અહિંસાની ગાંધીવાદી ફિલોસોફીની વર્તમાન યુગમાં ખાસ જરૂરઃ રાજમોહન ગાંધી

મહાત્મા ગાંધીના પૌત્ર કહે છે કે ભારતીય ડાયસ્પોરાએ અહિંસાની વિચારધારાના પ્રસારમાં નોંધપાત્ર ભૂમિકા ભજવવી જોઈએ

Tuesday 17th October 2023 06:08 EDT
 
(ડાબેથી) ભાવિશાબહેન ટેલર, વૈશાલી પંકિત શાહ, ઉષાબહેન ગાંધી, પ્રો.સુરેખા દેવી, અશ્વિન પોપટ, યોગેશ નકારજા, હરિશ મુનિ, યોગેન્દ્ર પટેલ, વિનોદ નકારજા, હિંમત સ્વામી, સુરેન્દ્ર પટેલ, રાજમોહન ગાંધી, સી.બી પટેલ, ડો. સતીષ પટેલ, કાઉન્સિલર અને વેલ્વિન હેટફિલ્ડના મેયર પંકિત શાહ, પદ્મશ્રી ગણેશ દેવી, બારિન્દ્ર પટેલ
 

લંડનઃ મહાત્મા ગાંધીના પૌત્ર અને પ્રતિષ્ઠિત ઈતિહાસકાર, જર્નાલિસ્ટ અને શાંતિ પુરસ્કર્તા રાજમોહન ગાંધી માને છે કે શાંતિ જાળવી રાખવી મુશ્કેલ લક્ષ્ય છે પરંતુ, તે ઘણું આવશ્યક છે. ઈઝરાયેલ-હમાસ યુદ્ધ, રશિયા-યુક્રેન યુદ્ધના વર્તમાન પરિપ્રેક્ષ્યમાં અહિંસા - નોન-વાયોલેન્સની ગાંધીવાદી ફિલોસોફીની ખાસ જરૂર છે. અહિંસાની વિચારધારાના પ્રસારમાં ભારતીય ડાયસ્પોરાએ નોંધપાત્ર ભૂમિકા ભજવવી જોઈએ.

ગુજરાત સમાચાર, એશિયન વોઈસ અને અનૂપમ મિશન દ્વારા રવિવાર, 15 ઓક્ટોબર 2023ના દિવસે ડેનહામમાં અનૂપમ મિશન ખાતે આયોજિત વિશેષ સમારોહમાં શ્રી રાજમોહન ગાંધીએ સંબોધન કર્યું હતું. ‘ભારતીય ડાયસ્પોરાની ભાવિ ભૂમિકા’ (The Future Role of the Indian Diaspora) વિશે બોલતા શ્રી રાજમોહન ગાંધીએ જણાવ્યું હતું કે,‘મહાત્મા ગાંધી પણ NRI હતા. તેઓ પણ ડાયસ્પોરાના સભ્ય હતા. વાસ્તવમાં તો તેઓ વૈશ્વિક ગાંધી હતા, એવી વ્યક્તિ કે જ્યાં પણ રહેતા હતા ત્યાં તેમને ઘર જ લાગતું હતું. તેઓ હંમેશાં સ્થળ વિશે જિજ્ઞાસા ધરાવતા હતા અને ઝડપથી બધા સાથે એકરસ થઈ જતા અને મિત્રો બનાવવા લાગતા હતા.’

રાજમોહન ગાંધીએ જણાવ્યું હતું કે,‘ભારત હવે માત્ર ભારતીયોનું વતન કે ઘર રહ્યું નથી. સમગ્ર વિશ્વ હવે ભારતીય લોકોનું ઘર છે. એવું નથી કે ભારત તેમને ધક્કા મારી રહ્યું છે પરંતુ, વિશ્વ ભારતીયોને તેમની તરફ ખેંચી રહ્યું છે. ભારતીયો સમગ્ર વિશ્વમાં મોટા પાયે ગતિશીલ પ્રભાવ ધરાવે છે. આપણે જોઈ રહ્યા છીએ કે યુકેના પ્રાઈમ મિનિસ્ટર પણ ભારતીય મૂળના છે. આપણે ઘણી વખત વસુધૈવ કુટુમ્બકમ્ વિશે વાત કરીએ છીએ જેનો અર્થ ‘વિશ્વ એક પરિવાર છે’ તેમ થાય છે. પરંતુ, જ્યારે લખવાની વાત આવે છે ત્યારે આપણે ભારત અથવા ભારતને સંબંધિત વિષયોની પસંદગી કરીએ છીએ. શા માટે ભારતીય મૂળના લેખકે ચર્ચ ઓફ યુકે વિશે લખવાનું ન વિચારવું જોઈએ? આપણે વૈશ્વિક ક્ષિતિજને તલાશવી જોઈએ.’ રાજમોહન ગાંધીએ એમ પણ કહ્યું હતું કે, સમાજના ઉત્થાન માટે ન્યૂઝપેપર્સની હંમેશાં જરૂર રહેશે. તેમણે ન્યૂઝપેપર્સ સંપૂર્ણપણે આવશ્યક હોવાનું માનતા મહાત્મા ગાંધીની લંડન મુલાકાતનું ઉદાહરણ આપ્યું હતું.

આ પછી પ્રશ્નોત્તરીનું સત્ર ચાલ્યું હતું અને ઓડિયન્સમાંથી લોકોએ શ્રી રાજમોહન ગાંધીને કેટલાક પ્રશ્નો કર્યા હતા જેમના તેમણે યથોચિત ઉત્તર વાળ્યા હતા.

પ્રશ્નકર્તા સુભાષ ઠકરારઃ તમારા દાદા સાથે તમારા અંગત સંબંધો કેવા હતા?

રાજમોહન ગાંધીઃ જ્યારે તેમની ઉંમર 76થી 78 જેટલી હતી ત્યારે હું 9-10 વર્ષનો હતો. મારા પિતા નવી દિલ્હીમાં હિન્દુસ્તાન ટાઈમ્સના એડિટર હતા. કસ્તુર બાનું અવસાન થયું ત્યારે હું જેલમાં ગયો હતો. મેં તેમની સાથે ઘણો ઓછો સમય વીતાવ્યો હતો પરંતુ તેઓ મને હંમેશાં પ્રેમથી આવકારતા હતા. તેમનું સ્મિત અને પીઠ પર મારેલા ધબ્બા તેમના સ્નેહની નિશાની હતા. રોજબરોજની વાત કરીએ તો તેમણે અમને બધી વસ્તુનો યોગ્ય ઉપયોગ કરતા અને કશું નહિ વેડફવાનું શીખવ્યું હતું.

પ્રશ્નકર્તા યોગેશ નાકરજાઃ વર્તમાન વિશ્વમાં ભ્રષ્ટાચાર સામે લડાઈ, અસમાનતા, લૈંગિક અને આર્થિક સમાનતાના પ્રશ્નો છે. આપણે કેવી રીતે જીતી શકીશું?

રાજમોહન ગાંધીઃ કોઈ જ રેડીમેઈડ ફોર્મ્યુલા નથી પરંતુ, હું દરેક માનવીને તેમની પશ્ચાદભૂ, જાતિ-વર્ણ, ધર્મ, જ્ઞાતિ કે રંગને ધ્યાનમાં લીધા વિના તેમની સાથે સમાન વ્યવહાર કરવાનું તો કરી જ શકું. વ્યક્તિએ સરખામણી કરવાના બદલે કદર કરતા શીખવું જોઈએ.

પ્રશ્નકર્તા યોગેન્દ્રભાઈ પટેલઃ આજના વિશ્વમાં તમે અહિંસાનો કેવો અર્થ કરશો?

ઉત્તર- રાજમોહન ગાંધીઃ ગાંધીજીએ કહ્યું, અહિંસા પરંતુ, તેમણે સત્યાગ્રહ વિશે પણ કહ્યું હતું. જો અહિંસાથી ઉકેલ ન આવે તો તેમણે તેના પછી અહિંસક સત્યાગ્રહ સંઘર્ષ કરવાનું પણ કહ્યું હતું. જો હમાસ-ઈઝરાયેલ તંગદિલીમાં અહિંસક પ્રતિકાર હોત તો અલગ જ પરિદૃશ્ય જોવા મળ્યું હોત. આ અદ્ભૂત ઉકેલ છે.

પ્રશ્નકર્તા સીએ મયૂરી ચોરડીઆઃ આપણે સમાવેશિતા કેવી રીતે હાંસલ કરી શકીએ?

રાજમોહન ગાંધીઃ આપણે બધા જ પ્રયાસ કરી શકીએ છીએ. જુઓ, ભારતીયો અને પાકિસ્તાનીઓ ભારત અને પાકિસ્તાનમાં હોય તો મળી શકતા નથી. પરંતુ, અહીં યુકેમાં આપણે એકબીજાને મળી શકીએ છીએ, એકબીજા વિશે વાંચી શકીએ છીએ અને આગળ પ્રગતિ કરી શકીએ છીએ.

પ્રશ્નકર્તા શરદ રાવલઃ સોશિયલમીડિયાના વર્તમાન જમાનામાં બાપુ જીવતા હોત તો કેવું થાત?

રાજમોહન ગાંધીઃ તેઓ ચોક્કસપણેસોશિયલમીડિયાનો ઉપયોગ કરતા હોત. તેઓ જર્નાલિસ્ટ હતા અને જર્નાલિસ્ટ તરીકે જ મોત પામ્યા હતા. માધ્યમનું મહત્ત્વ વિશેષ છે.

ગુજરાત સમાચાર અને એશિયન વોઈસના એડિટર-ઈન-ચીફ અને પ્રકાશક સી.બી. પટેલે જણાવ્યું હતું કે,‘અનુપમ મિશન માનવતાના ઉત્થાન માટે સેવારત અનોખું આધ્યાત્મિક, સાંસ્કૃતિક અને સામાજિક ઓર્ગેનાઈઝેશન છે અને તેનું નામ જ સૂચવે છે તેમ તેની સરખામણી ન કરી શકાય તેવું અનુપમ-બેમિસાલ છે. સાહેબજીની દૂરદર્શી નજર હેઠળ સામાન્ય નાગરિક સાધુઓની ટીમ મિશન પર છે. નાકરજા પરિવારનું સમર્પણ અને નિષ્ઠા અદ્વિતીય છે. સ્વયંસેવકો અને સમર્થકો આ મિશનના રત્નો છે. સતીષભાઈ ચટવાણી ખરેખર રાજપુરુષ છે અને કાર્યસાધક છે. પ્રથમ હિન્દુ ક્રીમેટોરિયમ સહિતના પ્રોજેક્ટ્સ ચાલી રહ્યા છે.’

સીબીએ કહ્યું હતું કે,‘ આપણા મહેમાન વક્તા શ્રી રાજમોહન ગાંધી એવા કાર્યો કરી રહ્યા છે જે સહેલા નથી, એટલા લોકપ્રિય નથી, નામના અને પ્રસિદ્ધિ અપાવનારા પણ નથી. પરંતુ, સંતોષ આપે છે કારણકે તેઓ માનવતાની સેવાના માર્ગે આગળ વધી રહ્યા છે.’

અનુપમ મિશનની ઈન્ટરનેશનલ કમિટીના પ્રેસિડેન્ટ સતીષભાઈ ચટવાણીએ કહ્યું હતું કે,‘અનુપમ મિશન આધ્યાત્મિક ઉત્થાન, સશક્તિકરણ અને સામાજિક સેવાનું કેન્દ્ર છે. સાહેબજી હંમેશાં સમાવેશિતાની વાત કરે છે, તેમના પ્રયાસો કોમ્યુનિટીને સાથે લાવવાના જ રહે છે. તેમના આ વિઝનના કારણે જ હિન્દુઓ, જૈનો અને શીખો માટે સૌપ્રથમ હિન્દુ સમર્પિત ક્રીમેટોરિયમનો આરંભ થવા જઈ રહ્યો છે.’

આ પ્રસંગે પદ્મશ્રી ડો. ગણેશ દેવી અને પ્રોફેસર સુરેખા દેવી પણ ખાસ ઉપસ્થિત રહ્યાં હતાં. વિશેષ ખેસ પહેરાવીને તેમનું સન્માન કરવામાં આવ્યું હતું.

માયાબહેન દીપક દ્વારા પૂજ્ય બાપુને ખાસ લગાવ હતો તેવા -- વૈષ્ણવ જન તો તેને રે કહીએ, રઘુપતિ રાઘવ રાજા રામ... સહિતનાં ભજનો પ્રસ્તુત કરવામાં આવ્યાં હતાં. અનુપમ મિશનની ભજન મંડળી દ્વારા પણ વિવિધ ભજનોની રજૂઆત કરાઈ હતી.

આ સમારંભની કાર્યવાહીનું સંચાલન ભાવિશાબહેન ટેઈલર દ્વારા કરવામાં આવ્યું હતું. ગ્રૂપ એડિટર મહેશ લિલોરિયાએ આભાર પ્રસ્તાવ રજૂ કર્યો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter