અસાધ્ય બિમારીગ્રસ્ત ભારતીય મહિલાને દેશનિકાલનો આદેશઃ હવે સમીક્ષા થશે

Thursday 16th May 2019 02:23 EDT
 
 

લંડનઃ ગંભીર અને અસાધ્ય બીમારી ‘ક્રોહન ડીસીઝ’થી પીડાતી ૩૧ વર્ષીય ભારતીય મહિલા ભવાની ઈસાપથી યુકે સરકારના ‘અમાનવીય અને ક્રૂર વર્તન’ સામે લડત ચલાવી રહી છે. અભ્યાસાર્થે બ્રિટન આવેલી ભવાનીને દેશ છોડી ભારત પરત ફરવા આદેશ અપાયો છે. આ રોગનો સામનો કરવા અતિ આવશ્યક ઈમ્યુનોસપ્રેસન્ટ દવાઓ ભારતમાં અપ્રાપ્ય હોવાથી તેને બ્રિટનમાં રહેવાની મંજૂરી મળવી જોઈએની દલીલ ઈસાપથીએ કરી છે. જોકે, હોમ ઓફિસે તેની અપીલ નામંજૂર કરી તેને બળજબરીથી ભારત પરત મોકલવા તૈયારી આદરી હતી. હોમ ઓફિસના આદેશ સામે ભવાનીએ ઓનલાઈન કેમ્પેઈન શરુ કરી છે.

હોમ ઓફિસે હવે જણાવ્યું છે કે આ કેસમાં માર્ચ ૨૦૧૯માં નવા પુરાવાઓ મળવાથી તેની સમીક્ષા હાથ ધરવામાં આવી છે. ભવાની ઈસાપથી ૨૦૧૦માં અભ્યાસ માટે બ્રિટન આવી હતી અને આર્ટ્સ ઈન્ડસ્ટ્રીમાં કામ પણ કરતી હતી. આ ગાળામાં શરીરના પાચનમાર્ગમાં અવ્યવસ્થા સંબંધિત બીમારી ‘ક્રોહન ડીસીઝ’નો ભોગ બની હતી.

ઈસ્ટ લંડનની રહેવાસી ઈસાપથી પર સેન્ટ માર્ક્સ હોસ્પિટલમાં સર્જરી કરાયા પછી તે કોમામાં સરી ગઈ હતી. આ સમયે જ તેને બ્રિટનમાંથી ભારત મોકલવા સંબંધે આદેશ કરાયો હતો. તેના જર્મન મંગેતર માર્ટિન મેંગલરે તેને યુકેમાં રહેવા દેવા અરજી કરી હતી. સાથે જોડાયેલા મેડિકલ રિપોર્ટમાં ડોક્ટરોએ જણાવ્યું હતું કે આવી હાલતમાં મુસાફરી કરવી ભવાની માટે જોખમી સાબિત થઈ શકે છે. હોમ ઓફિસે અપીલ નકારતા પત્રમાં જણાવ્યું હતું કે,‘યુકે અને ભારતમાં હેલ્થ કેર સિસ્ટમ્સ સમાન ન હોય તે સાચું હોવાં છતાં તેનાથી તમને અહીં રહેવાનો અધિકાર મળતો નથી.’ લેબર પાર્ટીના શેડો હોમ સેક્રેટરી ડાયેના એબટ અને જોઈન્ટ કાઉન્સિલ ફોર ધ વેલ્ફેર ઓફ ઈમિગ્રન્ટ્સ (JCWI)ના લીગલ ડાયરેક્ટર ચાઈ પટેલે હોમ ઓફિસના રીમૂવલ ઓર્ડરના નિર્ણયને અમાનવીય અને ક્રૂર ગણાવ્યો હતો.

મહિને આંતરડામાં સર્જાયેલી મુશ્કેલીને પગલે ભવાનીને ફરી હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી અને હાલમાં તેનાં પેટ સાથે એક બેગ જોડાયેલી છે અને નળી(ડ્રીપ) મારફતે તે ટકી રહી છે. હવે સમરમાં તેના પર ફરી સર્જરી થવાની શક્યતા છે. આ રોગની સારવારમાં દર્દીને ચોક્કસ પ્રકારની રોગપ્રતિકારક દવાઓ જરુરી બની રહે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter