લંડનઃ ઈંગ્લેન્ડમાં હજારો બાળકોને કોઈ ગેન્ગના હિસ્સા તરીકે ઓળખી કઢાયાં છે પરંતુ સત્તાવાળાની નજરમાં તેમની ઘણી ઓછી સંખ્યા હોવાનું મહત્ત્વપૂર્ણ રિપોર્ટમાં બહાર આવ્યું છે. ચિલ્ડ્રન્સ કમિશનર એન લોન્ગફિલ્ડના રિપોર્ટ અનુસાર યુવાન કે નાના છોકરા-છોકરીઓ પોલીસની નજરમાં ન હોવાની શક્યતાના કારણે ક્રિમિનલ ગેન્ગ્સ તેઓની ભરતી કરે છે. બાળકોનાં આપરાધિક શોષણને રાષ્ટ્રીય પ્રાથમિકતા ગણવાની સલાહ પણ સરકારને આપવામાં આવી છે.
અભ્યાસને જાહેર કરતા ચિલ્ડ્રન્સ કમિશનર મિસ લોન્ગફિલ્ડે જણાવ્યું હતું કે ઈંગ્લેન્ડમાં કાર્યરત જટિલ અને કઠોર ક્રિમિનલ ગેન્ગ્સ બાળકોને લલચાવવા અદ્યતન ટેક્નિક્સનો અને તેમને અંકુશમાં રાખવા હિંસાનો પણ ઉપયોગ કરે છે. ઈંગ્લેન્ડના શહેરો અને નગરોમાં હજારો બાળકો જોખમમાં છે. બાળકોનાં રક્ષણ માટે ખાસ ધ્યાન આપવાની જરૂરિયાત પણ તેમણે દર્શાવી હતી.
ઓફિસ ઓફ ચિલ્ડ્રન્સ કમિશનર દ્વારા ક્રાઈમ સર્વે ડેટાના વિશ્લેષણમાં જણાવાયું છે કે ૧૦થી ૧૭ વર્ષ વચ્ચેના ૨૭,૦૦૦ બાળકોને સ્ટ્રીટ ગેન્ગના સભ્ય તરીકે ઓળખી કઢાયાં છે. સ્ટ્રીટ ગેન્ગ ચોક્કસ વિસ્તારમાં સાથે ફરતા યુવાન લોકોનું જૂથ છે, જેઓ પોતાના નિયમો અને નેતા ધરાવે છે તેમજ સાથે મળી ગુનાઓ આચરે છે. સરકારી પ્રવક્તાએ જણાવ્યું હતું કે નિર્દય ગેન્ગ્સ પર ત્રાટકી અસલામત બાળકોનું રક્ષણ કરવા અમે કટિબદ્ધ છીએ.


