આતંકવાદી હુમલાને વખોડતી મુસ્લિમ, હિન્દુ અને યહુદી સંસ્થાઓ

Wednesday 20th March 2019 03:23 EDT
 

લંડનઃ બ્રિટનની મુસ્લિમ, હિન્દુ અને યહુદી સંસ્થાઓએ ન્યૂ ઝીલેન્ડના ક્રાઈસ્ટચર્ચમાં આતંકવાદી હુમલાને વખોડી કાઢ્યો છે. ધ રામાધાન ફાઉન્ડેશનના સીઈઓ મોહમ્મદ શફિકે ૧૫ માર્ચ શુક્રવારે ન્યૂ ઝીલેન્ડના ક્રાઈસ્ટચર્ચમાં બે મસ્જિદો પર કરાયેલા આતંકવાદી હુમલાને વખોડી કાઢ્યો છે. તેમણે કહ્યું હતું કે મુસ્લિમો અને ઈસ્લામ પ્રત્યે ઘૃણાથી પ્રેરિત જમણેરી કટ્ટરવાદીઓ દ્વારા થયેલા હુમલામાં ૫૦ વ્યક્તિ માર્યા ગયા છે અને સંખ્યાબંધને ઈજા પહોંચી છે. અમે ન્યૂ ઝીલેન્ડમાં વસતાં અમારા ભાઈ-બહેનોની સાથે જ છીએ અને અમારી પ્રાર્થના અને દિલસોજી મૃતકો અને ઈજાગ્રસ્તોને પાઠવીએ છીએ.

તેમણે કહ્યું હતું કે માનવજીવન અને પ્રાર્થનાસ્થળો પવિત્ર છે અને અમે જિંદગી પરના આઘાતનો શોક વ્યક્ત કરીએ છીએ. પ્રાર્થનાસ્થળ પરનો હુમલો એ તમામ ધર્મ પરનો હુમલો છે અને મને ખાતરી છે કે આગામી દિવસોમાં તમામ કોમ્યુનિટી અમારી સાથે જોડાશે. ધ રામાધાન ફાઉન્ડેશન વિશ્વમાં આવાં જમણેરી જૂથો સામે પગલાં ભરવાની માગણી કરે છે. સમગ્ર વિશ્વમાં મસ્જિદો અને ઈસ્લામિક સેન્ટર્સ પર સલામતી વધારવા અમે સરકારોને હાકલ કરીએ છીએ.

હિન્દુ ફોરમ ઓફ બ્રિટને સંવેદના દર્શાવી

હિન્દુ ફોરમ ઓફ બ્રિટન (HFB)ના પ્રમુખ ન્યૂ ઝીલેન્ડના ક્રાઈસ્ટચર્ચમાં આતંકવાદી હુમલા અને જાનહાનિ સંબંધે આઘાત અને શોકની લાગણી વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે,‘ન્યૂ ઝીલેન્ડમાં મસ્જિદોમાં મુસ્લિમો પર હુમલાથી અમને ભયંકર આઘાત લાગ્યો છે. અમારી સંવેદના આ ઘટનાના મૃતકો, ઈજાગ્રસ્તો અને આ ઘૃણાસ્પદ હુમલાના કારણે ભારે મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહેલા તેમના પરિવારો સાથે જ છે. ધર્મ અથવા વર્ણની શ્રેષ્ઠતાના નામે કરાયેલી હિંસા આપણે સહુએ વખોડવી જ જોઈએ. ઓમ શાંતિઃ શાંતિઃ શાંતિઃ’

અમે તમારી પડખે છીએઃ અમેરિકન જ્યુઈશ કોંગ્રેસ

અમેરિકન જ્યુઈશ કોંગ્રેસ, ન્યૂ યોર્કના પ્રમુખ જેક રોશન સહિતના પદાધિકારીઓએ ન્યૂ ઝીલેન્ડના ક્રાઈસ્ટચર્ચમાં ભયાનક ઘટનાઓના પીડિતો તરફ દિલસોજી વ્યક્ત કરી હતી, જ્યાં બે મસ્જિદોમાં ૪૯ મુસ્લિમોની હત્યા કરવામાં આવી હતી. તેમણે કહ્યું હતું કે પ્રાર્થના કરી રહેલા નિર્દોષ લોકોની હત્યાની પ્રેરણા આપનારી ઘૃણાનું પ્રમાણ સમજવું દુષ્કર છે. તમામ ઘૃણાનું આખરી પરિણામ આવું જ હોય છે. આવા હુમલાને પ્રેરતી વિચારધારાને અમે કડક શબ્દોમાં વખોડી કાઢીએ છીએ.

પીટ્સબર્ગ પછી અમારી સાથે ઉભાં રહેલા મુસ્લિમ ભાઈઓ અને બહેનો, આજે અમે પણ તમારી પડખે ઉભા છીએ. આ સમયે આપણે એકબીજા સાથે મજબૂત એકતા દર્શાવી ઉભા રહેવાની જરૂર છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter