જામનગર: બીએપીએસ સંસ્થાના વડા મહંત સ્વામી મહારાજનું શુક્રવાર - 7 નવેમ્બરે અત્રેના બીએપીએસ સ્વામિનારાયણ મંદિરે આગમન થયું છે. આ પ્રસંગે ઉપસ્થિત હજારો હરિભક્તોએ શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજ અને મહંત સ્વામી મહારાજને ઉમંગભેર આવકાર્યા હતા. બાળકો - યુવાનોએ વિવિધ વેશભૂષા ધારણ કરી, ધજા ફરકાવી તેમનું ભાવભીનું સ્વાગત કર્યું હતું. તો મહિલા ભક્તોએ કલાત્મક રંગોળી રચીને ગુરુહરિને આવકાર્યા હતા. ઠાકોરજીના દર્શન કર્યા બાદ મહંત સ્વામી મહારાજે ભક્તોનું સ્વાગત ઝીલતા સ્વાગત સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા. સભાગૃહમાં જામનગર ઉપરાંત ખંભાળિયા, ભાણવડ, જામજોધપુર વગેરે ક્ષેત્રોના હરિભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત હતા અને તેમના વતી કોઠારી ધર્મનિધિ સ્વામી અને સંતોએ પૂ. મહંત સ્વામી મહારાજને હારતોરાથી વધાવ્યા હતા.
પૂ. મહંત સ્વામી મહારાજના આગમન નિમિત્તે સેંકડો સંતો, હજારો હરિભક્તો, નિર્જળા-સજળા ઉપવાસ, ધારણા-પારણા વ્રત, ભાવતી વસ્તુનો ત્યાગ કરી વિશિષ્ટ તપ, વ્રત, અર્ધ્ય અર્પણ કર્યું હતું. તપની સાથે સાથે ગુરુહરિ મહંત સ્વામી મહારાજાની પ્રસન્નતા અર્થે હજારો ભક્તોએ લાખો માળા, પ્રદક્ષિણા, દંડવત્, પંચાગ પ્રણામ, શાસ્ત્ર પઠન અને સહજાનંદ નામાવલિ પાઠ જેવા ભક્તિસભર કાર્યક્રમો થકી વિશિષ્ટ ભક્તિ અદા કરી હતી.
જામનગરના ભક્તોની આવી સેવા-વ્રત અને ભક્તિથી પ્રસન્ન થઈ પૂ. મહંત સ્વામી મહારાજે આશીર્વાદ આપતા જણાવેલ કે, અહીં આવી અમને પણ ખૂબ આનંદ થયો. આપ સર્વેની સેવા-ભક્તિ અદ્ભૂત છે, ઉત્તરોત્તર વધતી રહે છે તે અભિનંદનને પાત્ર છે.


