ઈંગ્લેન્ડની કાઉન્સિલોને ભંડોળમાં કાપની અસરઃ કાઉન્સિલ ટેક્સ વધશે

Wednesday 20th February 2019 02:41 EST
 
 

લંડનઃ ઈંગ્લેન્ડની તમામ કાઉન્સિલો કરકસરનો માર અનુભવી રહી છે ત્યારે એપ્રિલ મહિનાથી કાઉન્સિલ ટેક્સ વધારવાનું આયોજન થઈ રહ્યું છે અને લગભગ ૭૫ ટકા કાઉન્સિલ ૨.૭૫ ટકાથી વધુ ટેક્સ વધારવા વિચારે છે. સ્થાનિક જનમત સિવાય વધુમાં વધુ ૨.૯૯ ટકા ટેક્સ વધારવાની છૂટ હોય છે. કાઉન્સિલ ટેક્સ વધતા રહે છે છતાં ઘણા નાગરિકો સેવામાં વધુ કાપ મૂકાશે તેવો પણ ભય સેવે છે. અનેક કાઉન્સિલોએ પુખ્તો માટે સામાજિક સંભાળથી લાઈબ્રેરીઝ અને રીસાયકલિંગ સહિત વિવિધ સેવાઓમાં કાપ મૂકવાની ચેતવણી પણ આપેલી છે.

લોકલ ગવર્મેન્ટ ઈન્ફોર્મેશન યુનિટ થિન્કટેન્કના વાર્ષિક સર્વેક્ષણમાં જણાયું છે કે આઠ વર્ષની કરકસરથી ભંડોળમાં ૪૦ ટકા જેટલા કાપની અસરો દેખાઈ રહી છે. સેવા માટે માગ સતત વધતી રહી છે ત્યારે ખાડાનું સમારકામ, કચરાનું એકત્રીકરણ, સ્કૂલ ક્રોસિંગના પેટ્રોલિંગ અને લાઈબ્રેરીઝ જેવી સેવાઓમાં કાપથી નાગરિકો નારાજ છે. ૨૦માંથી એક કાઉન્સિલના જણાવ્યા અનુસાર ભંડોળકાપ એટલો ખરાબ છે કે કાયદા અનુસાર સેવાનું લઘુતમ ધોરણ જાળવવું પણ મુશ્કેલ બનશે. બીજી તરફ,૧૦માંથી એક કાઉન્સિલને સેવામાં સૂચિત કાપ સામે લોકો દ્વારા કાનૂની પડકાર અપાય તેવી ધારણા છે.

લગભગ ૫૦ ટકા કાઉન્સિલ વેસ્ટ કલેક્શન, પાર્કિંગ, આર્ટ્સ અને કલ્ચર, પાર્ક્સ અને મનોરંજન પ્રવૃત્તિઓ, રોડ્સ સહિતની સેવા ઘટાડવા અથવા તેનો ચાર્જ વધારવા તેમજ કેટલીક સેવાઓ પર નવેસરથી ટેક્સ લાદવા વિચારી રહી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter