આગામી સામાન્ય ચૂંટણીમાં એશિયન ઉમેદવારોનો દબદબો રહેશે

રુપાંજના દત્તા Monday 15th May 2017 10:17 EDT
 
 

લંડનઃ યુકેમાં આઠ જૂને યોજાનારી ૨૦૧૭ની મધ્યસત્ર ચૂંટણી અનોખી બની રહેશે. આ વખતે પણ મુખ્યત્વે ભારતીયો ગેમ ચેન્જર બનશે તેમાં શંકા નથી. ગત સામાન્ય ચૂંટણીમાં ડાયસ્પોરાના ભારે સમર્થનથી ટોરી પાર્ટીએ બહુમતી મેળવી હતી. આઠ જૂને યોજાનારી ચૂંટણી બાબતે નવો ટ્રેન્ડ સર્જાઈ રહ્યો છે, જેમાં યુવાન ઉમેદવારો અનુભવી અને અઠંગ સાંસદો સામે સ્પર્ધા કરી રહ્યા છે. અન્ય કોઈ વંશીય કોન્યુનિટીની સરખામણીએ ભારતીયો દેશના મુખ્ય પ્રવાહમાં સારી રીતે ભળી ગયા છે. સફળતા એવા તબક્કે પહોંચી છે કે ૨૦૧૫ની સરખામણીએ ભારતીય મૂળના ઉમેદવારોની સંખ્યા વધી છે. પૂર્વ ચાન્સેલર જ્યોર્જ ઓસ્બોર્ન સહિત ઓછામાં ઓછાં ૧૭ સાંસદ આગામી ચૂંટણીમાં ઉમેદવારી કરવાના નથી પરંતુ, તેમાં કોઈ એશિયનનો સમાવેશ થતો નથી.

૨૦૧૫ની ચૂંટણીમાં કન્ઝર્વેટિવ પાર્ટીના કિશન દેવાણી લેબર પાર્ટીના કિથ વાઝ સામે સ્પર્ધામાં હતા. દેવાણી જીત્યા ન હતા પરંતુ, તેમને અનુભવનું જે ભાથું મળ્યું તે લાબાં ગાળે રાજકીય કારકિર્દીમાં આગળ વધવા તેમને મદદરુપ બની રહેશે.

કન્ઝર્વેટિવ પાર્ટીએ કોવેન્ટ્રી નોર્થ વેસ્ટ બેઠક માટે ૨૮ વર્ષીય મૂળ ગુજરાતી રેશમ કોટેચાની પસંદગી કરી છે. આ બેઠક હાલ લેબર પાર્ટીના ૭૮ વર્ષીય સાંસદ જ્યોફ્રી રોબિન્સન હસ્તક છે, જેઓ માત્ર ૪,૫૦૦ મતની સરસાઈથી ગત ચૂંટણી જીત્યા હતા. રેશમનો જન્મ લંડનમાં થયો છે અને તેમના માતાપિતા ઈસ્ટ આફ્રિકાથી યુકે આવ્યા હતા. તેઓ એશિયનો અને ખાસ કરીને યુવાવર્ગ મોટા પ્રમાણમાં રાજકારણમાં પ્રવેશે તેની તરફેણ કરે છે. રેશમ કોટેચા એશિયન વિમેન ઓફ એચિવમેન્ટ એવોર્ડના ફાઈનાલિસ્ટ રહી ચુક્યા છે.

આ વર્ષે યુવાન, ઉત્સાહી અને સ્થાનિક કન્ઝર્વેટિવ કાઉન્સિલર અમીત જોગીઆ બ્રેન્ટ નોર્થથી લેબર પાર્ટીના બેરી ગાર્ડિનર સામે ઉમેદવારી કરશે. ઈન્ટરનેશનલ ટ્રેડ માટેના શેડો સેક્રેટરી બેરી ૨૦ વર્ષથી સાંસદ છે અને દરેક એશિયન ઈવેન્ટમાં તેમની હાજરી જોવા મળે છે. જોકે, ચીની પેઢી દ્વારા ચૂકવણીના વિવાદમાં તેમની કથિત સંડોવણીએ લોકોના મનમાં શંકા જગાવી છે. લોકોની યાદશક્તિ ટુંકી હોવાં છતાં ટોરી પાર્ટી આ વિવાદનો લાભ લેવાની તક છોડશે નહિ.

કન્ઝર્વેટિવ પાર્ટીના ઉભરતા સિતારા મૂળ ગુજરાતના અમીત જોગીઆ ૧૬ વર્ષની વયથી ટોરી પાર્ટીમાં સક્રિય છે. ઘર-ઘર ફરીને પ્રચાર કરતા જોગીઆએ ‘ગુજરાત સમાચાર’ અને ‘એશિયન વોઈસ’ને જણાવ્યું હતું કે,‘ ગત ૨૦ વર્ષથી બ્રેન્ડમાં લેબર પાર્ટીનું વર્ચસ્વ રહ્યું છે. મેં વાતચીત કરી તેમાંના ઘણાં લોકોનો મત એ જોવાં મળ્યો હતો કે લેબર પાર્ટીના નેતા ૧૯૭૦ના દાયકાના વિચારો ધરાવે છે અને બ્રેન્ટની પ્રજાનો મેળ તેમની સાથે બેસતો નથી. આથી, બ્રેન્ટમાં પરિવર્તનનો સમય છે, નવા વિચારો સાથે યુવાન અને તાજા ચહેરાની જરૂર છે.’ જો તેઓ જીતશે તો લોકો અને ખાસ કરીને યુવાનો સાથે સહેલાઈથી સંપર્કમાં રહેવાની ખાતરી પણ આપે છે.

અનુભવી અને સફળ સાંસદ સામે નવાસવાની ઉમેદવારીનું આ એકમાત્ર ઉદાહરણ નથી. બ્રેન્ટ સેન્ટ્રલમાંથી રાહુલ ભણસાળી લેબરના ડોન બટલર સામે તેમજ લેસ્ટર સાઉથમાંથી મીરા સોનેચા લેબર પાર્ટીના જોન એશવર્થ સામે ઉમેદવારી કરવાનાં છે.

લેબર પાર્ટીના પૂર્વ કાઉન્સિલર અને પાછળથી એસેમ્બલી મેમ્બર બનેલા નવીન શાહ સાત વર્ષથી હેરો ઈસ્ટના ટોરી સાંસદ બોબ બ્લેકમેન વિરુદ્ધ ઉભા રહેવાના છે. બ્લેકમેન કોમ્યુનિટીની મદદ કરતા હોવા સાથે ડાયસ્પોરામાં જાણીતા પણ છે. પરંતુ નવીન શાહ ખુદ કોમ્યુનિટીના છે પૂર્વ કાઉન્સિલર નવીન શાહ ગ્રેટર લંડન ઓથોરિટીમાં પ્રથમ એશિયન એસેમ્બલી મેમ્બર બન્યા હતા. તેઓ હવે હેરો ઈસ્ટ મતક્ષેત્રમાં બોબ બ્લેકમેન સામે ઉભા રહેશે. પ્રશ્ન એ થાય કે સ્થાનિક રાજકારણમાં આટલા વર્ષ ગાળ્યા પછી હવે સાંસદ તરીકે ઉમેદવારી શા માટે? નવીન શાહના કેટલાક સમર્થકોએ ‘ગુજરાત સમાચાર’ અને ‘એશિયન વોઈસ’ને જણાવ્યું હતું કે દરેક જે કરે તે પ્રગતિ તેમણે પણ કરવી જોઈએ. પ્રથમ પેઢીના માઈગ્રન્ટ શાહ એશિયન કોમ્યુનિટીમાં સફળતાનું પ્રતીક છે. હેરો ઈસ્ટના સાત વર્ષથી સફળ સાંસદ બોબ બ્લેકમેનને સ્થાનિક લોકો ચાહે છે અને તેઓ કોમ્યુનિટી સાથે સતત સંપર્કમાં રહે છે. આમ છતાં, નવીન શાહ આ ક્ષેત્રના ૨૫-૩૦ ટકા હિન્દુ અને જૈનોના પ્રતિનિધિ છે. તેમનો પરિવાર (પત્ની અને પુત્રી) પણ રાજકારણમાં છે અને ૧૯૯૪થી સ્થાનિક લોકોની સેવામાં છે. હેરો અને બ્રેન્ટમાં એશિયન (હિન્દુ) વસ્તીનું પ્રમાણ ઊંચુ છે.

કોમ્યુનિટીના સાથથી બ્લેકમેનને હું આ વખતે પણ હરાવીશઃ નવીન શાહ

નવીન શાહે ‘ગુજરાત સમાચાર’ અને ‘એશિયન વોઈસ’ને જણાવ્યું હતું કે,‘તમામ અવરોધો વિરુદ્ધ મેં બોબ બ્લેકમેનને અગાઉ હરાવ્યા છે અને મારા સ્થાનિક રહેવાસીઓની મદદથી આ વખતે પણ હું તેમને હરાવી શકીશ. હું ૪૦થી વધુ વર્ષોથી હેરોમાં રહું છું. અને હેરોની વૈવિધ્યપૂર્ણ કોમ્યુનિટીઓના શ્રેષ્ઠ હિતમાં મેં કાઉન્સિલ લીડર, એસેમ્બલી મેમ્બર અથવા ભેદભાવવિરોધી કેમ્પેઈનર તરીકે ઈમાનદારી સાથે કામ કર્યા છે. હું વંશીયતાના આધારે લોકોનું વિભાજન કરવામાં માનતો નથી. મારી પાસે જાહેર સેવાનો નોંધપાત્ર અનુભવ છે. હું વ્યક્તિવાદી રાજકારણમાં પણ માનતો નથી. મૂળ તો નીતિઓ છે અને અમારી નીતિઓને સારો આવકાર મળ્યો છે. હેરોના લોકોએ અમારી સ્થાનિક પાર્ટીને સારો સપોર્ટ કર્યો છે. હેરોને મજબૂત અને સ્વતંત્ર અવાજ ધરાવતા પ્રતિનિધિની જરૂર છે. શાળાઓ, NHS, પોલીસ અને સામાજિક સંભાળ માટે ભંડોળ ફાળવવામાં આવે ત્યારે હેરોને યોગ્ય હિસ્સો મળવો જોઈએ તેવી માગણી ઉઠાવતા હું અચકાઈશ નહિ.’

ફેમિલી વિઝા સુધારા માટે સીમા મલ્હોત્રાની ખાતરી

યુકેના હોંશિયાર રાજકારણીઓમાં સ્થાન ધરાવતા સીમા મલ્હોત્રાને થેરેસા મેની ઈમિગ્રેશન નીતિઓથી આઘાત લાગ્યો છે.‘ગુજરાત સમાચાર’ અને ‘એશિયન વોઈસ’ સાથે વાતચીતમાં સીમાએ જણાવ્યું હતું કે,

‘ટોરી પાર્ટી એશિયનો જેને પોતાના દિલની નજીક માને છે તેને વિભાજિત કરી રહી છે. આ ચૂંટણી ન્યાય, સમૃદ્ધમાં સહભાગીતા અને અર્થતંત્રને નુકસાન ન કરે તેવા બ્રેક્ઝિટ વિશે છે. લેબર પાર્ટી ફેમિલી વિઝા સિસ્ટમ વાજબી બનાવવા સમીક્ષા કરશે તેનો મને આનંદ છે. આપણે ઈમિગ્રેશન સિસ્ટમમાં અંકુશની જરૂર છે પરંતુ, તેમાં કાળજી અને અનુકંપા પણ હોવાં જોઈએ. લેબર પાર્ટી પરિવારોને મહત્ત્વ આપે છે, જે ડાયસ્પોરાનાં મૂલ્યોની નિકટ છે. થેરેસા મે કરી રહ્યાં છે તે પારિવારિક જીવનનો નાશ કરે છે. ઈમિગ્રેશન આંકડા, સમાનતા, NHS અથવા મહિલાઓ માટે પેન્શન સહિતના મુદ્દે થેરેસા મેનાં પગલાં ખોટાં સંકેતો મોકલી રહ્યાં છે.’

સીમાના કેમ્પેઈનમાં મેયર સાદિક ખાન પણ સામેલ થયા છે. સાદિક ખાને હંસલોમાં થેરેસા મેને લંડનવિરોધી ગણાવી લેબર પાર્ટીને મત આપવા લોકોને અનુરોધ કર્યો હતો. ખાને કહ્યું હતું કે,‘જો ટોરીઝ જીતશે તો NHS માટે વધુ કાપ, ફેલ્ધામ અને હેસ્ટનમાં શાળાઓ માટે વધુ કાપ, પોલીસ અધિકારીઓ ઓછાં કરાશે અને હાર્ડ બ્રેક્ઝિટ આવશે તેનાથી વેસ્ટ લંડન, લંડન અને દેશમાં નોકરીઓના વિકાસ અને સમૃદ્ધિને નુકસાન થશે.’

કન્ઝર્વેટિવ પાર્ટી તરફથી ફેલ્ધામ એન્ડ હેસ્ટન મતક્ષેત્રમાં સમીર જસ્સલ લેબર પાર્ટીના અને ટ્રેઝરી માટે પૂર્વ શેડો ચીફ સેક્રેટરી સીમા મલ્હોત્રા સામે જંગમાં ઝૂકાવશે. આવા ઘણા નામ હવે બહાર આવશે. ગયા વર્ષે આ મતક્ષેત્રમાંથી સીમા મલ્હોત્રા સામે સ્પર્ધામાં સિમોન નાયર હતા. જોકે, સીમા માને છે કે લઘુમતીઓ સાથે લેબર પાર્ટીનો ઈતિહાસ અનોખો છે.

રાજકારણમાં વધુ એશિયન ઉમેદવારનો પ્રવેશ

કન્ઝર્વેટિવ પાર્ટીએ ૨૦૧૫ની ચૂંટણીમાં ૧૭ અને લેબર પાર્ટીએ ૧૪ એશિયન ઉમેદવાર ઉભાં રાખ્યાં હતાં. એશિયન કોમ્યુનિટીના વિક્રમી કુલ ૫૯ ઉમેદવાર સ્પર્ધામાં હતા.

ભારતીય મૂળના ૧૦ સાંસદો કિથ વાઝ, સીમા મલ્હોત્રા, વિરેન્દ્ર શર્મા, લિસા નાન્દી અને પ્રીતિ પટેલ, શૈલેષ વારા, આલોક શર્મા, રિશિ સુણાક અનેસુએલા ફર્નાન્ડીસ હતાં. પ્રીતિ પટેલ અને આલોક શર્મા થેરેસા મે કેબિનેટમાં મિનિસ્ટર્સ હતાં. આ ૧૦ સાંસદો તો ફરી ઉમેદવારી કરશે, જ્યારે તાજેતરની ચૂંટણીઓમાં ભારતીય કોમ્યુનિટી લેબર પાર્ટી છોડી કન્ઝર્વેટિવ્ઝ તરફ વળી રહી હોવાની માન્યતા સાથે ઘણાં લોકો રાજકીય પક્ષોમાં સામેલ થઈ રહ્યા છે. કોમ્યુનિટીમાં સંપત્તિ વધી રહી છે તે કારણ હોઈ શકે પરંતુ, જેરેમી કોર્બીનની નેતાગીરીમાં લેબર પાર્ટી હિન્દુઓની લાગણી અને નરેન્દ્ર મોદીના ચાહકોની ઉપેક્ષા કરે છે તેવા આક્ષેપોનું પણ કારણ હોઈ શકે છે.

સીનિયર લેબર સાંસદ વિરેન્દ્ર શર્માએ ઈલિંગ સાઉથોલમાં પ્રચાર આરંભી દીધો છે ત્યારે લેબર પાર્ટીના રોહિત દાસગુપ્તા (ઈસ્ટ હેમ્પશાયર) અને પ્રીત કૌર ગિલ (બર્મિંગહામ એજબાસ્ટન) જેવાં નવા ચહેરાં ઉમેદવાર તરીકે નિશ્ચિત છે. ગિલની સાથે જ લેબરના તનમનજિતસિંહ ધેશી (સ્લાઉ) હાઉસ ઓફ કોમન્સમાં શીખ સાંસદ તરીકે ચૂંટાઈ આવવાં ઈચ્છુક છે.

રોહિત કે. દાસગુપ્તાનો જન્મ અને ઉછેર કોલકાતામાં થયો છે લફબરો યુનિવર્સિટીના લેક્ચરર દાસગુપ્તા આઠ વર્ષથી યુકેમાં રહે છે અને સાત વર્ષ અગાઉ લેબર પાર્ટીમાં જોડાયા હતા. તેઓ દેશમાં ચૂંટણીમાં ઝંપલાવનાર પ્રથમ ભારતીય બંગાળી હશે. દાસગુપ્તા માટે કપરું ચડાણ હશે કારણકે આ ટોરી પાર્ટીનો ગઢ છે, જ્યાં તેણે ૨૦૧૦ અને ૨૦૧૫માં ૫૦ ટકાથી વધુ મત હાંસલ કર્યા હતા. ડેમિઅન હિન્ડ્સ ૨૦૧૦થી આ બેઠકનું પ્રતિનિધિત્વ કરે છે.

કન્ઝર્વેટિવ પાર્ટીએ બર્મિંગહામ હોલ ગ્રીન બેઠક માટે કાઉન્સિલર રીના રેન્જરની પસંદગી કરી છે, જેઓ યુકેના એન્ટ્રેપ્રીન્યોર ડો. રેમી રેન્જરના પુત્રી છે. કોવેન્ટ્રી નોર્થ વેસ્ટ માટે રેશમ કોટેચા ઊભાં છે, જ્યારે વુલ્વરહેમ્પટન સાઉથ વેસ્ટમાં પૂર્વ સાંસદ પોલ ઉપ્પલ કોમન્સમાં પ્રવેશવા ફરી પ્રયાસ કરશે. લિબ ડેમ પાર્ટીના ૩૧ વર્ષીય આમના અહમદ સટન એન્ડ કીમમાં ઉમેદવાર છે. NHS કેમ્પેનર હારબરો, ઓડબી અને વિગ્સ્ટન બેઠક માટે ઝફર હકે ઉમેદવારી નોંધાવી છે.     

પાર્લામેન્ટમાં ૨૦૧૫થી બ્રિટિશ એશિયન સાંસદો

કન્ઝર્વેટિવ પાર્ટી

• રેહમાન ચિશ્તી (Gillingham and Rainham)• નુસરત ઘની (Wealden)• સાજિદ જાવિદ (Bromsgrove)• રનિલ જયવર્દના (North East Hampshire)• પ્રીતિ પટેલ (Witham)• આલોક શર્મા (Reading West)• રિશિ સુણાક (Richmond – Yorkshire)• શૈલેષ વારા (North West Cambridgeshire)

લેબર પાર્ટી

• રુશનઆરા અલી (Bethnal Green and Bow) • રુપા હક (Ealing Central and Acton) • ઈમરાન હુસૈન (Bradford East)• સાદિક ખાન (Tooting) • ખાલિદ મહમૂદ (Birmingham Perry Barr)

• શબાના મહમૂદ (Birmingham Ladywood) • સીમા મલ્હોત્રા (Feltham and Heston) [લેબર એન્ડ કો-ઓપરેટિવ પાર્ટી] • લિસા નાન્દી (Wigan) • યાસ્મીન કુરેશી (Bolton South East) • નસીમ શાહ (Bradford West) • વિરેન્દ્ર શર્મા (Ealing Southall) • કિથ વાઝ (Leicester East) • વેલરી વાઝ (Walsall South)

સ્કોટિશ નેશનલ પાર્ટી (SNP)

તસ્મીના શેખ (Ochil and South Perthshire)


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter