આરોગ્યક્ષેત્રમાં પરોપકારની સંસ્કૃતિ વિકસાવવી જરુરીઃ લોર્ડ ભીખુ પારેખ

Wednesday 19th May 2021 05:42 EDT
 
 

લંડનઃ લોર્ડ ભીખુ પારેખે ક્વીન્સ સ્પીચ પરની ચર્ચામાં આરોગ્ય સહિતની કેટલીક બાબતોમાં વંશીય વિષમતા વિશે મનનીય પ્રવચન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે બ્રિટનમાં ગત બે વર્ષ દરમિયાન થયેલી તમામ ઘટનાઓને કોરોના વાઈરસના પ્રિઝમમાંથી નિહાળવી જોઈએ અને મહારાણીનું સંબોધન પણ તેમાં અપવાદ નથી. વાઈરસે આપણા સમાજમાં ઊંડે રહેલી કેટલીક બાબતોને હાઈલાઈટ કરી છે જેમાંથી ઘણા વિશે જાણકારી હતી પરંતુ, નજરઅંદાજ કરાઈ હતી અને કેટલીક બાબતો અજાણી અથવા થોડી ઘણી જાણીતી હતી.

આરોગ્ય ક્ષેત્રમાં વિષમતા સંદર્ભે લોર્ડ પારેખે જણાવ્યું હતું કે મૃત્યુને ભેટનારા પ્રથમ ૧૦ NHS ડોક્ટર્સ વંશીય લઘુમતીના હતા. NHSનો જે સ્ટાફ મોતને ભેટ્યો તેમાં ૬૮ ટકા વંશીય લઘુમતી સમુદાયમાંથી આવ્યા હતા. આના કારણો વિશે ઘણું જણાવાયું છે કે તેઓ ભારે જોખમના સ્થળોએ કામ કરતા હતા, તેમની પાસે PPEનો અભાવ હતો કે અપૂરતી હતી, તેઓ ગીચ ઘરમાં રહે છે, અને તેઓ સત્તા કે ઊંચા હોદ્દાઓની વગ ધરાવતા ન હોવાથી તેમની ફરિયાદો પર કોઈ ધ્યાન અપાતું ન હતું. સરકારે તેનું મહત્ત્વ સમજવામાં ઘણો સમય લીધો અને જ્યારે તેમણે કશું કામ કર્યું ત્યારે તે પૂરતું ન હતું. આપણા સહુ પર ત્રાટકેલી આફતની સૌથી ભારે કિંમત વંશીય લઘુમતી સમુદાય ચૂકવી રહ્યો છે.

લોર્ડ પારેખે જણાવ્યું હતું કે હવે પગલાં લેવા આવશ્યક છે. એવો સમાજ રચવો જોઈએ જેમાં એકતા અને સામૂહિક બંધુત્વની ભાવના હોય. વંશીય લઘુમતી સમુદાયને એમ જરા પણ લાગવું ન જોઈએ કે તેમની સમસ્યાઓ તેમની જ છે અને તેમને કોઈ મદદ કરવાનું નથી.

આ સંદર્ભમાં આપણે સંસાધનોમાં વ્યાપક રોકાણો કરવા આવશ્યક બનશે. આપણી હોસ્પિટલોમાં પડતર રહેલી સર્જરીઝનું પ્રમાણ ઘણું છે અને તેના માટે અકલ્પનીય નાણાભંડોળની જરુર પડશે. આના માટે ટેક્સીસ વધારવા પડશે. ધનવાનોએ અત્યાર સુધી જે આપ્યું તેનાથી વધુ ચૂકવવું જોઈશે. આપણે સ્રોતો વધારી શકીએ તેવા માર્ગો ખરાં? સૌપહેલા NHSને સૌથી વધુ નાણાની જરુર છે ત્યારે તેણે ખર્ચ ઘટાડવાના અને આવક વધારવાના માર્ગ શોધવા જોઈએ. મેરિટ એવોર્ડ જેવી સ્કીમ્સ બંધ કરવી જોઈએ જેના વિશે મેં ઘણી વખત રજૂઆતો કરી છે.

આપણે NHS અને હોસ્પિટલોના સંદર્ભે પરોપકારની સંસ્કૃતિ શા માટે વિકસાવી નથી. કોઈનું મૃત્યુ થાય છે ત્યારે લોકો પોતાની સ્કૂલો અને યુનિવર્સિટીઓ માટે મોટી રકમો દાન સ્વરુપે છોડી જાય છે. હોસ્પિટલો અને મેડિકલ સંબંધિત સંસ્થાઓને પ્રમાણમાં ઓછી રકમો મળે છે. જર્મનીમાં આવું નથી. આપણે હોસ્પિટલો માટે નાણા મૂકતા જઈને  શા માટે આભાર વ્યક્ત કરી ન શકીએ? આરોગ્યક્ષેત્રમાં નાણાકીય યોગદાનની સંસ્કૃતિને પ્રોત્સાહન આપવાની જરુર છે.

લોર્ડ પારેખે એડલ્ટ ડિપેન્ડન્ટ રીલેટીવ વિઝા નિયમનો પણ ઉલ્લેખ કર્યો હતો કે આ દેશમાં ડોક્ટર્સ તથા અન્યોને વિદેશથી પોતાના પેરન્ટ્સને અહીં લાવવાની છૂટ નથી સિવાય કે ચોક્કસ કડક શરતોને આધીન હોય. આપણા ઘણા ડોક્ટર્સ દેશ છોડી જાય છે અથવા તેઓ અહીં આવે છે અને અન્યત્ર સ્થળાંતર કરી જાય છે. આના કારણે આપણને તેમના કૌશલ્યનો લાભ મળતો નથી અને સહન કરવું પડે છે. તેમણે BAPIO તેમજ પ્રોફેસર કેશવ સિંઘલ અને ડો. રમેશ મહેતાની દરખાસ્તોમાં થોડા ફેરફારો સાથે ધ્યાનમાં લેવાવી જોઈએ તેવું સૂચન પણ કર્યું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter