લંડનઃ અગાઉ માતા-પિતાની સંમતિ સાથે 16 કે 17 વર્ષની વયે લગ્ન કરી શકાતું હતું, પરંતુ સરકારે આ કાનૂન સુધારીને લગ્ન અને સિવિલ પાર્ટનરશિપ માટેની વય 18 વર્ષની કરી છે. સ્થાનિક કાઉન્સિલમાં નોંધાયાં ન હોય તેવાં સાંસ્કૃતિક કે ધાર્મિક લગ્નોને પણ આ નવો કાનૂન લાગુ પડશે. આ નવા કાનૂનથી વિરુદ્ધ લગ્ન કરનાર સગીર વયનાં પાત્રોને નહિ પરંતુ, બાળલગ્નો કરાવનાર વડીલોને આ કાનૂન હેઠળ સાત વર્ષની કેદની સજા અને દંડ કરાશે. જે પેરન્ટ્સ પોતાનાં સંતાનોને લગ્ન કરાવવા માટે વિદેશ લઈ જાય છે તેમને પણ આ કાયદો લાગુ પડશે.
સરકારના સમર્થન સાથેના આ બિલનો પાર્લામેન્ટમાં ઘણો જ ઓછો વિરોધ થયો છે, બિલને શાહી પરવાનગી મળવાની સાથે જ તે કાનૂન બની જશે. જોકે, કાયદો અમલી બનતા પહેલા થયેલાં લગ્નો કે સિવિલ પાર્ટનરશિપની માન્યતાને કોઈ અસર થશે નહિ. આ કાયદો લગ્ન માટે 16 વર્ષની લઘુતમ ધરાવતા સ્કોટલેન્ડ અને નોર્ધર્ન આયર્લેન્ડમાં લાગુ નહિ થાય. નોર્ધર્ન આયર્લેન્ડમાં 16 વર્ષે લગ્ન કરવા પેરન્ટ્સની સંમતિ આવશ્યક છે જ્યારે સ્કોટલેન્ડમાં તે જરૂરી નથી. આ બિલ રજૂ કરનારા કન્ઝર્વેટીવ સાંસદ પૌલીન લાથમે જણાવ્યું કે, આ બિલથી અનેક યુવતીઓનાં જીવનમાં પરિવર્તન આવશે.


