અસાધ્ય બીમારીની સારવારના ભંડોળ માટે ‘સ્માઈલ વિથ શિવ’ ચેરિટી દ્વારા લાંબી પદયાત્રા

Monday 30th May 2016 12:09 EDT
 

લંડનઃ ‘સ્માઈલ વિથ શિવ’ ચેરિટીના લાભાર્થે રેશમા દત્તા અને તેમના મિત્રો-કરીના, માલા, ક્રેગ અને નયન દ્વારા સ્વિટ્ઝર્લેન્ડમાં ૧૧થી ૧૩ જૂન દરમિયાન ત્રણ મુશ્કેલ હાઈકિંગનો પડકાર ઝીલવા નિર્ણય લેવાયો છે. આ મંડળીનું લક્ષ્ય ૨,૦૦૦ પાઉન્ડ એકત્ર કરવાનું છે, જેમાંથી ૬૨૦ પાઉન્ડ એકત્ર કરાયા છે.  એપ્રિલ ૨૦૧૪માં ત્રણ વર્ષના હસતા-ખેલતા અને સુંદર સ્મિત ધરાવતા બાળક શિવને ડુશેન મસ્ક્યુલર ડીસ્ટ્રોફી (Duchenne Muscular Dystrophy) બીમારીનું નિદાન કરવામાં આવ્યું હતું.

આમ તો શિવ તેની વયના કોઈ પણ સામાન્ય બાળક જેવો દેખાય છે, પરંતુ તેની બીમારી એવી છે કે દિવસે દિવસે તે નબળો થતો જાય છે. તે કિશોરાવસ્થામાં પ્રવેશશે ત્યારે ચાલવાની ક્ષમતા ગુમાવી બેસશે અને કિશોરાવસ્થાના પાછલા હિસ્સામાં તેને શ્વસનતંત્રની મુશ્કેલીઓ શરૂ થઈ જશે અને વીસીના આરંભના વર્ષોમાં જ હૃદયરોગના લીધે મોતને ભેટશે. ડુશેનની પીડાતાં તમામ છોકરાઓનું આ જ ભવિષ્ય છે કારણકે અત્યારે તો તે અસાધ્ય બીમારી છે.

પાંચ વર્ષના શિવની આ હાલત જોવી અમારા માટે મુશ્કેલ છે, દરરોજ અમારી પરીક્ષા થતી રહે છે. જોકે, ડુશેન વિશે જાણ્યા પછી અને ડુશેન સંસ્થાઓ, વિજ્ઞાનીઓ તથા આવી મુશ્કેલી ધરાવતાં અન્ય પરિવારો વિશે જાણકારી પછી અમે જાણતા થયા છીએ કે અસાધ્ય રોગની સંભવિત સારવાર અને તેમાંથી સાજા થવાની દિશામાં સંશોધકો ભગીરથ કાર્ય કરી રહ્યા રહ્યા હોવાતી આશાનું કિરણ અવશ્ય જોવાં મળશે.

સમયની સાથે સ્પર્ધા હોવાથી અને સારવાર અસ્તિત્વમાં આવે ત્યાં સુધી બેસી રહેવું અશક્ય હોવાથી સંશોધન પ્રક્રિયાને ઝડપી બનાવવા અમારે કશું કરવું જ રહ્યું. આ વિચાર થકી જ ‘સ્માઈલ વિથ શિવ’ ચેરિટીનું સર્જન થયું છે. અમારા ધ્યેય સાદા જ છેઃ

• ડુશેન મસ્ક્યુલર ડીસ્ટ્રોફી વિશે જાગૃતિ ઉભી કરવી.

• શક્ય તેટલાં વધુ નાણા એકત્ર કરવા, જેથી શિવ અને આવી ભયાનક બીમારીથી પીડાતાં અન્ય હજારો બાળકોનું જીવન બચાવવા કાર્યરત સંશોધકોને ભંડોળ આપી શકાય.

• શક્ય બને તેટલી ઝડપી સારવાર મેળવી શકાય તેની ચોકસાઈ માટે ડુશેન કોમ્યુનિટી સાથે મળી કામ કરવું.

વધુ માહિતી http://smilewithshiv.org વેબસાઈટ પરથી જોઈ શકાશે. આપ ફંડરેઈઝિંગ પેજhttps://www.justgiving.com/fundraising/hikingtofightduchenne પર ઉદારતાથી દાન આપી શકો છો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter