"ગુજરાત સમાચાર"નો આ અંક આપના હાથમાં આવશે ત્યારે આપનું પ્રાણ પ્યારૂ "ગુજરાત સમાચાર" પોતાના આયુષ્યના ૪૫ વર્ષ પૂર્ણ કરીને ૪૬મા વર્ષમાં પ્રવેશ કરી ચૂક્યું હશે. સાચુ કહું તો આ સોનેરી સિધ્ધી અને સફળતાનો સંપૂર્ણ યશ અમારા માનવંતા વાચક મિત્રો, ગ્રાહકો, જાહેરખબર દાતાઅો અને વર્ષો વર્ષ સુંદર સહયોગ આપી રહેલા શુભચિંતક મિત્રોને જાય છે. લાગલગાટ ૪૫ વર્ષના આ સુદિર્ઘ સહયોગ બદલ આપ સર્વેને આ શુભપ્રસંગે હું નતમસ્તક વંદન કરી આભારની લાગણી વ્યક્ત કરૂ છું.
મિત્રો, બરાબર ૪૫ વર્ષ પૂર્વે તા. ૫મી મે, ૧૯૭૨ના રોજ ભારતના પૂર્વ હાઇકમિશ્નર અને આધ્યાત્મિક મુત્સદી એવા આદરણીય શ્રી આપ્પાસાહેબ પંતના શુભહસ્તે "ગુજરાત સમાચાર"ના પ્રથમ અંકનું વિમોચન કરાયું હતું. સર્વશ્રી કુસુમબેન શાહ, પ્રાણલાલ શેઠ, બલવંતસિંહ કપૂર, નલિનકાંત પંડ્યા અને યુધ્ધવીર જેવા પાંચ ખમતીધર અને સક્ષમ પત્રકાર મિત્રોએ તે સમયે જ ટેબ્લોઇડ કદના "ગુજરાત સમાચાર"ના પ્રકાશનની શરૂઆત કરી હતી. ચારેક વર્ષમાં સમયના વ્હેણ બદલાયા હતા અને તા. ૯મી એપ્રિલ ૧૯૭૬ના રોજ "ગુજરાત સમાચાર"ના પ્રકાશક તરીકે શ્રી સીબી પટેલે જવાબદારી લેવાનો અવસર સાંપડ્યો હતો.
આપ સૌ જાણો છો તેમ અમારા તંત્રી શ્રી સીબી પટેલ કાયમ કહેતા રહે છે કે તેમને પત્રકારત્વ, પ્રકાશન કે પ્રિન્ટીંગનો કોઇ જ અનુભવ નહોતો. પરંતુ હું મારા ૧૩ વર્ષના અહીના કાર્યકાળ દરમિયાન જાત અનુભવથી જાણું છું કે સીબીની વાત ભલે સાચી હોય પરંતુ તેમણે પત્રકારત્વ અને પ્રકાશનનું જ્ઞાન મેળવવા માટે અથાક પ્રયત્નો કર્યા છે. સીબી અને "ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ"માં સેવા આપતા અમે સૌ વાચક મિત્રોને દેવના દૂત તરીકેનું અદકેરૂ સ્થાન આપીએ છીએ અને વાચક રાજાની પ્રસન્નતા પ્રાપ્ત કરવા અમે અહર્નિશ પરિશ્રમ કરતા રહીએ છીએ.
"ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ"ને પ્રતિ સપ્તાહે વાચક મિત્રો સમક્ષ રજૂ કરવા ઉપરાંત વર્ષ દરમિયાન દસેક જેટલા વિવિધ વિષયો પર આધારીત વિશેષાંકો, કેલેન્ડર અને દીપાવલિ વિશેષાંકનું પ્રકાશન કરવામાં આવે છે. માત્ર પ્રકાશન ક્ષેત્રે જ નહિં આપણા સમુદાયની સેવા કરવા માટે પણ અમે તત્પર છીએ. સમુદાયની સેવા કાજે અમે આપણા વડિલોના સન્માનના કાર્યક્રમ વડિલ સન્માન, માતા પિતાની સેવા કરતા શ્રવણ જેવા સંતાનોના સન્માનના કાર્યક્રમ શ્રવણ સન્માન, તેજસ્વી વિદ્યાર્થીઅોને સન્માનતા કાર્યક્રમ સરસ્વતિ સન્માન, આપબળે વેપાર-ધંધા તેમજ સમાજમાં વિવિધ ક્ષેત્રે સફળતા મેળવનાર તેજસ્વી તારલાઅોના સન્માન સમારોહ "એશિયન એચિવર્સ એવોર્ડ”, "એશિયન વોઇસ પોલિટીકલ એન્ડ પબ્લિક લાઇફ એવોર્ડ" અને સમુદાયની સેવા કરતી સખાવતી સંસ્થાઅો અને સમાજસેવકોને સન્માનવાના કાર્યક્રમ "એશિયન વોઇસ ચેરીટી એવોર્ડ"ના આયોજન કરવામાં આવે છે. આ ઉપરાંત ગુજરાતી ભાષાના વિકાસ અને જાળવણી માટે, આરોગ્યની જાળવણી માટે હેલ્થ સેમિનાર, પત્રલેખકોના સેમિનાર અને તાજેતરમાં બ્રિટનભરમાં જનેતાની વંદના કરવાના અનેરા કાર્યક્રમ માતૃ વંદના સહિત અન્ય કાર્યક્રમોનું પણ અવારનવાર આયોજન કરવામાં આવે છે. આ અને આવા અવનવા સોપાનો વાચક મિત્રોના સોનેરી સાથ સહકારથી જ સાકાર બન્યા છે.
મિત્રો, આપ સૌના સહકાર અને પૂણ્યપ્રતાપે ભારત બહારના સૌ ભારતીય પ્રકાશનોમાં સૌથી સંગીન સ્થિતી, અગ્રીમ વાચક સંખ્યા અને અનોખી વિશ્વસનિયતા અમે પ્રાપ્ત કરી શક્યા છીએ. લંડન તથા અમદાવાદના કાર્યાલયમાં અત્યંત જાગૃત અને કર્તવ્યનિષ્ઠ સાથીદારોની અમને ખૂબજ મદદ મળી રહે છે. ભૂતકાળની સિધ્ધીઅોથી સંતુષ્ઠ હોવા છતાં અમે સૌ ખોટા અભિમાનમાં રાચવાથી દૂર રહીએ છીએ. અનેકવિધ રીતે આપ સૌ વાચક મિત્રો આપણા સમાજ, આપણી કર્મભૂમિ અને આપણા ભારતવર્ષની જન્મભૂમિની સેવા કરવા અમે સૌ આતુર છીએ. આપનો પ્રેમ અને વિશ્વાસ સતત અમને મળતો રહે છે તેજ અમારા માટે પોષણરૂપ બની અમારામાં સતત ઉત્સાહ પૂરતો રહે છે.
બસ આપ સૌ આવોને આવો સાથ, સહકાર અને પ્રેમ અમને આપતા રહેજો. તેના બદલમાં અમે સૌ આપને ખાતરી આપીએ છીએ કે અમે પણ હરહંમેશ આપની સેવામાં કર્તવ્યનિષ્ઠ રહીશું.
- કમલ રાવ, ન્યુઝ એડિટર
- કોકિલા પટેલ, મેનેજીંગ એડિટર
- નીલેશ પરમાર, બ્યુરો ચિફ, અમદાવાદ.

