આઈસ્ક્રીમ વાન્સ દેખાતી બંધ થશે

કાઉન્સિલો દ્વારા ડિઝલ એન્જિનો પર અંકુશો લગાવાશેઃ સેન્ટ્રલ લંડનના અલ્ટ્રા-લો ઝોનમાં રોજના ૧૦૦ પાઉન્ડ ચૂકવતા ફેરિયાઓ

Wednesday 08th May 2019 02:47 EDT
 
 

લંડનઃ આઈસ્ક્રીમ વાન્સ પાર્ક કરી શકાય તેવા રસ્તાઓ પર લંડનની બે કાઉન્સિલો- કેમડન અને વેસ્ટમિન્સ્ટર દ્વારા નિયંત્રણો લાગી રહ્યાં છે. બાળકોનાં આરોગ્યના મુદ્દાઓ પરત્વે ભારે ચિંતાના કારણે શાળાઓની નજીકના રસ્તાઓ કાઉન્સિલની નજરમાં આવ્યા છે. કાઉન્સિલો દ્વારા ડિઝલ એન્જિનો પર અંકુશો લગાવાશે, જેની સીધી અસર આઈસ્ક્રીમ વાન્સ પર થશે. નિષ્ણાતો કહે છે કે ખાલી ઉભી રહેલી વાન્સ પણ બ્લેક કાર્બન, નાઈટ્રોજન ઓક્સાઈડ સહિત જીવલેણ પોલ્યુટન્ટ્સ બહાર ફેંકે છે.

નોર્થ લંડનની કેમડન કાઉન્સિલે પ્રદૂષણ સામે લડવા ૪૦ સ્ટ્રીટ્સમાં ‘નો આઈસ્ક્રીમ ટ્રેડિંગ’ની નિશાનીઓ લગાવવાની જાહેરાત કરી છે. વેસ્ટમિન્સ્ટર કાઉન્સિલ પણ શાળાઓ નજીકની શેરીઓમાં આઈસ્ક્રીમ વાન્સ ઉભી રાખવાનું બંધ કરાવશે. આ વાનો ખાલી ઉભી હોય ત્યારે પણ તેના રેફ્રીજરેટર્સ અને આઈસ્ક્રીમ મશીનો ચાલુ રાખવા એન્જિનો ચાલુ રાખે છે, જેનાથી પ્રદુષણ ફેલાય છે. બાળકો અને પરિવારના સભ્યો આવી હવા શ્વાસમાં લેતાં રહે છે જેનાથી લોકો કેન્સર અને ડીમેન્શિયાના શિકાર બનવાનું જોખમ સર્જાય છે.

સેન્ટ્રલ લંડનમાં ગયા મહિનાથી અલ્ટ્રા-લો ઝોન અમલી બનાવાયા પછી ફેરિયાઓ રોજના ૧૦૦ પાઉન્ડ ચૂકવી રહ્યા છે. ગ્રીન પાર્ટીના કેરોલીન રસેલ કહે છે કે, ‘કોઈને રંગમાં ભંગ પડાવવો કે લોકો પોતાનો બિઝનેસ ગુમાવે તે ગમે નહિ પરંતુ, લોકોને આઈસ્ક્રીમની આડઅસર તરીકે અસ્થમા પણ ગમે નહિ. આ આરોગ્યનો ગંભીર મુદ્દો છે. દરરોજ અલગ અલગ વિસ્તારોમાં ધંધો કરતી અને ફરતી રહેતી વાન્સ થોડા વર્ષોમાં દેખાતી બંધ થઈ જશે.’


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter