સમકાલીન ગુજરાતી કવિતાના જાણીતા સર્જક શ્રી મુકેશ દુર્ગેશભાઈ જોષી હાલમાં થોડા દિવસના પ્રવાસે યુકે આવ્યા છે. મુંબઈમાં નિવાસ કરતા મુકેશભાઈ કવિ, નાટ્યલેખક, સંચાલક અને કાવ્યપાઠના પ્રભાવશાળી પ્રસ્તુતકર્તા તરીકે ગુજરાતી સાહિત્યમાં આગવી ઓળખ ધરાવે છે.
તેમના ત્રણ કાવ્યસંગ્રહો ‘કાગળને પ્રથમ તિલક’, ‘બે પંક્તિના ઘરમાં’ અને ‘લિખિતંગ ઓક્ટોબર 2’ વાચકોમાં ખૂબ લોકપ્રિય રહ્યા છે. ઉપરાંત તેમનું પ્રવાસવર્ણન ‘પ્રવાસનો શ્વાસ’ પણ પ્રકાશિત થયું છે. તેમણે અનેક વ્યવસાયિક નાટકોનું સર્જન કર્યું છે, જેના સફળ જાહેર પ્રયોગો થયા છે. વર્ષ 2004માં તેઓ સ્વ. કવિ ડો. સુરેશ દલાલ અને જાણીતા નાટ્યસમીક્ષક ઉત્પલ ભાયાણી સાથે યુકે આવ્યા હતા. તે સમયે આદરણીય શ્રી સી.બી. પટેલના આયોજનમાં યોજાયેલા સાહિત્યિક કાર્યક્રમની તેમની સ્મૃતિ આજે પણ તાજી છે.
હાલ તેઓ પોતાના નાના ભાઈ શ્રી સમીર જોષીના આમંત્રણથી લ્યુટનમાં રોકાયા છે. આ અવસરે યુકેના ગુજરાતી સાહિત્યપ્રેમીઓ અને કલારસિકો સાથે મળવાની તેમની હાર્દિક ઇચ્છા છે. સંવેદનાને સરળ શબ્દોમાં અભિવ્યક્ત કરવાની તેમની શક્તિ અને કાવ્યના જીવંત પાઠની તેમની આગવી શૈલી તેમને સમકાલીન ગુજરાતી સાહિત્યના લોકપ્રિય સર્જકોમાં સ્થાન અપાવે છે. તેમના યુકે પ્રવાસને હાર્દિક શુભેચ્છાઓ. લેખક મુકેશ જોષીના સંપર્ક માટે ઇમેઇલઃ [email protected]
કવિ મુકેશ જોષીની કલમે થોડીક પંક્તિઓ...
બે જણ ઉભા સામા સામે દૃષ્ટિ એવી દ્રશ્યો મળશે
તમને લાગે ઝઘડી પડશે અમને લાગે ભેટી પડશે
•••
બોલ સખી તારા હૈયામાં શોર થયો કે નહીં
કાલ સુધી તું લાગણીઓને પીંછા પીંછા કહેતી
એ પીંછાઓમાંથી મોર થયો કે નહીં
બોલ સખી તારા હૈયામાં શોર થયો કે નહીં
•••
અઢી અક્ષરે પ્રેમ લખું ને બે અક્ષરમાં હરિ
સાડા ચારે હરિ આપણે મળવું છે ને ફરી?
•••
પાનખરોમાં પાન ખરે ને ઝાડનો આખો વાન ખરે ને
ત્યારે સાલું લાગી આવે
જંગલની બાજીને બેઠું વ્હાલકડું એકાંત ખરે ને
ત્યારે સારું લાગી આવે
•••
ના પાપ પુણ્યોની તમા તો તમે જીવી ગયા
ના ગમા ના અણગમા તો તમે જીવી ગયા
ક્રોધને તલવારનું થાતું મિલન હો જે ક્ષણે
દ્વાર ખખડાવે ક્ષમા તો તમે જીવી ગયા
•••


