લંડનઃ ઈંગ્લેન્ડ અને વેલ્સ પણ જમાનાની સાથે તાલ મિલાવી શકે તે માટે લો કમિશને યુગલો ખાનગી ગાર્ડ્ન્સ, સમુદ્રીતટો, પોતાના જ ઘર અને છેલ્લે ઝૂમ (ZOOM) જેવી અદ્યતન ટેકનોલોજીના સહારે લગ્ન કરી શકે તેવી ભલામણો કરી છે. લો કમિશનના મતે ઈંગ્લેન્ડ અને વેલ્સમાં લગ્નના કાયદા જરીપુરાણા છે. વિક્ટોરિયા યુગના કાયદા લોકોને ચર્ચ કે રજિસ્ટ્રી ઓફિસ કે સત્તાવાર જાહેર કરાયેલા બિલ્ડિંગ્સ સિવાય બહારના સ્થળોએ લગ્ન કરતા અટકાવે છે. લોકોને લગ્નના માત્ર બે પ્રકારના વિધિવિધાનમાંથી પસંદગી કરવાની ફરજ પડાય છે.
યુકેના કાયદાઓની સમીક્ષા કરતી સત્તાવાર સંસ્થા લો કમિશન લગ્નસંસ્થાને જૂના કાયદાઓમાંથી બહાર લાવી ૨૧મી સદીમાં મૂકવા માગે છે. કમિશન લગ્નોની આસપાસની રેડ ટેપ્સ દૂર કરી યુગલો ખાનગી ગાર્ડ્ન્સ, ક્રૂઝ શિપ્સ સમુદ્રીતટો, પોતાના જ ઘર અને છેલ્લે મહામારીના સમયમાં ઝૂમ (ZOOM) જેવી અદ્યતન ટેકનોલોજીના સહારે લગ્ન કરી શકે તેમ કરવા માગે છે. કમિશને કહ્યું છે કે ઈંગ્લેન્ડ અને વેલ્સમાં લગ્નના કાયદા ઘણા કપલ્સની જરુરિયાતોને પૂરી કરતા નથી. ૧૯૯૪થી લોકોને ચર્ચ અને રજિસ્ટ્રી ઓફિસીસ સિવાય કેટલાક માન્ય પ્રીમાઈસીસમાં લગ્નો કરવાની છૂટ અપાઈ છે પરંતુ, વિકલ્પો ઘણા મર્યાદિત છે. કમિશન એમ પણ માને છે કે યુગલોને સત્તાવાર સિવિલ અથવા ધાર્મિક વિધિમાંથી પસંદગીના બદલે હિન્દુ કે ઈસ્લામ જેવા ધર્મો મુજબ વિધિ કરવાનો વિકલ્પ મળવો જોઈએ. હાલ ઈંગ્લેન્ડ અને વેલ્સમાં આવી લગ્નવિધિ માન્ય નથી. તેમણે પોતાની ધાર્મિકવિધિ અનુસાર લગ્ન કર્યા હોય તો પણ કાનૂની સ્વરુપ આપવા સિવિલ સેરેમની કરવી પડે છે. ઐતિહાસિક કારણોસર જ્યૂઝ અને ક્વેકર્સ ૧૭મી સદીથી તેમની આગવી વિધિ અનુસાર લગ્ન કરી શકે છે.
કમિશન એમ પણ માને છે કે ઈંગ્લેન્ડ અને વેલ્સના લગ્નના કાયદાઓને ર્આયર્લેન્ડ, સ્કોટલેન્ડ અને ચેનલ આઈલેન્ડ્સની જેમ આધુનિક અભિગમ જેવા બનાવવા જોઈએ. હાલના કાયદાઓ છેક ૧૮૩૬ના વર્ષના છે. સ્કોટલેન્ડમાં પાદરી કે રજિસ્ટ્રાર સિવાયના સત્તાવાર ઉજવણીકારની હાજરીમાં ગમે ત્યાં લગ્ન કરી શકાય છે. સજાતીય લગ્નોને કાનૂની માન્યતા આપનારા નોર્ધન આયર્લેન્ડમાં ધાર્મિક લગ્નોના સ્થળો પર કોઈ નિયંત્રણ નથી પરંતુ, સિવિલ મેરેજીસ માન્ય સ્થળોએ જ કરી શકાય છે.