લંડનઃ યુએસમાં ૪૬ વર્ષીય અશ્વેત નાગરિક જ્યોર્જ ફ્લોઇડના મોત, રેસિઝમ અને પોલીસની જંગાલિયતના વિરોધમાં દેખાવકારો લંડનની શેરીઓમાં ઉતરી આવ્યા હતા. રંગભેદવિરોધી ‘સ્ટેન્ડ અપ ટુ રેસિઝમ (SUTR)ના સમર્થકો દ્વારા ૩૦ મે શનિવારે સાઉથ લંડનમાં યુએસ એમ્બેસીની બહાર સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે એકતાવિરોધનું આયોજન કરાયું હતું. ‘બ્લેક લાઈવ્ઝ મેટર’ દેખાવકારોએ ૩૦ અને ૩૧મે, શનિ અને રવિવારે સાઉથ ઈસ્ટ લંડનના પેકહામમાં વિશાલ રેલીઓ કાઢી હતી અને સૂત્રોચ્ચાર કર્યા હતા. હવે ૬ અને ૭ જૂને સેન્ટ્રલ લંડનમાં પણ રેલી નીકળવાની યોજના છે. બ્રિટન ઉપરાંત, જર્મનીના બર્લિન અને કેનેડાના ટોરોન્ટોમાં પણ વિરોધરેલીઓ યોજાઈ હતી.
અમેરિકાના મિનેપોલિસમાં ૨૫ મે, સોમવારે પોલીસ કસ્ટડીમાં અશ્વેત નાગરિક જ્યોર્જ ફ્લોઇડના મોતના વિરોધમાં શુક્રવારે હિંસક દેખાવો આખા અમેરિકામાં ફેલાઈ ગયા હતા. ડેટ્રોઇટમાં કારમાંથી થયેલા ગોળીબારમાં ૧૯ વર્ષીય દેખાવકારનું મોત થયું હતું. ફ્લોઇડના પોલીસ કસ્ટડીમાં મોતનો વીડિયો બહાર આવ્યો છે જેમાં પોલીસ અધિકારી ડેરેક ઢીંચણથી ફ્લોઇડનું ગળું દબાવતો દેખાય છે. ફ્લોઈડ શ્વાસ લઇ ન શકતો હોવાનું અને પ્લીઝ, છોડી દો, તેમ કહેતો જણાય છે. મિનેપોલિસમાં ૨૫ મેના રોજ ફ્લોયડને પોલીસે છેતરપિંડીના આરોપમાં ધરપકડ કરાઈ હતી. ફ્લોઈડની હત્યાના આરોપમાં પોલીસ અધિકારી ડેરેક શોવિનની ધરપકડ કરવામાં આવી હતી.
રુટજર્સ યુનિવર્સિટી દ્વારા ઓગસ્ટ ૨૦૧૯થી કરાયેલા અભ્યાસ અનુસાર યુએસમાં પોલીસ હિંસા યુવાનોના મોત તરફ દોરી જાય છે. દર ૧૦૦૦માંથી એક અશ્વેત પુરુષ અથવા છોકરાઓ તેમના જીવનકાળમાં પોલીસના હાથે મોતનું જોખમ ધરાવે છે. તમામ વંશીય સમૂહોમાં આ સૌથી મોટું જોખમ છે જેનો અર્થ એ પણ છે કે પોલીસના સંપર્કમાં આવ્યા પછી શ્વેત લોકો કરતાં અશ્વેતોના મોતનું પ્રમાણ ૨.૫ ગણુ હોય છે.
SUTRના નેશનલ કો-કન્વીનર વેમાન બેનેટે જણાવ્યું હતું કે,‘મિનેપોલીસની પોલીસના હાથે જ્યોર્જ ફ્લોઈડની હત્યા ડોનાલ્ડ ટ્રમ્પના રંગભેદી અમેરિકામાં અશ્વેતોની જિંદગીનું કોઈ મહત્ત્વ નથી તેની વધુ એક નિશાની છે. યુકેના માન્ચેસ્ટરમાં અશ્વેત પુરુષ પર તેના બાળકની સામે ટેસરનો ઉપયોગ કરાયો જ્યારે, ટોરી સલાહકાર ડોમિનિક કમિન્સ છટકી જાય છે તેનાથી યુએસ અને બ્રિટનમાં પ્રવર્તમાન રેસિઝમ અને અસમાનતાનો પર્દાફાશ થયો છે.’ નેશનલ ઓફિસર બ્રાયન રિચાર્ડસને જણાવ્યું હતું કે ‘જ્યોર્જ ફ્લોઈડની હત્યા અશ્વેતોની જિંદગીઓ સસ્તી અને ફેંકી દેવાય તેવી હોય છે તેનો વધુ એક પુરાવો છે. યુકેમાં પણ BAME કોમ્યુનિટીઝના ફ્રન્ટલાઈન વર્કર્સ સહિત અસંખ્ય લોકોએ કોવિડ-૧૯ સામેના જંગમાં અપ્રમાણસર જીવન ગુમાવ્યું છે.’
સ્ટેન્ડ અપ ટુ રેસિઝમ માથું ઉચકતાં રંગભેદ, અતિ જમણેરી અને ફાસીવાદી પરિબળોનો સામનો કરવા સ્થપાયેલું કેમ્પેઈન છે, જેના પ્રમુખ લેબર સાંસદ ડીઆને એબોટ છે.