લંડનઃ બ્રિટન બ્રેક્ઝિટના મુદ્દે વિભાજિત છે અને વિશ્વના અનેક વિસ્તારોમાં લશ્કરી સંઘર્ષ ફેલાયો છે ત્યારે ક્વીન એલિઝાબેથ દ્વિતીયે તેમના ક્રિસમસ સંદેશામાં લોકોને તેમના મતભેદો બાજુએ રાખવાની સલાહ આપી હતી. તેમણે કહ્યું હતું કે સમગ્ર વિશ્વમાં આજની પળે શાંતિ અને શુભેચ્છાની વધુ જરુર છે. રાષ્ટ્રના વડા તરીકે ક્વીન રાજકીય બાબતો પરત્વે તટસ્થ રહે છે અને પોતાનાં મંતવ્યો જાહેર કરતાં નથી. જોકે, ઘણા લોકો તેમના સંદેશાને બ્રિટન ઈયુને છોડી રહ્યું છે ત્યારે તેની જાહેર ચર્ચામાં લોકોમાં ફેલાયેલી કડવાશના ઉલ્લેખ તરીકે ગણાવી રહ્યા છે.
બકિંગહામ પેલેસના વ્હાઈટ ડ્રોઈંગરુમ ખાતે રેકોર્ડ કરાયેલાં સંદેશામાં ૯૨ વર્ષના ક્વીને જણાવ્યું હતું કે સૌથી વધુ મતભેદો હોય ત્યારે પણ અન્ય વ્યક્તિને સાથી માનવી તરીકે આદર આપવો તે સારી સમજ તરફનું પ્રથમ કદમ છે. જાતે જ લખેલાં સંદેશામાં ક્વીને જણાવ્યું હતું કે,‘મેં વર્ષો દરમિયાન અનેક પરિવર્તનો નિહાળ્યાં છે ત્યારે આસ્થા, પરિવાર અને મિત્રતા મારાં માટે માત્ર સાતત્ય જ નહિ, અંગત સંતોષ અને વિશ્વાસના સ્રોત બની રહ્યાં છે.’
ક્વીને પોતાના ૬૬ વર્ષના રાજ્યકાળમાં વિન્સ્ટન ચર્ચિલથી માંડી થેરેસા મે સુધી ૧૩ વડા પ્રધાનની સેવા પ્રાપ્ત કરી છે. આ જ સમય દરમિયાન, તેમણે ડોનાલ્ડ ટ્રમ્પ સહિત અમેરિકાના ૧૩ પ્રમુખોને હોદ્દા પર નિહાળ્યાં છે.


