લંડનઃ ઈંગ્લેન્ડમાં નીચા જન્મદરના કારણે બાળકોની સંખ્યામા નોંધપાત્ર ઘટાડો થયો છે અને તેના કારણે 2029 સુધીમાં 800 જેટલી પ્રાઈમરી સ્કૂલ્સ બંધ થઈ જશે તેમ એજ્યુકેશન પોલિસી ઈન્સ્ટિટ્યૂટ થિન્કટેન્કના અભ્યાસમાં જણાવાયું છે. આગામી પાંચ વર્ષમાં પ્રાઈમરી વિદ્યાર્થીઓની સંખ્યા 4 ટકા જેટલી ઘટી શકે છે જેનાથી 162,000 વિદ્યાર્થી ઘટશે.
રાષ્ટ્રીય સ્તરે મુખ્યત્વે ઓછાં જન્મદરના કારણે સરકારી પ્રાઈમરી સ્કૂલ્સમાં ઘટાડો થશે પરંતુ, લંડનમાં તેની અસર વધુ જણાશે. લોકો મોટી સંખ્યામાં લંડનથી બહાર સ્થળાંતર કરી રહ્યા છે, અથવા વિદેશ જવા માટે સરકારી સિસ્ટમ છોડી રહ્યા છે અથવા પોતાના બાળકોને અભ્યાસાર્થે ખાનગી શાળાઓમાં મોકલી રહ્યા છે.
બાળકોની સંખ્યા ઘટવાથી ઘણી કાઉન્સિલો પ્રાઈમરી સ્કૂલ્સ ચાલુ રાખવામાં મુશ્કેલી અનુભવી રહી છે. બીજી તરફ, સ્કૂલને ફંડિંગ વિદ્યાર્થીઓની સંખ્યા સાથે સંકળાયેલું હોવાથી ઈંગ્લેન્ડના ઘણા વિસ્તારોમાં શાળાઓના મર્જર અને બંધ કરવાનું પ્રમાણ વધી ગયું હોવાનું પણ અભ્યાસમાં જણાવાયું છે.
નેશનલ પ્રાઈમરી વિદ્યાર્થીઓની સંખ્યા 2018-19માં સૌથી વધુ એટલે કે 4.5 મિલિયન જેટલી હતી. આ પછી, કુલ સંખ્યામાં 2 ટકાનો ઘટાડો થયો છે અને આગામી પાંચ વર્ષમાં વધુ 4 ટકાનો ઘટાડો થવાની આગાહી છે. આ મુજબ 2029 સુધીમાં માત્ર 4.24 મિલિયન પ્રાઈમરી સ્કૂલ વિદ્યાર્થીઓ હશે. 162,000 વિદ્યાર્થીના ઘટાડાનો અર્થ 800 એકલ ધોરણની પ્રાઈમરી સ્કૂલ્સ થાય છે જે આ ગાળામાં બંધ થઈ શકે છે.


