને પોલીસ ફોર્સમાં આ તફાવત આંખે ઉડીને વળગે છે. એક અભ્યાસ અનુસાર અશ્વેત અને વંશીય લઘુમતી કર્મચારીઓ એકસરખું કાર્ય કરતા તેમના શ્વેત સાથીઓની સરખામણીએ વર્ષે ૩.૨ બિલિયન પાઉન્ડની રકમ ઓછી મેળવે છે. બ્રિટનના ૧.૯ મિલિયન અશ્વેત, ભારતીય, પાકિસ્તાની અને બાંગલાદેશી કામદારોને વેતનમાં જે ભેદભાવ અનુભવાય છે તેના પગલે મોટી કંપનીઓને તેમની વંશીય વેતનખાઈનો રિપોર્ટ ફરજિયાત જાહેર કરવો પડે તે માટે દરખાસ્તો મૂકવા મિનિસ્ટર્સને અનુરોધ કરાયો છે. વંશીય વેતનખાઈથી અસરગ્રસ્તોના જીવનધોરણને ભારે અસર પડે છે.

સરેરાશ લાયકાત અને નોકરીના પ્રકારોમાં તફાવતોને ધ્યાનમાં લીધાં પછી રેઝોલ્યુશન ફાઉન્ડેશનના વિશ્લેષણમાં અશ્વેત પુરુષ ગ્રેજ્યુએટ્સના પગારમાં આ ખાઈ ૧૭ ટકા અથવા પ્રતિ કલાક ૩.૯૦ પાઉન્ડની હોવાનું જણાયું છે. થિન્કટેન્કે કંપનીઓને લૈંગિક વેતનખાઈ જાહેર કરવી પડે તેનો કાયદો લાવવા સરકારને અવારનવાર હાકલ કરી છે. આ વખતે વંશીય લઘુમતી કામદારો સંબંધિત આવો કાયદો લાવવાની તરફેણ કરી છે. ગત એપ્રિલમાં અમલી બનેલા કગાયદાથી પુરુષ અને સ્ત્રી કર્મચારીઓ સાથે અલગ વ્યવહાર કરાતો હોવાનો ઘટસ્ફોટ થયો હતો, જે અનુસાર ૧૦માંથી આઠ કંપનીએ સ્ત્રીઓની સરખામણીએ પુરુષોને વધુ વેતન આપ્યું હતું.

ફાઉન્ડેશનના સંશોધનમાં જણાયું છે કે પાકિસ્તાની અને બાંગલાદેશી પુરુષ ગ્રેજ્યુએટ્સ સરેરાશ પ્રતિ કલાક ૨.૬૭ પાઉન્ડ (૧૨ ટકા) ઓછાં કમાય છે, જ્યારે સ્ત્રી ગ્રેજ્યુએટ્સમાં અશ્વેત મહિલા પ્રતિ કલાક ૧.૬૨ પાઉન્ડ (૯ ટકા) ઓછાં કમાય છે. રેઝોલ્યુશન ફાઉન્ડેશનના રિસર્ચ અને પોલિસી એનાલિસ્ટ કેથલીન હેનેહાને જણાવ્યું હતું કે અશ્વેત, એશિયન અને લઘુમતી વંશીય કામદારોનું લેબર માર્કેટમાં મહત્ત્વ છે. વિક્રમી સંખ્યામાં યુવા BAME કામદારો પાસે ડીગ્રી અને કામ હોવાં છતાં કામના સ્થળે તેમને નોંધપાત્ર ગેરફાયદો દેખાય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter