લંડનઃ આગામી એપ્રિલથી સરકારી પેન્શનમાં ૪ ટકાનો વધારો થવાની શક્યતા છે, જેને લીધે વડીલોને દર વર્ષે સેંકડો પાઉન્ડનો ફાયદો થશે. જે વ્યક્તિને ફૂલ સ્ટેટ પેન્શન મળતું હશે તેમનું સાપ્તાહિક પેન્શન ૧૬૮ પાઉન્ડથી વધારી ૧૭૫.૩૫ પાઉન્ડ કરાતા તેમને વર્ષે ૩૧૫ પાઉન્ડનો ફાયદો થશે.
૨૦૧૧માં ગઠબંધન સરકાર દ્વારા અમલી અને ૨૦૨૨ સુધીની ગેરન્ટી સાથેના ટ્રિપલ લોકથી સરકારી પેન્શન સુરક્ષિત છે. ટ્રિપલ લોક જીવનનિર્વાહના ખર્ચમાં થતા વધારાના દરે જ પેન્શનમાં પણ વધારો થવાનું સુનિશ્ચિત કરે છે. આનાથી, ફુગાવો અથવા વેતનમાં સરેરાશ વધારો, આ બન્નેમાંથી જે વધુ હોય તે મુજબ સરકારી પેન્શનમાં વર્ષે અઢી ટકાનો વધારો થાય છે.
ઈન્સ્યુરર્સ એજઓનના વિશ્લેષણ મુજબ આવકમાં ચાર ટકાનો વધારો થયો છે તેથી તેનો ઉપયોગ પેન્શન વધારાની ગણતરીમાં થશે. ફુગાવાનો દર તેનાથી ઓછો રહેશે, તેમ ડેઈલી એક્સપ્રેસમાં જણાવાયું હતું. તેના લીધે ટ્રિપલ લોકના નિયમો મુજબ આગામી વર્ષે પેન્શનરોને સારો વધારો મળશે. એજઓનના પેન્શન્સ ડિરેક્ટર સ્ટીવન કેમરને જણાવ્યું હતું કે હાલના પેન્શનરો માટે આ સારા સમાચાર રહેશે.
૨૦૧૭માં અન્ય વિશ્લેષણમાં જણાયું હતું કે ૨૦૧૦-૨૦૧૬ના ગાળામાં સરકારી પેન્શનમાં ૨૨.૨ ટકાનો વધારો થયો હતો, જ્યારે વેતનમાં માત્ર ૭.૬ ટકા અને ભાવોમાં ૧૨.૩ ટકાનો વધારો નોંધાયો હતો.
ઓફિસ ફોર બજેટ રિસ્પોન્સિબિલીટીના આંકડા મુજબ આગામી ૪૦ વર્ષમાં ટ્રિપલ લોક વિના સરકારી પેન્શનના બિલમાં ૨૧ બિલિયન પાઉન્ડ જેટલો વધારો થશે. જોકે, ટ્રિપલ લોક સાથે આ ખર્ચ ૩૫ બિલિયન પાઉન્ડ જેટલો થશે.