ઈંગ્લેન્ડના સૌથી ગરીબ વિસ્તારોમાં મહિલાઓનું વહેલાં મોતઃ અભ્યાસ

Wednesday 20th April 2022 03:13 EDT
 
 

લંડનઃ વિશ્વમાં સરખામણી કરી શકાય તેવા દરેક દેશોની સરેરાશ મહિલાઓ કરતાં ઈંગ્લેન્ડના સૌથી ગરીબ વિસ્તારોમાં રહેતી મહિલાઓમાં વહેલાં મોતનું વધુ પ્રમાણ છે. ઈંગ્લેન્ડના ગરીબ કે વંચિત વિસ્તારોમાં રહેતી લાખો સ્ત્રીઓનું સરેરાશ આયુષ્ય 78.7 વર્ષનું છે જે ઈંગ્લેન્ડના સમૃદ્ધ વિસ્તારોમાં રહેતી મહિલાઓની સરખામણીએ લગભગ 8 વર્ષ ઓછું છે તેમ હેલ્થ ફાઉન્ડેશનનો અભ્યાસ કહે છે.

ઓર્ગેનાઈઝેશન ફોર ઈકોનોમિક કો-ઓપરેશન એન્ડ ડેવલપમેન્ટ (OECD) દેશોમાં મેક્સિકોને બાદ કરતાં ઈંગ્લેન્ડની ગરીબ મહિલાઓની આયુષ્ય મર્યાદા ઘણી ઓછી છે. મહિલાઓ કેટલાં વર્ષ જીવી શકે તે બાબતે OECDના 38દેશોમાં યુકે 25મા ક્રમે છે. OECDદેશોની મહિલાઓના અપેક્ષિત આયુષ્યની વૈશ્વિક સરેરાશ કરતાં પણ ઈંગ્લેન્ડ અને યુકેની સ્ત્રીઓ નીચા ક્રમે છે.

ઈંગ્લેન્ડના 10 ટકા સૌથી ગરીબ વિસ્તારોમાં રહેતી સ્ત્રીઓનું અપેક્ષિત આયુષ્ય કોલમ્બિયા (79.8 વર્ષ), લેટવિયા (79.7 વર્ષ) અને હંગેરી (79.6 વર્ષ) કરતાં ઓછું એટલે કે, 78.7 વર્ષનું છે જ્યારે વિશ્વભરમાં મેક્સિકોમાં આ સરેરાશ સૌથી નીચી 77.9 વર્ષ છે. ઉલ્લેખનીય છે કે યુકેમાં સ્ત્રીઓનુ સરેરાશ અપેક્ષિત આયુષ્ય 83.1 વર્ષ, ઈંગ્લેન્ડ માટે 83.2 અને OECD દેશો માટે 83.4 વર્ષ છે. ઈંગ્લેન્ડના સૌથી ગરીબ વિસ્તારોમાં બ્લેકપૂલ, કોસ્લે, લિવરપૂલ અને મિડલ્સબરોનો સમાવેશ થાય છે જ્યારે ઓછાં ગરીબ વિસ્તારોમાં ચિલ્ટ્રન, હેમ્પશાયર, હાર્ટ અને રુટલેન્ડ આવે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter