લંડનઃ કોરોના વાઈરસની અશ્વેત, એશિયન અને વંશીય લઘુમતી (BAME) સમુદાયોના આરોગ્ય પરની વિષમ અસરો સંબંધિત વિવિધ ચોંકાવનારા તારણો બહાર આવી રહ્યા છે. BAME કોમ્યુનિટીઝમાં આરોગ્ય અસમાનતાના ઈંગ્લેન્ડના સૌથી મોટા અભ્યાસમાં કેટલાક વંશીય લઘુમતી સમૂહો પર આરોગ્યલક્ષી અસરો એવી જોવા મળી છે કે અસરગ્રસ્ત વ્યક્તિની વાસ્તવિક ઉંમર હોય તેના કરતાં તે વધુ ૨૦ વર્ષ મોટી જણાય છે. આ સમૂહોમાં મોટા ભાગે લોકો ગરીબ હોય છે એટલું જ નહિ, ખરાબ સ્વાસ્થ્યથી પીડાતા હોવાની પણ શક્યતા રહે છે. આ ઉપરાંત, તેમને GP સર્જીની મુલાકાતોમાં ખરાબ સારવાર, હાઉસિંગ અને સોશિયલ કેર જેવી સ્થાનિક સર્વિસીસ તરફથી અપૂરતી મદદ મળવાની શક્યતા પણ વધુ રહે છે. આ અભ્યાસમાં ૫૫ વર્ષથી વધુ વયના આશરે ૧.૪ મિલિયન પુખ્ત લોકોને આવરી લેવાયા હતા જે, શ્વેત લોકોની સરખામણીએ અશ્વેત અને સાઉથ એશિયન વંશીય પશ્ચાદભૂના લોકોને શા માટે કોવિડ-૧૯થી મોતનું વધુ જોખમ હોય છે તે બાબતે નવી સમજ આપે છે.
કોરોના મહામારીના આરંભના દિવસોથી જ શ્વેત લોકોની સરખામણીએ અશ્વેત અને સાઉથ એશિયન વંશીયતાના લોકોને કોવિડ-૧૯થી મોતનું જોખમ વધુ હોવાનું સાંભળતા આવ્યા છીએ. આમાં, લોકોની રુબરુ વધુ રહેવું પડે તેવી ઈન્ડસ્ટ્રીઝમાં કામકાજ અથવા કેટલાક વંશીય જૂથોમાં અનેક પેઢીના લોકો ઓછી આવક અને ઓછી જગ્યામાં પારિવારિક ઘરમાં એક સાથે રહેતા હોવા સહિતના કારણોથી કોરોના વાઈરસના સંક્રમણનો શિકાર બનવા સહિતની શક્યતાનો પણ સમાવેશ થાય છે.
ધ લેન્સેટ પબ્લિક હેલ્થમાં પ્રસિદ્ધ નવા સૌથી મોટા સેમ્પલના અભ્યાસમાં જુલાઈ ૨૦૧૪થી એપ્રિલ ૨૦૧૭ના ગાળામાં સમગ્ર ઈંગ્લેન્ડમાં જીપી પ્રેક્ટિસીસમાં નોંધાયેલા અને વંશીય લઘુમતી જૂથ તરીકે ઓળખાવનારા ૧૫૦,૦૦૦થી વધુ લોકોના પ્રતિભાવોનું વિશ્લેષણ કરાયું છે. આ લોકોને જીપી પ્રેક્ટિસની મુલાકાતના અનુભવો તેમજ દૈનિક જીવનના વોકિંગ, વોશિંગ અને ડ્રેસિંગ, ઘરકામ અથવા મિત્રો અને પરિવારની મુલાકાત જેવી બાબતો પર તેમના આરોગ્યની અસરો વિશે પ્રશ્નો કરાયા હતા. યુનિવર્સિટી ઓફ માન્ચેસ્ટરના રુથ વિલ્કિન્સન અને તેમના સાથીઓના તારણો અનુસાર શ્વેત બ્રિટિશ લોકોની સરખામણીએ વશીય લઘુમતી સમૂહોના લોકો ટાઈપ ટુ ડાયાબિટીસ, હાઈ બ્લડ પ્રેશર અથવા સ્થૂળતા જેવી લાંબી બીમારીઓથી પીડાતા હોવાની શક્યતા વધુ રહે છે. ડાયાબિટીસ અને સ્થૂળતા જેવી બીમારીઓ કોરોના વાઈરસથી મોતના જોખમને વધારે છે.
અભ્યાસમાં જણાયું હતું કે શ્વેત બ્રિટિશ લોકોની સરખામણીએ તમામ વંશીય લઘુમતી ગ્રૂપ્સના લોકોની આરોગ્ય સંબંધિત જીવનની ગુણવત્તા ખરાબ જ હોય છે. ૬૦ વર્ષની વય ધરાવતા પાંચ સમૂહો - બાંગલાદેશી, પાકિસ્તાની, આરબ અને જિપ્સી અથવા આઈરિશ ટ્રાવેલરનું સરેરાશ આરોગ્ય ૮૦ વર્ષના લોકોની જેટલું જ હોય છે. માત્ર ચાઈનીઝ અને અશ્વેત આફ્રિકન લોકો સરેરાસ કરતાં સારું આરોગ્ય ધરાવતા હતા. યુકેના અનેક વંશીય જૂથોમાં આરોગ્યની અસમતુલા હોવાનું જાણીતું હોવાં છતાં, આ ડેટા ૧૬ કરતાં વધુ વર્ષ અગાઉ કરાયેલા સર્વે પર આધારિત છે જેમાં, આરબ અને આઈરિશ ટ્રાવેલર કોમ્યુનિટીઝ જેવાં નાના વંશીય જૂથો વિશેની માહિતી નહિવત હતી.
પ્રેસ્ટનના એવેન્હામની જીપી સર્જરીમાં કાર્યરત ડો. આરિફ દાસુના કહેવા મુજબ આ સમસ્યા સરકાર પક્ષે નાણાભંડોળ, સંપર્ક અને સમજના અભાવની છે. જૂની પેઢીઓએ રંગભેદી, સામાજિક અને ભાષાકીય અવરોધોનો સામનો કરવો પડ્યો હતો. કોકેશિયન અથવા શ્વેત બ્રિટિશરની સરખામણીએ આ લોકોને ઓછી ગંભીરતાથી લેવાય છે તેવી લાગણીથી સર્વિસીસ અને સરકાર પ્રત્યે વિશ્વાસનો ભાવ સર્જાયો હતો. સાઉથ એશિયનોની પ્રથમ પેઢી નીચા વર્કિંગ ક્લાસ પશ્ચાદભૂમાં સ્થિર થઈ હતી અને આરોગ્ય તેમના માટે સર્વોચ્ચ પ્રાથમિકતા ન હતી.
તાજેતરના એક વિશ્લેષણ અનુસાર ઈંગ્લેન્ડમાં ૮૦ અને વધુ વયના વંશીય લઘુમતી જૂથોના લોકોમાં કોવિડ-૧૯નું વેક્સિન લેવાનો દર શ્વેત સમકક્ષોની સરખામણીએ ઘણો નીચો છે. તાજેતરના ઘણા રાષ્ટ્રીય સર્વેમાં સામાન્ય વસ્તીની સરખામણીએ BAME પશ્ચાદભૂના લોકો દ્વારા કોવિડ-૧૯નું વેક્સિન લેવાના ઈનકારની વધુ શક્યતા દર્શાવાઈ હતી.


