દરેક દિશામાંથી અમને શુભ અને સુંદર વિચારો પ્રાપ્ત થાઓ... ‘ગુજરાત સમાચાર’ના મથાળા સાથે આ સંસ્કૃત સુભાષિત વાંચીને મને પણ સુંદર સુવિચાર આવ્યો કે આપણા ‘ગુજરાત સમાચાર’ – Asian Voiceની યાત્રામાં માતા સરસ્વતીની કૃપાથી અને સી.બી.ની કૃપાથી અમે આમ તો ‘ગુજરાત સમાચાર’ના જન્મથી જ અને 18 જુલાઈ - શુક્રવારે હાઉસ ઓફ લોર્ડ્ઝમાં સ્મૃતિગ્રંથની ઊજવણીમાં જોડાઈ શક્યા તેનો આનંદ અનેરો રહ્યો. હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું.
કોઈપણ સમાચારપત્ર કે પુસ્તક એ સમાજનું અને સમાજમાં રહેતાં આપણે (સમગ્ર વિશ્વને) માટે એક અગત્યનું - કદાચ કોહીનૂરના હીરા કરતાં પણ વધુ - મૂલ્યવાન આભૂષણ છે. આ અતિશયોક્તિ નથી. વાસ્તવિક્તા છે.
આ લખાણ અત્યારે તો મર્યાદિત રાખું છું, પણ આ સમારંભ અને સ્મૃતિગ્રંથના (હજુ તો થોડાંક જ પાના ઉપરથી જ જોયાં છે). કેટલું બધું જાણવા મળ્યું કે જે લોકો અહીં વિલાયત આવીને કેવી કેવી સફળતા મેળવી અને હજુ પણ એ સફળતા અને સિદ્ધિના પગથિયાંઓ તેઓ અને તેમના સંતાનો પણ ચડતાં જાય છે. આ સિવાય છેલ્લા 53 વર્ષની યાત્રામાં પણ આપણા ‘ગુજરાત સમાચાર’ થકી અવિરત ભારતના અને અન્ય દેશોના સમાચાર અને અન્ય કાર્યક્રમો વગેરેની જાણ થાય છે. જે વફાદાર વાચકો છે એ ખરેખર બધા જ રાહ જોતા હોય છે કે આજે શુક્રવાર છે - ‘ગુજરાત સમાચાર’ આવશે. (ઘણીવાર શનિવારે મળે છે ત્યારે નિરાશ પણ થવાય છે, કદાચ પોસ્ટલ ડિપાર્ટમેન્ટ મોડું ડિલિવર કરતું હશે.) માદરે વતનના સમાચાર સિવાય જે સમુદાય ટેલિવિઝનમાં સમાચાર નહીં જોતા હોય કે અહીંના અંગ્રેજી અખબારો વાંચતા નહીં હોય તો તેમના માટે તો આ સમાચારપત્ર સુકા રણમાં વિરડી સમાન છે.
એક અખબારને જન્મ આપવો અને (પ્રસૂતિની પીડાની જેમ) એ અખબારની સફળતાપૂર્વક અને સંઘર્ષો વેઠીને ટકાવી રાખવું એ આ પત્રકારને માટે ઘણી જ મોટી ચેલેન્જ છે. એના નીતિનિયમો - સમાજ પ્રત્યેની જવાબદારી નિભાવવાનું કંઈ આસાન નથી. સંપૂર્ણપણે પત્રકારને સમાજ – સોસાયટીને ન્યોછાવર થઈ જવું પડે છે. જે સી.બી.એ ઘણું જ સફળતાપૂર્વક કરી બતાવ્યું છે.
પાન – 220 પર સી.બી. તમે લખ્યું છેઃ How Media, Define and Service shaped my life and work – એ મીડિયાના માધ્યમથી હજારો વાંચકોને પ્રોત્સાહન મળે છે. ગમ્મત સાથે જ્ઞાન મળે છે. સમાજની - સંસ્થાની ઓળખ થાય છે. આપણા આ સ્મૃતિગ્રંથની યાત્રામાં, ગ્રંથની અંદર જેમણે સફળતા અને પ્રગતિના સોપાનો સર કરીને જે પ્રતિભાવો અને માહિતી આપી છે તેને વાંચીને અનેક લોકો જરૂર પ્રેરણા મેળવશે. એક નવી કેડી કંડારશે. આ બધું પોતાના જીવનમાં પ્રેરણા ઉતારીને જીવન સાર્થક થાય એવી મારી પણ પ્રાર્થના.
સી.બી. તમારો ખૂબ જ આભાર કારણ કે તમે હંમેશા મને લખવા માટે પ્રોત્સાહિત કરો છો. અને ‘ગુજરાત સમાચાર’ના અહીંના અને અમદાવાદના ફેમિલીનો પણ આભાર અને હા, પુષ્પાબહેન, સરોજબહેન અને તમારા પરિવાર સહિત સહુનો આભાર ઘણી મહોબ્બત સાથે વ્યક્ત કરું છું. ‘ગુજરાત સમાચાર’ના અમદાવાદના પરિવારને પણ હમણાંની મારી ભારત યાત્રા વખતે આપણા ‘ગુજરાત સમાચાર’ના પ્રસંગે મળવાનું થયું. બહુ જ હેતાળ અને લાગણીવાળા છે.
18 જુલાઈની સોનેરી બપોર સૂર્યના ભારોભાર પ્રકાશ સાથે અને અનેક સમાજના અગ્રણીઓ, હસ્તીઓ સાથે મળવાનો અને સાંભળવાનો મોકો મળ્યો અને હા, સ્વાદિષ્ટ ભોજન પણ... આભાર. ખૂબ ખૂબ આભાર...
અને હા, આ સ્મૃતિગ્રંથની કિંમત 25 પાઉન્ડ છે તે આજે જ આપના કાર્યાલયને મોકલાવું છું. ‘ગુજરાત સમાચાર’ને ઘણો જ ખર્ચો થયો હશે જ. અને તમે બધાએ ત્રણ-ચાર મહિનાના અથાક પરિશ્રમ અને મહેનત થકી આટલો સરસ ગ્રંથ અમારા સહુ માટે ઉપલબ્ધ કર્યો છે. તમે ‘ગુજરાત સમાચાર’નો ઝંડો ઉપાડ્યો છે ત્યારે અમે સહુ વાચકો તમારા આ ઝંડાને સતત ફરકતો રાખવા માટે નાનું લવાજમ આપીને, અમારો આભાર વ્યક્ત કરીએ છીએ. પ્લીઝ, રકમ જરૂર સ્વીકારજો.