લંડનઃ હાઉસ ઓફ લોર્ડ્સમાં 9 ડિસેમ્બરે આંતરિક શાંતિ અને વૈશ્વિક સંવાદિતા (Inner Peace; Global Harmony) વિષયે યુએન વર્લ્ડ મેડિટેશન ડે 2025 નિમિત્તે પ્રી-ઈવેન્ટ યોજાયો હતો. લોર્ડ રાવલ OBEના યજમાનપદે તેમજ સંસ્કૃતિ સેન્ટર ઓફ કલ્ચરલ એક્સેન્સની ભાગીદારીમાં બ્રહ્મા કુમારીઝના એડિશનલ એડમિનિસ્ટ્રેટિવ વડા સિસ્ટર જયંતીની ઉપસ્થિતિ સાથે બ્રહ્મા કુમારીઝ દ્વારા આયોજિત ઈવેન્ટમાં સાંસદો, લોર્ડ્સ, રાજદ્વારીઓ, કાનૂની અને મેડિકલ પ્રોફેશન્સના પ્રતિનિધિઓ, ડિસેબિલિટી અધિકારોના કેમ્પેઈનર્સ, પોલીસ અને બ્રિટિશ આર્મીના ઉચ્ચ પદાધિકારીઓ, આર્ટ્સ, મીડિયા અને સિવિલ સોસાયટીના અગ્રણીઓની હાજરી રહી હતી.
આ ઈવેન્ટમાં વ્યક્તિગત સ્વાસ્થ્યની જાળવણી તેમજ સુમેળપૂર્ણ અને સંવાદી સમાજોના સપોર્ટમાં મેડિટેશન -ધ્યાનની વધી રહેલી ભૂમિકા કેન્દ્રસ્થાને રહી હતી. ‘આંતરિક શાંતિ અને વૈશ્વિક સંવાદિતા’ વિષયને અનુરુપ વક્તવ્યોમાં અંગત સંવેદનાત્મક સ્થિરતા અને દૈનિક જીવનમાં ધ્યાનના મહત્ત્વ વચ્ચેના સંબંધ પર પ્રકાશ પાથર્યો હતો. વક્તા ઓએ નીતિઓ, આરોગ્ય, શિક્ષમ અને કાર્યસ્થળોની વ્યવસ્થામાં ધ્યાનની વધતી સુસંગતતા પર ભાર મૂક્યો હતો. ઉપસ્થિત લોકોએ અસરકારક નેતૃત્વ અને વહીવટ માટે મહત્ત્વના ગણાતા ગુણ- તણાવમાં ઘટાડા, લાગણીઓના નિયમન અને મજબૂત સહાનુભૂતિ સ્તર સહિત નિયમિત ધ્યાનના લાભ વિશે જાણકારી મેળવી હતી.
સિસ્ટર જયંતીએ વૈશ્વિક અનિર્ણયાત્મકતામાંથી પસાર થવામાં આંતરિક સ્પષ્ટતાના મહત્ત્વ વિશે ચિંતન રજૂ કર્યું હતું. તેમણે કહ્યું હતું કે ધ્યાનના વિચારનો સમય પાકી ગયો છે. જીવનના તમામ ક્ષેત્રમાં ધ્યાન હવે માનવીય પ્રયાસના દરેક હિસ્સામાં પહોંચી ગયું છે કારણકે આપણે તેના લાભ નિહાળ્યા છે.’ તેમણે શાળામાં ઘાતુના વાયરની સ્થિતિસ્થાપકતાની કસોટી માટે થયેલા પ્રયોગો વિશે પણ જણાવી કહ્યું હતું કે તણાવનું પરિબળ ઘટી ના શકે, પરંતુ આવી બાબતો સાથે કામ પાર પાડવાની આપણી ક્ષમતા ચોક્કસ વધારી શકાય છે.
લોર્ડ રાવલે કહ્યું હતું કે,‘ તમે અંધકાર સામે વધુ અંધકારથી લડી શકતા નથી. તમારે તેનો સામનો પ્રકાશથી જ કરવો પડે. અગા ઉ કરતાં આજે તમારી( બ્રહ્મા કુમારીઓની)ની વધુ જરૂર છે.’ તેમણે જાહેર સંસ્થાઓ અને કોમ્યુનિટી પ્રોગ્રામ્સમાં વિચારશીલ પદ્ધતિઓના મૂલ્યો પર ભાર મૂક્યો હતો. બેરોનેસ વર્માએ જણાવ્યું હતું કે,‘તમારું મૌન સારી વાત છે, પરંતુ તમારી સાતે વિશ્વને પણ લઈને ચાલવું ચિંતનની પળ છે. ધ્યાન થકી માત્ર આપણે નહિ, સમગ્ર પૃથ્વીને સાજા થવાની શરૂઆત કરીએ છીએ.’ એક ટ્રાન્સપ્લાન્ટ સર્જને કહ્યું હતું કે,‘ વર્ષો દરમિયાન હું શીખ્યો છું કે ધ્યાન માત્ર પદ્ધતિ કે રીત નથી, તે લાઈફલાઈન છે. તેનાથી મને અરાજકતાથી દૂર થઈ એકાગ્ર થવામાં મદદ મળે છે.’
વિશ્વમાં દર વર્ષે 21 ડિસેમ્બરે યુએન વર્લ્ડ મેડિટેશન ડે ઉજવાય છે. આ પ્રી-ઈવેન્ટમાં ભાગ લેનારાઓને રવિવાર21 ડિસેમ્બરે, લંડનમાં ગ્લોબલ કો-ઓપરેશન હાઉસ ખાતે 4.00pm -5.30pm દરમિયાન ઈવેન્ટમાં ભાગ લેવા આમંત્રણ અપાયું હતું.


